(પ્રતિનિધિ:વનરાજસિંહ ખાંટ)
અરવલ્લી જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જિલ્લા પોલીસ દ્વારા દારૂ અને અન્ય નશીલા પદાર્થોની હેરાફેરી રોકવા માટે સતત સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. તે દરમિયાન જિલ્લા એલસીબીની ટીમે માલપુર પોલીસ મથક વિસ્તારના સાતરડા ગામ નજીક સફળ કાર્યવાહી કરીને વિદેશી દારૂ ભરેલી કાર, પાયલોટિંગ કરતી કાર સહિત કુલ રૂ.13.02 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે, જ્યારે બે બુટલેગર ફરાર થઈ જતાં તેમની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, માલપુર પંથકમાં રાજસ્થાન તરફથી વિદેશી દારૂની હેરાફેરી થતી હોવાની બાતમીના આધારે એલસીબીના પીઆઈ એમ.એચ. ઝાલા અને તેમની ટીમ પેટ્રોલિંગ દરમિયાન સતર્ક બની હતી. બાતમી મળી હતી કે રાજસ્થાન તરફથી આઈ-20 કારમાં પાયલોટિંગ કરવામાં આવી રહ્યું છે અને તેની પાછળ સ્વિફ્ટ ડિઝાયર કારમાં મોટી માત્રામાં વિદેશી દારૂ લઈ બુટલેગરો મેઘરજ–માલપુર માર્ગે ધનસુરા તરફ જઈ રહ્યા છે.
આ માહિતીના આધારે એલસીબીએ સાતરડા ગામ નજીક નાકાબંધી ગોઠવી હતી. નાકાબંધી દરમિયાન પાયલોટિંગ કરતી આઈ-20 કારને રોકી તેમાં સવાર ચાર શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતા. બીજી તરફ પાછળથી આવી રહેલી દારૂ ભરેલી સ્વિફ્ટ ડિઝાયર કારને રોકવા પોલીસે પ્રયાસ કરતા તેમાં સવાર બે બુટલેગર કાર રસ્તા પર જ મૂકી અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયા હતા.
પોલીસે સ્વિફ્ટ ડિઝાયર કારમાંથી વિદેશી દારૂ અને બિયરના કુલ 887 ટીન તથા બોટલો, અંદાજે રૂ.2.62 લાખનો દારૂ, બંને કાર અને ચાર મોબાઈલ ફોન સહિત કુલ રૂ.13.02 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
પકડાયેલા આરોપીઓમાં રાજસ્થાનના બીંછીવાડા વિસ્તારના શૈલેષ મોઘાજી ડામોર, ભાવેશ વિશ્રામ તરાલ, અજય મગન બરાંડા અને સુશીલ રામા ખરાડીનો સમાવેશ થાય છે. જ્યારે સંજય ખરાડી (ભુવાલી) અને મહેશ વિરજી ડામોર (કેશરીયાજી) પોલીસને ચકમો આપી ફરાર થઈ ગયા હતા.
આ અંગે માલપુર પોલીસ મથકે પ્રોહિબિશન અધિનિયમ હેઠળ ગુનો નોંધી ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
તાજેતરમાં માલપુર પંથકમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા પણ મોટી માત્રામાં વિદેશી દારૂ ઝડપાયો હતો. ત્યારબાદ જિલ્લા પોલીસ દ્વારા સરહદી વિસ્તારોમાં પેટ્રોલિંગ અને ચેકિંગ વધુ સઘન કરવામાં આવ્યું છે. રાજસ્થાનની સરહદ મારફતે દારૂની હેરાફેરી અટકાવવા પોલીસ સતત નજર રાખી રહી છે.
