11 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે ગુજરાતી ફિલ્મ ‘આકાશ ગંગા’
વડોદરા : ગુજરાતી સિનેમામાં પ્રેમ, લાગણી અને સંબંધોની ઊંડી સંવેદનાઓને રજૂ કરતી નવી ફિલ્મ ‘આકાશ ગંગા’ આગામી શુક્રવાર, તા. 11 સપ્ટેમ્બર, 2026ના રોજ દર્શકોના મનોરંજન માટે સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મની વાર્તા પતિ-પત્ની વચ્ચેના અતૂટ પ્રેમ, વિશ્વાસ, વફાદારી અને સંજોગોના કારણે સર્જાતા વિયોગની આસપાસ આકાર લે છે.
‘આકાશ ગંગા’ની ખાસિયત એ છે કે ફિલ્મમાં પ્રેમને માત્ર રોમાન્સ પૂરતો સીમિત રાખવામાં આવ્યો નથી, પરંતુ પતિ-પત્નીના સંબંધમાં રહેલો વિશ્વાસ, લાગણી અને એકબીજા વિના અધૂરાપણાની અનુભૂતિ પણ દર્શાવવામાં આવી છે.
ફિલ્મની વાર્તામાં પતિ-પત્ની એકબીજાને અત્યંત પ્રેમ કરે છે. બંને વચ્ચે ગાઢ વિશ્વાસ અને વફાદારી હોવા છતાં સમય અને સંજોગો એવી પરિસ્થિતિ ઊભી કરે છે કે બંનેને છૂટાછેડા લેવા માટે મજબૂર થવું પડે છે. જે વ્યક્તિમાં પોતાનું સમગ્ર સુખ સમાયેલું છે, તે જ વ્યક્તિથી અલગ થવાની વેદના બંનેના જીવનને હચમચાવી નાખે છે.

છૂટાછેડા બાદ બંનેની જિંદગી કઈ દિશામાં આગળ વધે છે અને આખરે તેઓ ફરી એકબીજાને કેવી રીતે મળે છે, તે ફિલ્મનો સૌથી રસપ્રદ અને ઈમોશનલ ભાગ છે. પ્રેમ, વિયોગ, લાગણી અને પુનઃમિલનની આ આંટી-ઘૂંટી ભરેલી સફર દર્શકોને અંત સુધી જકડી રાખે તેવી અપેક્ષા છે.
પ્રેમના મધુર ગીતો બનશે ફિલ્મનું આકર્ષણ
‘આકાશ ગંગા’માં વાર્તાની સાથે સંગીતને પણ વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. ફિલ્મના ગીત-સંગીતની જવાબદારી જસ્ટિન પરમારે સંભાળી છે. ફિલ્મમાં પ્રેમની લાગણીઓને વ્યક્ત કરતા મધુર ગીતો છે, જે દર્શકોને ખાસ પસંદ પડે તેવી આશા ફિલ્મની ટીમ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
આકાશ ભીલની કલમથી સર્જાયેલી કહાની
ફિલ્મની સ્ટોરી અને સ્ક્રીનપ્લે તેમજ ક્રિયેટિવ ડિરેક્શન આકાશ ભીલે સંભાળ્યું છે, જ્યારે ફિલ્મનું દિગ્દર્શન કિશોર બી. ગોટી દ્વારા કરવામાં આવ્યું છે.
ફિલ્મના કેમેરામેન તરીકે પ્રધ્યુમન રાવળ, જ્યારે એડિટિંગ સાગર ગોટી દ્વારા કરવામાં આવ્યું છે.
ફિલ્મમાં આકાશ ભીલ, જ્યોતિન દવે, મોની પટેલ, લલીત શર્મા, રાજકુમાર સોની અને સુષ્મા જાદવ સહિતના કલાકારો અભિનય કરતા જોવા મળશે.
22 ફિલ્મોમાં લીડ હિરોઈન, હવે નિર્માત્રી તરીકે નવી ઈનિંગ
‘આકાશ ગંગા’ સાથે ફિલ્મ જગતમાં એક રસપ્રદ સફર પણ જોડાયેલી છે. ફિલ્મની નિર્માત્રી કચરોલા મોનીકા, એટલે કે મોની પટેલ, અગાઉ અભિનેત્રી તરીકે પોતાની ઓળખ બનાવી ચૂકી છે.
મોની પટેલે અત્યાર સુધીમાં 22 જેટલી ફિલ્મોમાં લીડ હિરોઈન તરીકે અભિનય કર્યો છે, જ્યારે 18 ફિલ્મોના એડિટિંગનું કામ પણ કર્યું છે. હવે તેમણે નિર્માત્રી તરીકે પોતાની નવી ઇનિંગની શરૂઆત કરી છે અને ‘આકાશ ગંગા’ તેમની પ્રથમ ફિલ્મ છે, જેમાં તેઓ નિર્માત્રી તરીકે જોડાયા છે.
અભિનયથી લઈને એડિટિંગ અને હવે ફિલ્મ નિર્માણ સુધીની તેમની સફર ‘આકાશ ગંગા’ને લઈને ખાસ બની છે.
પ્રેમ ક્યારેક સાથે રહેવાનું નામ નથી, પણ દૂર રહીને પણ એકબીજાને અનુભવવાનું નામ છે…
પતિ-પત્નીના સંબંધમાં પ્રેમ અને વિશ્વાસ હોવા છતાં સંજોગો તેમને અલગ કરી દે તો શું થાય? અને જો દિલમાંથી પ્રેમ ક્યારેય ઓછો ન થાય તો શું તેઓ ફરી એક થઈ શકે?
આવા જ અનેક સવાલોના ભાવનાત્મક જવાબો સાથે ‘આકાશ ગંગા’ 11 સપ્ટેમ્બરના રોજ દર્શકો સમક્ષ આવી રહી છે. પ્રેમ અને લાગણીસભર વાર્તા સાથે ફિલ્મના મધુર ગીતો પણ દર્શકોનું ધ્યાન ખેંચે તેવી શક્યતા છે.
