મહિલા અને બાળ વિકાસ વિભાગ હેઠળ આઈ.સી.ડી.એસ. શાખા, જિલ્લા પંચાયત, વડોદરા દ્વારા પોષણ ઉત્સવ-૨૦૨૬ અંતર્ગત વડોદરા (ગ્રામ્ય) જિલ્લામાં સફળતાપૂર્વક “પૌષ્ટિક વાનગી સ્પર્ધા-૨૦૨૬” નું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર જિલ્લાના ૧૧ ઘટક તેમજ ૫૭ સેજા કક્ષાએ યોજાયેલી આ સ્પર્ધામાં આંગણવાડી કાર્યકર બહેનોએ ઉત્સાહભેર ભાગ લઈ પોતાની પોષણયુક્ત વાનગીઓનું નિદર્શન કર્યું હતું.
આ સ્પર્ધાનો મુખ્ય હેતુ ટેક હોમ રાશન (THR) – બાલશક્તિ, માતૃશક્તિ, પૂર્ણાશક્તિ તેમજ સરગવો અને પોષકતત્વોથી સભર મિલેટ્સ (શ્રી અન્ન) જેવા કે બાજરી, જુવાર, રાગી, બંટી, કોદરી, મોરૈયો અને રાજગરાનો રોજિંદા આહારમાં ઉપયોગ વધારવાનો છે. સ્થાનિક કક્ષાએ ઉપલબ્ધ સામગ્રીમાંથી ઓછા સમયમાં સરળતાથી બને અને બાળકો તથા પરિવારને ભાવે તેવી વૈવિધ્યસભર અને આરોગ્યપ્રદ વાનગીઓ કાર્યકર બહેનો દ્વારા રજૂ કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, આંગણવાડી કેન્દ્રો દ્વારા દર મહિને ૭ માસ થી ૩ વર્ષના બાળકોને ‘બાલશક્તિ’, સગર્ભા તથા ધાત્રી માતાઓને ‘માતૃશક્તિ’ અને ૧૫ થી ૧૮ વર્ષની કિશોરીઓને ‘પૂર્ણાશક્તિ’ પેકેટ્સ વિનામૂલ્યે આપવામાં આવે છે.
કાર્યક્રમ દરમિયન વાનગીના સ્વાદ, દેખાવ અને પોષણમૂલ્ય જાળવી રાખનાર શ્રેષ્ઠ વાનગી બનાવનાર કાર્યકર બહેનોને પ્રમાણપત્ર અને ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
આ સમગ્ર આયોજનમાં સ્થાનિક પદાધિકારીઓ, અધિકારીઓ, આગેવાનો, એન.જી.ઓ. સ્ટાફ, આઈ.સી.ડી.એસ. વિભાગના કર્મચારીઓ અને ગ્રામજનોએ મોટી સંખ્યામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.
