આઝાદીના પાવન પર્વની ઉજવણીના ભાગરૂપે સાવલી નગરમાં ધારાસભ્ય કેતન ઈનામદારની આગેવાનીમાં ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી. દેશભક્તિના રંગે રંગાયેલી આ યાત્રામાં તાલુકાના મોટી સંખ્યામાં નાગરિકો, સ્થાનિક આગેવાનો, શાળાના વિદ્યાર્થીઓ તેમજ સરકારી કર્મચારીઓ ઉત્સાહભેર જોડાયા હતા.
સાવલી નગરમાં ભારે વાજતે-ગાજતે અને દેશભક્તિના જોશ સાથે તિરંગા યાત્રા નીકળી હતી. યાત્રામાં મામલતદાર કચેરી તથા પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને કર્મચારીઓ પણ જોડાયા હતા. હાથમાં તિરંગો લઈને મોટી સંખ્યામાં લોકો યાત્રામાં જોડાતા સમગ્ર નગર દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું.

ડીજેના તાલે ગુંજતા દેશભક્તિના ગીતો અને ‘ભારત માતા કી જય’ના નારાઓથી સાવલી નગર ગુંજી ઉઠ્યું હતું. યાત્રા દરમિયાન શૌર્ય, વીરતા અને દેશદાઝની લાગણી જોવા મળી હતી. શાળાના વિદ્યાર્થીઓમાં પણ તિરંગા યાત્રાને લઈને ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.
ધારાસભ્ય કેતન ઈનામદારની આગેવાનીમાં નીકળેલી આ ભવ્ય યાત્રાએ નગરમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું. માર્ગો પર દેશભક્તિના નારા અને હાથમાં લહેરાતા તિરંગાથી સમગ્ર વાતાવરણ રાષ્ટ્રભાવનાથી ઓતપ્રોત બન્યું હતું. મોટી સંખ્યામાં લોકોની ઉપસ્થિતિ વચ્ચે ભવ્ય તિરંગા યાત્રા ઉત્સાહભેર સંપન્ન થઈ હતી.

