(મયુર જાની)
દે.બારિયા નગરમાં સુથારવાડા વિસ્તારમાં, નગરની મધ્યમાં વર્ષોથી કાર્યરત એક્સિસ બેંકની શાખાને આગામી તારીખ ૨૭મીથી અચાનક સ્ટેટ હાઈવે પરના એક ખાનગી મકાનમાં શિફ્ટ કરવામાં આવનાર છે. આ નિર્ણયની જાણ થતાં જ બેંકના ગ્રાહકો અને સ્થાનિક નગરજનોમાં ભારે અસંતોષ અને રોષ ભભૂકી ઉઠ્યો છે. હજુ બેંકનું સ્થળાંતર થયું નથી, પરંતુ તે પહેલાં જ લોકો આ નિર્ણયની સામે આશંકાઓ અને વિરોધ વ્યક્ત કરી રહ્યા છે.
પાર્કિંગનો સદંતર અભાવ અને ગંભીર અકસ્માતનો ખતરો
સ્ટેટ હાઈવે પર જ્યાં આ નવી બ્રાન્ચ ૨૭મી તારીખથી શરૂ થવા જઈ રહી છે, તે મકાન હાઈવેને બિલકુલ અડીને આવેલું છે. આ ‘ઝીરો માર્જિન’ ધરાવતા મકાનમાં બેંક જેવી જાહેર સંસ્થા શરૂ થઈ રહી છે ત્યારે સૌથી મોટો સવાલ પાર્કિંગનો ઊભો થયો છે. આ જગ્યાએ ગ્રાહકો માટે પોતાનું બાઇક કે વાહન પાર્ક કરવાની પણ કોઈ જ સુવિધા કે વ્યવસ્થા નથી. સ્ટેટ હાઈવે પર રાત-દિવસ ભારે વાહનો પૂરપાટ ઝડપે દોડતા હોય છે, ત્યારે બેંકની બહાર રોડ પર જ વાહનો પાર્ક થશે તો ટ્રાફિક જામની સાથે કોઈ મોટો અને ગંભીર જીવલેણ અકસ્માત સર્જાવાની પૂરેપૂરી ભીતિ સેવાઈ રહી છે.
…………………………………..
રાજકીય વગ અને નિયમોની ઐસીતૈસી………….
આ સમગ્ર પ્રકરણમાં કેટલાક સળગતા સવાલો પણ ઉઠી રહ્યા છે. નગરમાં ચાલતી ચર્ચા મુજબ, આ નવી બિલ્ડીંગ કોઈ રાજકીય વગ ધરાવતા વગદાર વ્યક્તિની છે. જેના કારણે બી.યુ. (BU) પરમિશન અને અન્ય જરૂરી કાગળિયાઓની યોગ્ય ચકાસણી કર્યા વગર જ આટલી મોટી બેંકને ત્યાં શિફ્ટ કરવાની મંજૂરી આપી દેવામાં આવી હોવાની આશંકા છે. શું રાજકીય વગ સામે નિયમો નેવે મૂકી દેવામાં આવ્યા છે? જો કાગળિયા જોયા વગર આવી મોટી બેંક શિફ્ટ થતી હોય તો ભવિષ્યમાં બેંકના ગ્રાહકોને મોટી મુશ્કેલીઓ વેઠવાનો વારો આવી શકે છે.
મેનેજરે હાથ અધ્ધર કર્યા,ઉચ્ચ કક્ષાએથી ફેરવિચારણાની માંગ……………
કક્ષાએથી ફેરવિચારણાની માંગ
આ ગંભીર બાબતે જ્યારે એક્સિસ બેંકના સ્થાનિક મેનેજર સાથે વાતચીત કરવામાં આવી ત્યારે તેમણે પોતાનો બચાવ કરતા જણાવ્યું હતું કે, “બેંક શિફ્ટ કરવાનો આ નિર્ણય ઉપલા લેવલથી (હેડ ઓફિસથી) થતો હોય છે. જેમાં સ્થાનિક કક્ષાએ અમારો કોઈ રોલ કે હાથ હોતો નથી.” સ્થાનિક મેનેજમેન્ટના આ ઉડાઉ જવાબ બાદ હવે ગ્રાહકો માંગ કરી રહ્યા છે કે બેંકના ઉચ્ચ અધિકારીઓ આ નિર્ણયની ફેરવિચારણા કરે અને ૨૭મી તારીખે થનારું આ જોખમી સ્થળાંતર અટકાવે.
