પીન્ટુ પટેલ | ડભોઇ
સાઠોદ તળાવમાં દોરીથી હાથ-પગ બાંધેલી હાલતમાં યુવાનનો મૃતદેહ મળ્યો ડભોઈ તાલુકાના સાઠોદ ગામે તળાવમાંથી શંકાસ્પદ હાલતમાં યુવાનનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે. મળતી પ્રાથમિક માહિતી મુજબ છેલ્લા ત્રણ દિવસથી ગુરુશરણ નામનો યુવાન ગુમ હતો. દરમિયાન સાઠોદ ગામના તળાવમાંથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો.

મૃતદેહની હાલત શંકાસ્પદ હોવાનું સામે આવ્યું છે અને યુવાનના હાથ-પગ દોરીથી બાંધેલા મળી આવતા હત્યાની આશંકા વધુ ઘેરી બની છે. ઘટનાની જાણ થતાં ડભોઈ પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો.

ડભોઈ પોલીસ સ્ટેશનના PI એ. ટી. પટેલ સહિત પોલીસ સ્ટાફે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ દ્વારા યુવાનના મોતનું ચોક્કસ કારણ જાણવા તેમજ સમગ્ર ઘટનાની કડી જોડવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે.
પ્રાથમિક તપાસમાં યુવાનની હત્યા કરવામાં આવી હોવાની આશંકા વ્યક્ત થઈ રહી છે, જોકે હત્યાનું ચોક્કસ કારણ, આરોપી અને ઘટનાની સંપૂર્ણ હકીકત પોલીસ તપાસ તથા પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ સ્પષ્ટ થશે. ઘટનાને પગલે સાઠોદ ગામ સહિત સમગ્ર ડભોઈ તાલુકામાં ચકચાર મચી છે.
