(ઘોઘંબા)
ઘોઘંબા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના ઉપક્રમે બી.આર.સી. ભવન ખાતે ગુરુ પૂર્ણિમા નિમિત્તે ભવ્ય અને ગૌરવપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શિક્ષણને સમર્પિત આ કાર્યક્રમમાં રાજકીય આગેવાનો, શિક્ષણ વિભાગના અધિકારીઓ, આચાર્યો અને મોટી સંખ્યામાં શિક્ષકમિત્રોની ઉપસ્થિતિએ સમગ્ર કાર્યક્રમને વિશેષ ગૌરવ અપાવ્યું હતું.
કાર્યક્રમની શરૂઆત ગુરુવંદના અને દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી. ઉપસ્થિત મહાનુભાવોએ ગુરુ-શિષ્ય પરંપરાના મૂલ્યો, શિક્ષકોના સમાજ નિર્માણમાં રહેલા અમૂલ્ય યોગદાન અને નવી પેઢીના ઘડતરમાં શિક્ષકોની મહત્વપૂર્ણ ભૂમિકા અંગે પ્રેરણાદાયી વિચારો વ્યક્ત કર્યા હતા.
આ પ્રસંગે કાલોલ વિધાનસભાના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ, પંચમહાલ જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન કુસુમબેન સોલંકી, જિલ્લા નાની સિંચાઈ સમિતિના ચેરમેન, ઘોઘંબા તાલુકા સદસ્ય જયાબેન ચૌહાણ, માજી જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન રમેશભાઈ રાઠવા, ઘોઘંબા તાલુકા ભાજપ પ્રમુખ નરેન્દ્રસિંહ પરમાર સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

શિક્ષણ વિભાગ તરફથી તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી વિપુલભાઈ પટેલ, બી.આર.સી. કો-ઓર્ડિનેટર તેમજ બીટ કેળવણી નિરીક્ષકો ભીમસિંહ અને હિંમતસિંહે ઉપસ્થિત શિક્ષકોને ગુણવત્તાસભર શિક્ષણ, મૂલ્યનિષ્ઠ શિક્ષણ વ્યવસ્થા અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ અંગે માર્ગદર્શન આપ્યું હતું.
કાર્યક્રમમાં ઘોઘંબા તાલુકાની વિવિધ પ્રાથમિક શાળાઓના આચાર્યો અને શિક્ષકમિત્રોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ગુરુ પ્રત્યેના આદરભાવ અને શિક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતાનો માહોલ જોવા મળ્યો હતો.
અંતે ઘોઘંબા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ઉપસ્થિત તમામ મહાનુભાવો, શિક્ષણ અધિકારીઓ, આચાર્યો તથા શિક્ષકમિત્રોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. સાથે જ સૌને ગુરુ પૂર્ણિમાની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી શિક્ષણના પ્રકાશને સમાજના દરેક ખૂણે પહોંચાડવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો.
