વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વડોદરા શહેર ખાતે વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત માટે પધારી રહ્યા છે. આ ઐતિહાસિક અવસરને વધાવવા માટે આજે સાંજે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની અધ્યક્ષતામાં દાંડિયા બજાર સ્થિત ફેકલ્ટી ઓફ ટેકનોલોજીથી વાયા કીર્તિસ્તંભ સુરસાગર તળાવ સુધી એક વિશાળ ‘વિકસિત ભારત પદયાત્રા’ યોજાઈ હતી. વડોદરા મહાનગરપાલિકા અને શહેરના નગરજનો આ ‘નમો ફોર વિકસિત ભારત @ વડોદરા’ કાર્યક્રમમાં ઉત્સાહભેર જોડાયા હતા.
નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું હતું કે, વડોદરાની જનતામાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ કાર્યક્રમ માટે પ્રથમ વખત ઓનલાઈન ટિકિટિંગ વ્યવસ્થા કરવામાં આવી હતી, જેમાં માત્ર એક જ કલાકમાં તમામ બેઠકો બુક થઈ ગઈ હતી અને ઉપલબ્ધ ક્ષમતા કરતા ત્રણ ગણી વધુ ટિકિટની માંગ નોંધાઈ હતી. લોકોના આ ભારે ઉત્સાહને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્ર દ્વારા વિશેષ ‘ફેન ઝોન’ પણ ઊભા કરવામાં આવ્યા છે, જેથી તમામ લોકો સરળતાથી આ કાર્યક્રમ નિહાળી શકે.

આ પદયાત્રામાં હર્ષભાઈ સંઘવી સાથે વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ, રાજ્યમંત્રી મનીષાબેન વકીલ, સાંસદ ડો. હેમાંગ જોષી, સહિતના પદાધિકારીઓ, વડોદરા મહાનગરપાલિકાના કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ, યુવાનો, NCC કેડેટ્સ તેમજ વડોદરાના પ્રબુદ્ધ નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. નાયબ મુખ્યમંત્રીએ વડોદરા શહેરના તમામ નાગરિકોનો આ સંકલ્પને આગળ વધારવા માટે અદભુત સહકાર આપવા બદલ આભાર વ્યક્ત કરી તેમને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા.
આ ઉજવણીના ભાગરૂપે ગત રોજ સાયકલ યાત્રા યોજાયા બાદ આજે સાંજે ત્યારબાદ સુરસાગર તળાવ ખાતે પ્રખ્યાત ગાયક કૈલાશ ખેરની વિશેષ ઉપસ્થિતિમાં એક ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાયો હતો. આ સાંજની સભામાં વડોદરાને સ્વચ્છ બનાવવામાં જેમણે વિશેષ યોગદાન આપ્યું છે તેવા ‘સ્વચ્છતા દૂતો’નું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું.
