* VMC હસ્તકના પાર્કિંગમાં 20 રૂપિયા વસૂલાય છે, પરંતુ ગ્રાહકોને પાવતી અપાતી નથી
વડોદરા શહેરના મંગળબજારને અડીને આવેલા સાંઈનાથ પે એન્ડ પાર્ક, જરીવાલા ખાતે પાર્કિંગના નામે વાહનચાલકો પાસેથી ઉઘાડી લૂંટ થતી હોવાની હકીકત સામે આવી છે.
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના હસ્તકના આ પાર્કિંગમાં વાહન પાર્ક કરવા માટે 20 રૂપિયા વસૂલવામાં આવતા હોવા છતાં ગ્રાહકોને કોઈપણ પ્રકારની પાવતી આપવામાં આવતી નથી, તેવી ફરિયાદો ઉઠી છે.
અગાઉ પાર્કિંગ માટે 10 રૂપિયાની પહોંચ આપવામાં આવતી હતી, પરંતુ હવે પાવતી વિના જ તેની બમણી એટલે કે 20 રૂપિયા વસૂલવામાં આવી રહ્યા છે.
મહત્વની વાત એ છે કે 20 રૂપિયા વસૂલ્યા બાદ પણ ગ્રાહકને કોઈ રસીદ કે પહોંચ આપવામાં ન આવતી હોવાના કારણે પાર્કિંગ માટે ખરેખર કેટલા રૂપિયા વસૂલવામાં આવ્યા તેનો કોઈ લેખિત પુરાવો ગ્રાહક પાસે રહેતો નથી.
પાર્કિંગ સ્થળે લગાવવામાં આવેલા નોટિસ બોર્ડમાં વાહનને કોઈ નુકસાન થાય તો તેની જવાબદારી પાર્કિંગ સંચાલનની નહીં રહે તેવી સૂચના પણ લખવામાં આવી હોવાનું બોર્ડ લગાવવામાં આવ્યું છે.
અહીં સવાલ એ છે કે ગ્રાહક પાસેથી પાર્કિંગના પૈસા વસૂલવામાં આવે છે, પરંતુ વાહનની સુરક્ષાની જવાબદારી કોણ લેશે?
એક તરફ 20 રૂપિયા પાર્કિંગ ચાર્જ વસૂલાય અને બીજી તરફ પાવતી પણ નહીં મળે તથા વાહનને નુકસાન થાય તો જવાબદારી પણ નહીં તો પછી ગ્રાહકને પાર્કિંગ ચાર્જના બદલામાં સુવિધા અને સુરક્ષા શું મળી રહી છે?
VMCના અધિકારીઓને જાણ છે કે નહીં?
સૌથી મોટો સવાલ હવે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન સામે ઊભો થયો છે.
VMC હસ્તકના પાર્કિંગમાં પાવતી વિના વસૂલાત થઈ રહી હોવાના આક્ષેપો અંગે તંત્રને જાણ છે કે નહીં? જો જાણ છે તો અત્યાર સુધી કાર્યવાહી કેમ નહીં? અને જો જાણ નથી તો શું VMCના જવાબદાર અધિકારીઓ દ્વારા પાર્કિંગના વહીવટની યોગ્ય દેખરેખ રાખવામાં આવે છે કે નહીં?
હવે વાહનચાલકો દ્વારા માંગ ઉઠી રહી છે કે સાંઈનાથ પે એન્ડ પાર્કમાં વસૂલવામાં આવતા પાર્કિંગ ચાર્જ, પાવતીની વ્યવસ્થા અને વાહનની સુરક્ષા અંગે VMC દ્વારા તાત્કાલિક તપાસ કરવામાં આવે.
સાથે જ જો નિયમોનું ઉલ્લંઘન થતું હોવાનું સામે આવે તો જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવે તેવી પણ માંગ ઉઠી છે.
પાર્કિંગના નામે ગ્રાહકો પાસેથી પૈસા તો વસૂલાય છે… પરંતુ પાવતી નહીં અને જવાબદારી પણ નહીં… તો પછી આ પાર્કિંગ વ્યવસ્થા છે કે ગ્રાહકોની મજબૂરીનો લાભ? હવે જોવાનું એ રહેશે કે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન આ ગંભીર આક્ષેપો અંગે શું કાર્યવાહી કરે છે.
