વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જાહેરજીવનમાં સેવા અને સમર્પણના 25 વર્ષ પૂર્ણ થવાની ઉજવણીના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટી દ્વારા ચાલી રહેલા ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત ઘોઘંબા મંડળની કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું.
ઘોઘંબા તાલુકા પંચાયત કચેરી ખાતે આવેલા બી.આર.જી.એફ. હોલમાં યોજાયેલી આ કાર્યશાળામાં ભાજપના સંગઠનને વધુ મજબૂત બનાવવા તેમજ સેવા અને સંકલ્પના ભાવ સાથે કાર્યકર્તાઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યશાળામાં ગુજરાત પ્રદેશ ભાજપના ઉપપ્રમુખ તથા હાલોલ વિધાનસભાના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર સહિત ઘોઘંબા મંડળના સંગઠનના હોદ્દેદારો, સરપંચો અને વિવિધ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ બેઠકમાં ઘોઘંબા મંડળ સંગઠનના તાલુકા તથા જિલ્લા કક્ષાના હોદ્દેદારો, ચૂંટાયેલા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના સભ્યો, તાલુકા-જિલ્લા મોરચાના હોદ્દેદારો, તમામ શક્તિ કેન્દ્રોના સંયોજકો, ગ્રામ પંચાયતોના સરપંચો, APMCના ડિરેક્ટરો તેમજ સહકારી સંસ્થાઓના હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા.
કાર્યશાળાની વિશેષતા એ રહી કે ઉપસ્થિત તમામ કાર્યકર્તાઓ પોતપોતાનું ટિફિન સાથે લઈને આવ્યા હતા અને કાર્યશાળા દરમિયાન સૌએ સાથે બેસીને ભોજન લીધું હતું. કાર્યકર્તાઓ વચ્ચે એકતા, સાદગી અને સંગઠનભાવના સાથે સામૂહિક જમણવારનો માહોલ જોવા મળ્યો હતો.

ભાજપના સંગઠનને ગ્રામ્ય સ્તર સુધી વધુ મજબૂત બનાવવા તથા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સેવા અને સમર્પણના સંદેશને જન-જન સુધી પહોંચાડવાના સંકલ્પ સાથે ઘોઘંબા મંડળની આ કાર્યશાળા યોજાઈ હતી.
