ગાંધીનગર ખાતે રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા સંસ્કૃત સપ્તાહની ઉજવણી અંતર્ગત વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સંસ્કૃત ભાષાના પ્રચાર-પ્રસાર અને વિદ્યાર્થીઓમાં સંસ્કૃત પ્રત્યે રસ તથા જાગૃતિ કેળવવાના હેતુથી રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
સંસ્કૃત સપ્તાહની ઉજવણી દરમિયાન વડોદરા જિલ્લામાં સંસ્કૃત ભાષાના પ્રચાર-પ્રસાર તથા વિવિધ પ્રવૃત્તિઓના સફળ આયોજન અને શ્રેષ્ઠ કામગીરી બદલ વડોદરા જિલ્લા શિક્ષણાધિકારી મહેશ પાંડેનું રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.
ગાંધીનગર ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં રાજ્ય મંત્રી ત્રિકમભાઈ છાંગાના હસ્તે જિલ્લા શિક્ષણાધિકારી મહેશ પાંડેને સન્માનપત્ર અર્પણ કરી તેમની કામગીરીને બિરદાવવામાં આવી હતી. સંસ્કૃત ભાષાના સંવર્ધન માટે જિલ્લા કક્ષાએ કરવામાં આવેલી કામગીરીની નોંધ લઈ આ સન્માન કરવામાં આવ્યું હતું.
આ સન્માન બદલ જિલ્લા શિક્ષણ વિભાગના અધિકારીઓ તથા કર્મચારીઓએ જિલ્લા શિક્ષણાધિકારી મહેશ પાંડેને અભિનંદન પાઠવ્યા હતા. સંસ્કૃત ભાષાના પ્રચાર-પ્રસાર અને તેના સમૃદ્ધ વારસા સાથે નવી પેઢીને જોડવા માટે જિલ્લામાં ભવિષ્યમાં પણ વિવિધ શૈક્ષણિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓને વધુ વેગ આપવામાં આવશે.
