શ્રી નારાયણ આરોગ્યધામ અન્નપૂર્ણા ટ્રસ્ટ તથા
લાયન્સ ક્લબ્સ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ 3232F1 તથા લાયન્સ ક્લબ ઓફ હાલોલના આયોજનમાં શ્રી નારાયણ ધામ, તાજપુરા ખાતે યોજાયેલ વૃક્ષારોપણ મહાકુંભ સમાજસેવા, આધ્યાત્મિક મૂલ્યો અને પ્રકૃતિ સંરક્ષણનું અનોખું પ્રેરણાસ્થાન બન્યો. રાજ્યભરમાંથી પધારેલા સંતો, સમાજસેવકો, વિવિધ સંસ્થાઓના હોદ્દેદારો, લાયન્સ પરિવારના સભ્યો અને પર્યાવરણપ્રેમીઓની ઉપસ્થિતિએ કાર્યક્રમને ભવ્યતા બક્ષી.
મહાનુભાવોનું વૈદિક મંત્રોચ્ચાર, પુષ્પવર્ષા અને પરંપરાગત સ્વાગત સાથે ભાવપૂર્વક અભિવાદન કરવામાં આવ્યું. સમગ્ર પરિસર ભક્તિ, સેવા અને હરિયાળીનો સંદેશ આપતું બની ગયું.
કાર્યક્રમ દરમિયાન મહેમાનોએ શ્રી નારાયણ આઈ હોસ્પિટલ, શ્રી નારાયણ નિવાસ અને વિરાટ નારાયણ વનની મુલાકાત લીધી.

શ્રી નારાયણ આઈ હોસ્પિટલ છેલ્લા અનેક દાયકાઓથી માનવસેવાના યજ્ઞરૂપે હજારો દર્દીઓને ગુણવત્તાસભર નેત્રચિકિત્સા સેવા આપી રહી છે.
શ્રી નારાયણ નિવાસ માનવતા, કરુણા અને સેવાભાવના સંસ્કારોનું જીવંત કેન્દ્ર છે.
વિરાટ નારાયણ વન દેશી વૃક્ષો, જૈવ વૈવિધ્ય, ઔષધીય વનસ્પતિ અને પર્યાવરણ જાગૃતિનું પ્રેરણાદાયી મોડેલ બની સમગ્ર ગુજરાત માટે હરિત આશાનું પ્રતીક બની રહ્યું છે.
પ્રોજેક્ટ ડિરેક્ટર લાયન મહેન્દ્રભાઈ શાહે સૌ મહાનુભાવોનું ઉષ્માભર્યું શાબ્દિક સ્વાગત કર્યું. ત્યારબાદ રાજેશભાઈ રાજગોરે શ્રી નારાયણ આરોગ્યધામ અન્નપૂર્ણા ટ્રસ્ટની સેવાયાત્રા, આરોગ્ય, શિક્ષણ, ગૌસેવા અને પર્યાવરણ ક્ષેત્રે ચાલી રહેલા વિવિધ લોકકલ્યાણકારી પ્રકલ્પોનો માહિતીસભર પરિચય આપ્યો.
પૂર્વ રાજ્યસભા સાંસદ ભરતસિંહ પરમાર પોતાના પ્રેરક સંબોધનમાં જણાવ્યું કે વૃક્ષારોપણ એ માત્ર પર્યાવરણ બચાવવાનો કાર્યક્રમ નથી, પરંતુ આવનારી પેઢીને જીવનનો અમૂલ્ય વારસો આપવાનો રાષ્ટ્રધર્મ છે.
પરમ પૂજ્ય ગોસ્વામી પંકજકુમાર મહારાજે પોતાના આશીર્વચનમાં જણાવ્યું કે “જે વૃક્ષ વાવે છે તે માત્ર એક છોડ નથી ઉછેરતો, પરંતુ અસંખ્ય જીવોના જીવનનું રક્ષણ કરે છે. વૃક્ષસેવા એટલે ઈશ્વરસેવા.”
આ કાર્યક્રમમાં આનંદ આશ્રમ, આરીવ ફાઉન્ડેશન, પ્લીઝ સ્માઇલ, પતંજલિ યોગ પરિવાર, આરોગ્ય ભારતી, ઈન્ડિયન નેચરોપથી ઓર્ગેનાઇઝેશન (INO) તેમજ અન્ય અનેક સામાજિક, આધ્યાત્મિક અને સેવાભાવી સંસ્થાઓના હોદ્દેદારો અને પ્રતિનિધિઓ વિશેષ ઉપસ્થિત રહ્યા. વિવિધ સંસ્થાઓના આગેવાનોએ પર્યાવરણ સંરક્ષણ માટે સંયુક્ત પ્રયાસો કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી.
કાર્યક્રમમાં ટ્રસ્ટી જયંતીભાઈ પંચાલ, સુનિલભાઈ શાહ, લાયન્સ ઇન્ટરનેશનલના જિલ્લા ગવર્નર સહિત પૂર્વ ગવર્નરો, કેબિનેટ હોદ્દેદારો, વિવિધ લાયન્સ ક્લબોના પ્રમુખો, સમાજના અગ્રણી નાગરિકો તથા વિવિધ ક્ષેત્રના મહાનુભાવોએ ૨૨૧ વૃક્ષારોપણ કરીને હરિત ભારતના સંકલ્પને મજબૂત બનાવ્યો.
‘વોકમેન ઓફ ઇન્ડિયા’ ડૉ. રાજુ એમ. ઠક્કરે સમગ્ર કાર્યક્રમનું પ્રેરણાદાયી સંચાલન કર્યું. તેમણે જણાવ્યું કે આ સેવા યજ્ઞ પૂજ્ય નારાયણ બાપુની કૃપા, આશીર્વાદ અને પ્રેરણાથી સતત આગળ વધી રહ્યો છે. તેમણે તમામ સંતો, મહાનુભાવો, લાયન્સ પરિવાર, ટ્રસ્ટીઓ, દાતાશ્રીઓ, વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ, સ્વયંસેવકો અને ઉપસ્થિત સૌનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો.
તેમણે પોતાના સમાપન સંદેશમાં કહ્યું કે
“વૃક્ષ એ પ્રકૃતિનું મંદિર છે.
એક વૃક્ષ એટલે હજારો શ્વાસ, સેંકડો જીવનું જીવન અને આવનારી પેઢી માટેનું અમૂલ્ય ભવિષ્ય.
ચાલો, વૃક્ષારોપણને માત્ર કાર્યક્રમ નહીં પરંતુ જીવનભરની સંસ્કૃતિ બનાવીએ.”
“વૃક્ષ વાવીએ – જીવન બચાવીએ.
પ્રકૃતિનું રક્ષણ કરીએ માનવતાનું ભવિષ્ય ઉજ્જવળ બનાવીએ.”
