નિલય પટેલ | સાવલી
સાવલીમાં રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ નિમિત્તે નિઃશુલ્ક આયુર્વેદિક-હોમિયોપેથીક કેમ્પ યોજાયો

સાવલીના ભીમનાથ મહાદેવ મંદિર ખાતે 23 સપ્ટેમ્બર, 2026ના રોજ 11મા રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણીના ભાગરૂપે સાવલી અને ડેસર તાલુકાના સંયુક્ત ઉપક્રમે નિઃશુલ્ક આયુર્વેદિક તથા હોમિયોપેથીક નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ વર્ષની રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની થીમ ‘સ્વસ્થ ભવિષ્ય માટે આયુર્વેદ’ રાખવામાં આવી છે. કેમ્પમાં ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, સંધિવા, ચામડીના રોગો, સ્ત્રી રોગો અને બાળ રોગ સહિત વિવિધ બીમારીઓનું નિદાન તથા સારવાર કરવામાં આવી હતી.
કેમ્પ દરમિયાન અગ્નિકર્મ દ્વારા પેઇન મેનેજમેન્ટ, પ્રકૃતિ પરીક્ષણ અને રસોડામાં ઉપલબ્ધ ઔષધીય વસ્તુઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉપરાંત ઔષધીય રોપાઓનું વિતરણ, અમૃતપેયનું વિતરણ તેમજ યોગ સેશનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પમાં સાવલી અને ડેસર તાલુકાની તબીબી ટીમ દ્વારા લોકોને સારવાર અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. આ પ્રસંગે સ્થાનિક આગેવાનો, મંદિર ટ્રસ્ટના પ્રતિનિધિઓ તથા શાળાના હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
