ઘોઘંબા, પ્રતિનિધિ
પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના નવાગામ પાલ્લી ગામમાં જિયો મોબાઇલ નેટવર્ક છેલ્લા 12 દિવસથી સંપૂર્ણપણે બંધ હોવાથી હજારો ગ્રાહકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. સતત નેટવર્ક ન મળતાં ઓનલાઈન બેન્કિંગ, UPI પેમેન્ટ, વિદ્યાર્થીઓનો ઓનલાઈન અભ્યાસ, સરકારી સેવાઓ તેમજ વેપાર-ધંધા સહિતની અનેક આવશ્યક સેવાઓ પર ગંભીર અસર પડી છે.

ગામલોકોના જણાવ્યા મુજબ વારંવાર જિયો કસ્ટમર કેર અને સંબંધિત અધિકારીઓને રજૂઆત કરવા છતાં માત્ર “સોફ્ટવેરની સમસ્યા છે અને ટીમ કામ કરી રહી છે” એવો જવાબ આપવામાં આવે છે. જોકે, સ્થાનિક સ્તરે થયેલી તપાસમાં ટાવરમાં જરૂરી રેક્ટિફાયર (Rectifier) યુનિટ ઉપલબ્ધ ન હોવા અથવા ખરાબ થઈ જવાની ચર્ચા સામે આવી છે. જેના કારણે ગ્રામજનોમાં કંપનીના જવાબને લઈને અનેક પ્રશ્નો ઊભા થયા છે.
ખાસ વાત એ છે કે MGVCL તરફથી વીજ પુરવઠો નિયમિત ચાલુ હોવા છતાં મોબાઇલ ટાવર છેલ્લા 12 દિવસથી બંધ રહેતાં કંપનીની કામગીરી સામે ગ્રામજનોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે.

ગામલોકોનું કહેવું છે કે મોબાઇલ રિચાર્જ માટે ચૂકવેલા નાણાંનો લાભ તેમને મળી રહ્યો નથી. નેટવર્કના અભાવે વિદ્યાર્થીઓના અભ્યાસમાં વિક્ષેપ પડી રહ્યો છે, જ્યારે વેપારીઓ અને સામાન્ય નાગરિકોના ઓનલાઈન વ્યવહારો પણ ખોરવાઈ ગયા છે.
નવાગામ પાલ્લીના રહિશોએ જિયો કંપનીને તાત્કાલિક નેટવર્ક સેવા પુનઃસ્થાપિત કરવાની માંગ કરી છે. સાથે જ ચેતવણી આપી છે કે જો વહેલી તકે સમસ્યાનો ઉકેલ નહીં આવે તો ગ્રાહકો અને ગામલોકો કાયદેસર વિરોધ કાર્યક્રમો હાથ ધરશે, જેની સંપૂર્ણ જવાબદારી જિયો કંપનીની રહેશે.
