ક્રિકેટના મેદાન પર સાવલીના યુવા પ્રતિભાશાળી ક્રિકેટર દેવ પટેલે કેનેડાની ધરતી પર પોતાની બેટિંગનો જોરદાર પરચો આપીને સાવલી સહિત સમગ્ર ગુજરાતનું નામ રોશન કર્યું છે. સાવલીના સિનિયર પત્રકાર તથા ભીમનાથ મહાદેવ મંદિરના ટ્રસ્ટી વિમલભાઈ પટેલના પુત્ર દેવ પટેલ હાલ કેનેડામાં રહી કન્ટ્રી ક્રિકેટમાં પોતાની પ્રતિભા અજમાવી રહ્યા છે. ટોરાંટો ખાતે રમાયેલી કન્ટ્રી ક્રિકેટ લીગની મેચમાં દેવ પટેલે એવી આક્રમક બેટિંગ કરી કે મેદાનમાં ફટકાબાજીનું વાવાઝોડું સર્જાયું હતું.
દેવ પટેલે માત્ર 66 બોલમાં શાનદાર સદી ફટકારી હતી. ચોગ્ગા અને છગ્ગાની રમઝટ વચ્ચે તેમણે મેદાનની ચારે તરફ આક્રમક ફટકાબાજી કરતાં હરીફ ટીમના બોલરોની હાલત કફોડી બનાવી દીધી હતી. દેવ પટેલની આક્રમક બેટિંગ સામે હરીફ ટીમના બોલરો રીતસરના લાચાર બની ગયા હતા. એક પછી એક બાઉન્ડ્રી અને સિક્સર ફટકારતા દેવ પટેલે દર્શકોમાં પણ ભારે ઉત્સાહ જગાવ્યો હતો. માત્ર 66 બોલમાં સદી પૂર્ણ કરીને તેમણે પોતાની આક્રમક બેટિંગ ક્ષમતાનો જોરદાર પરચો આપ્યો હતો. સદી ફટકાર્યા બાદ પણ દેવ પટેલનો બેટિંગનો તોફાન અટક્યો નહોતો. મેચ દરમિયાન તેમણે પોતાના દાવમાં 150 રનની શાનદાર ઇનિંગ્સ રમીને ટીમના સ્કોરને મજબૂત બનાવવામાં મહત્વનું યોગદાન આપ્યું હતું.

સાવલીના ઊગતા સિતારાએ કેનેડામાં વગાડ્યો ગુજરાતનો ડંકો દેવ પટેલની આ ધમાકેદાર ઇનિંગ્સના સમાચારથી સાવલીના રમતપ્રેમીઓમાં ખુશીની લહેર ફરી વળી છે. નાની ઉંમરથી જ ક્રિકેટ પ્રત્યેનો લગાવ, સતત મહેનત અને રમત પ્રત્યેના જુસ્સાના પરિણામે દેવ પટેલ હવે કેનેડાની ધરતી પર પોતાની અલગ ઓળખ બનાવી રહ્યા છે.
માત્ર 66 બોલમાં સદી અને 150 રનની તોફાની ઇનિંગ્સ સાથે દેવ પટેલે પોતાની બેટિંગ પ્રતિભાનો જોરદાર પરચો આપ્યો છે. તેમની આ સિદ્ધિથી પરિવારજનો, મિત્રો તેમજ સાવલીવાસીઓમાં ગૌરવની લાગણી પ્રસરી છે.
