અવધ એક્સપ્રેસ | હાલોલ
દિવાળીના તહેવારના ટાણે હાલોલ GIDC વિસ્તારમાં જાણે કચરાની હોળી સળગી રહી છે! ખુલ્લી જગ્યામાં ઔદ્યોગિક ઘન કચરો ઠાલવી તેને આગ લગાડવામાં આવતી હોવાની ગંભીર ફરિયાદો સામે આવી છે. કાળા ઝેરી ધુમાડાના ગોટેગોટા હવામાં ફેલાતાં પર્યાવરણની સાથે વાહનચાલકો અને આસપાસના રહીશોની સુરક્ષા સામે પણ સવાલો ઊભા થયા છે.
હાલોલ GIDC વિસ્તારમાં આવેલી કેટલીક કંપનીઓમાંથી નીકળતા ઘન કચરા અને અન્ય વેસ્ટના નિકાલ માટે કાલોલ-હાલોલ બાયપાસ રોડ ઉપર મુખ્ય માર્ગની બાજુમાં આવેલી ખુલ્લી જગ્યાનો ઉપયોગ થતો હોવાની ફરિયાદો ઉઠી રહી છે. અહીં કચરો ઠાલવ્યા બાદ તેનો યોગ્ય વૈજ્ઞાનિક પદ્ધતિથી નિકાલ કરવાને બદલે તેમાં આગ લગાડવામાં આવતી હોવાના દ્રશ્યો સામે આવ્યા છે.

કચરામાં આગ લાગતાં આસપાસના વિસ્તારમાં કાળા ધુમાડાના ગોટેગોટા ફેલાઈ જાય છે. આ ધુમાડો માત્ર પર્યાવરણને જ નુકસાન પહોંચાડે છે એવું નથી, પરંતુ બાયપાસ હાઇવે પરથી પસાર થતાં ભારે વાહનો, કારચાલકો અને ખાસ કરીને બાઈકચાલકો માટે પણ જોખમી સ્થિતિ ઊભી કરે છે.
સ્થાનિક સ્તરે ઉઠતી ફરિયાદો મુજબ, કેટલીક વખત ધુમાડો એટલી હદે રસ્તા ઉપર ફેલાઈ જાય છે કે વાહનચાલકોને આગળનો રસ્તો પણ સ્પષ્ટ દેખાતો નથી. આવી સ્થિતિમાં સામસામે વાહનો અથડાવાનો કે ગંભીર અકસ્માત સર્જાવાનો ભય સતત રહે છે. ખાસ કરીને રાત્રિના સમયે આ પરિસ્થિતિ વધુ જોખમી બની શકે છે.

એક તરફ સરકાર દ્વારા સ્વચ્છતા, પર્યાવરણ સંરક્ષણ અને પ્રદૂષણ નિયંત્રણ માટે વિવિધ અભિયાનો ચલાવવામાં આવે છે, ત્યારે બીજી તરફ ઔદ્યોગિક વિસ્તારની આસપાસ જ ખુલ્લામાં કચરો ઠાલવી તેને સળગાવવાની ફરિયાદો સામે આવતાં તંત્રની કામગીરી સામે પણ સવાલો ઊભા થયા છે.
સૌથી મોટો સવાલ એ છે કે આ કચરો કઈ કંપનીઓ દ્વારા ઠાલવવામાં આવે છે? કચરો સળગાવવાની પ્રવૃત્તિ પાછળ કોણ જવાબદાર છે? અને GIDC તથા પ્રદૂષણ નિયંત્રણ વિભાગ દ્વારા અત્યાર સુધી આવી પ્રવૃત્તિઓ સામે શું કાર્યવાહી કરવામાં આવી છે?
હાલોલ GIDC વિસ્તારમાં ખુલ્લામાં કચરો ઠાલવવાની અને તેને સળગાવવાની પ્રવૃત્તિ અંગે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB), GIDC તંત્ર, સ્થાનિક વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા તાત્કાલિક સ્થળ તપાસ કરવામાં આવે તેવી માંગ ઊઠી રહી છે.
કચરો ઠાલવનારી કંપનીઓની ઓળખ કરી, કચરાના નમૂનાઓની તપાસ કરાવી, જવાબદાર એકમો સામે પર્યાવરણના નિયમો મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને ખુલ્લામાં કચરો સળગાવવાની પ્રવૃત્તિ તાત્કાલિક બંધ કરાવવામાં આવે તે જરૂરી છે.
ઔદ્યોગિક વિકાસના નામે પર્યાવરણ અને માનવજીવન સાથે ચેડાં ચલાવી શકાય નહીં. હવે જોવાનું એ રહ્યું કે તંત્ર આ ગંભીર મુદ્દે ક્યારે જાગે છે અને જવાબદાર કંપનીઓ સામે ક્યારે કાર્યવાહી કરે છે!
“હાલોલ GIDCમાં ઉદ્યોગોનો વિકાસ કે પ્રદૂષણનો પ્રકોપ? કંપનીઓના કચરાની આગથી બાયપાસ રોડ ધુમાડામાં ગૂમ! તંત્ર હવે પણ આંખ આડા કાન કરશે કે જવાબદાર કંપનીઓ સામે કાર્યવાહી કરશે?”
