યાસીર ગુડાલા,ફતેપુરા
દક્ષિણ ગુજરાતના હજારો દૈનિક મુસાફરોની હાલાકી દૂર કરવા માટે સવારના પીક-અવર્સમાં નવી લોકલ/MEMU ટ્રેનો શરૂ કરવા અને બંધ કરાયેલી ટ્રેનો પુનઃસ્થાપિત કરવા બાબતે સમસ્ત આદિવાસી સમાજની રેલવે મંત્રાલયને રજૂઆત.
સમસ્ત આદિવાસી સમાજ દક્ષિણ ગુજરાતના પ્રમુખ અને જાણીતા ગોલ્ડ મેડલિસ્ટ સર્જન ડૉ.નિરવ ભુલાભાઈ પટેલે દક્ષિણ ગુજરાતના રેલવે મુસાફરોની ગંભીર સમસ્યાઓને વાચા આપતા માનનીય રેલવે મંત્રી અને ગુજરાતના મુખ્યમંત્રીશ્રીના કાર્યાલયને લેખિત રજૂઆત કરી છે.જેમાં જણાવવામાં આવ્યું છે કે હજારો મુસાફરોની હાલાકી: દક્ષિણ ગુજરાત એક મોટું ઔદ્યોગિક અને શૈક્ષણિક હબ હોવાથી બીલીમોરા, અમલસાડ, નવસારી અને આસપાસના ગ્રામીણ તથા આદિવાસી વિસ્તારોમાંથી હજારો વિદ્યાર્થીઓ, રોજમદાર કામદારો અને નોકરિયાતો દરરોજ વાપી, સરીગામ, ઉમરગામ GIDC તેમજ સુરત અને ભરૂચ તરફ અપડાઉન કરે છે અને છેલ્લા ૩૦ વર્ષથી સવારના સૌથી મહત્વપૂર્ણ પીક-અવર્સ (સવારે ૭:૦૦ થી ૯:૦૦ વાગ્યા દરમિયાન) આ રૂટ પર કોઈ નવી લોકલ કે MEMU ટ્રેન શરૂ કરવામાં આવી નથી.લોકલ ટ્રેનોની અછતને કારણે દૈનિક મુસાફરોને ‘ફ્લાઈંગ રાણી’ જેવી લાંબા અંતરની અતિશય ભીડભાડવાળી ટ્રેનોમાં મુસાફરી કરવાની ફરજ પડે છે. ટ્રેનમાં ઊભા રહેવાની પણ જગ્યા ન હોવાથી હજારો વિદ્યાર્થીઓ અને કર્મચારીઓ દરરોજ જીવના જોખમે મુસાફરી કરી રહ્યા છે.લોકડાઉન પહેલાં બંધ કરવામાં આવેલી ઘણી ટ્રેનો હજુ સુધી ફરી શરૂ કરવામાં આવી નથી. આ ઉપરાંત, બીલીમોરા અને અમલસાડ જેવા મુખ્ય સ્ટેશનો પર મહત્વની ટ્રેનોના નવા સ્ટોપેજ આપવાની વર્ષો જૂની માંગણી પણ સંતોષવામાં આવી નથી આથી ડો.નિરવ ભુલાભાઈ પટેલે દક્ષિણ ગુજરાતના હજારો વિદ્યાર્થીઓ,કામદારો અને આદિવાસી મુસાફરોના વિશાળ જાહેર હિતમાં બીલીમોરા–અમલસાડથી વાપી અને સુરત તરફ સવારે ૭:૦૦ થી ૯:૦૦ વાગ્યાની વચ્ચે નવી MEMU/લોકલ ટ્રેનો શરૂ કરવામાં આવે તથા લોકડાઉન પહેલાં બંધ કરાયેલી તમામ ટ્રેન સેવાઓ પુનઃ શરૂ કરવામાં આવે અને બીલીમોરા તથા અમલસાડ સ્ટેશન પર જરૂરી સ્ટોપેજ આપવામાં આવે.
