અમદાવાદ : ધરતી આબા ભગવાન બિરસામુંડાની 151મી જન્મજયંતિ નિમિત્તે ગુજરાતમાં આગામી 12થી 18 નવેમ્બર દરમિયાન સપ્તાહભર રાજ્યવ્યાપી ‘જનજાતીય ગૌરવ દિવસ’ની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. આ ઉજવણીના આયોજનને આખરી ઓપ આપવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. જેમાં રાજ્યભરમાં યોજાનારા વિવિધ કાર્યક્રમો, આદિજાતિ સમુદાયના ઉત્થાન અને વિકાસલક્ષી લાભોના વિતરણ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
આ બેઠકમાં આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલ, પૂર્વ મંત્રી અને વરિષ્ઠ આદિજાતિ અગ્રણી ધારાસભ્ય ગણપતભાઈ વસાવા તેમજ મુખ્ય સચિવ એમ.કે. દાસ સહિત ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી વર્ષ 2021થી ભગવાન બિરસામુંડાની જન્મજયંતિ 15 નવેમ્બરના રોજ સમગ્ર દેશમાં ‘જનજાતીય ગૌરવ દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. દેશની આઝાદીની લડતમાં આદિવાસી સમાજના યોગદાન અને ભગવાન બિરસામુંડાના શૌર્યપૂર્ણ ઇતિહાસને નવી પેઢી સુધી પહોંચાડવાના હેતુથી રાજ્ય સરકાર દ્વારા આ વર્ષે પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.
છોટાઉદેપુરમાં રાજ્યકક્ષાનો મુખ્ય કાર્યક્રમ
15 નવેમ્બરના રોજ ભગવાન બિરસામુંડાની 151મી જન્મજયંતિ નિમિત્તે રાજ્યકક્ષાનો મુખ્ય કાર્યક્રમ છોટાઉદેપુર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાશે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વલસાડ જિલ્લાના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે, જ્યારે પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા દાહોદ ખાતે યોજાનારા કાર્યક્રમનું નેતૃત્વ કરશે.
રાજ્યના 14 આદિજાતિ જિલ્લાઓના 55 વિધાનસભા મતવિસ્તારો ઉપરાંત 20 બિનઆદિજાતિ જિલ્લાઓ અને 17 મહાનગરપાલિકાઓમાં પણ 15 નવેમ્બરે જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવશે.
32,400થી વધુ લાભાર્થીઓને રૂ.1,500 કરોડના લાભો
રાજ્યકક્ષાના મુખ્ય કાર્યક્રમમાં અંદાજે રૂ.1,500 કરોડના વિવિધ વિકાસલક્ષી લાભો 32,400થી વધુ આદિજાતિ લાભાર્થીઓને આપવામાં આવશે. આ ઉપરાંત 17 હજારથી વધુ આદિજાતિ ખેડૂતોને વન અધિકાર અધિનિયમ-2006 અંતર્ગત લાભો આપવામાં આવશે. આવાસ સહાયના પ્રથમ હપ્તાની ફાળવણી, દૂધાળાં પશુઓનું વિતરણ, રોપા વિતરણ અને વિવિધ સ્વરોજગાર સહાય પણ આદિવાસી પરિવારોને આપવામાં આવશે.
આદિજાતિ વિસ્તારોમાં આજીવિકાની નવી તકો ઊભી કરવા 14 આદિવાસી જિલ્લાઓના સાપ્તાહિક હાટમાં નવી પહેલરૂપે અટલ બુથ શરૂ કરવાનું આયોજન છે. તેના માધ્યમથી સ્વસહાય જૂથો અને ગ્રામીણ કારીગરો દ્વારા ઉત્પાદિત વસ્તુઓનું પ્રદર્શન અને વેચાણ કરવામાં આવશે.
12થી 18 નવેમ્બર સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન
ઉજવણીના ભાગરૂપે 13 નવેમ્બરે 14 આદિજાતિ જિલ્લાઓના 55 વિધાનસભા મતવિસ્તારોમાં યુવા સંવાદ સંમેલનો યોજાશે. 14 નવેમ્બરે સવારે ભગવાન બિરસામુંડા અને અન્ય આદિવાસી સ્વાતંત્ર્ય સેનાનીઓની પ્રતિમાઓની સફાઈ, પૂજા-વિધિ તથા સાધુ-સંતોના સન્માનના કાર્યક્રમો યોજાશે.
તે જ દિવસે સાંજે તમામ આદિજાતિ તાલુકાઓની ગ્રામ પંચાયતોમાં ઘરે-ઘરે દીપોત્સવ, જાહેર સ્થળોએ ભગવાન બિરસામુંડાની આરતી, આદિવાસી પ્રાર્થના, ભજન અને પરંપરાગત નૃત્યના કાર્યક્રમો યોજાશે. ભગવાન બિરસામુંડાના જીવન ઇતિહાસનું ગુજરાતી, ભીલી અને સ્થાનિક આદિવાસી બોલીઓમાં વાંચન પણ કરવામાં આવશે. આ કાર્યક્રમોનું સોશિયલ મીડિયા પર જીવંત પ્રસારણ કરવામાં આવશે.
16 નવેમ્બરે ડોક્ટરો, વકીલો, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, ઉદ્યોગ સાહસિકો અને આદિવાસી સમાજના પ્રતિષ્ઠિત આગેવાનોનું પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાશે. 17 નવેમ્બરે 55 વિધાનસભા મતવિસ્તારોમાં પરંપરાગત ગ્રામીણ રમતોત્સવનું આયોજન કરવામાં આવશે. જેમાં ગિલ્લીદંડા, તીરંદાજી, રસ્સાખેંચ, કોથળા દોડ, ત્રિપગી દોડ, ભમરડા સ્પર્ધા, કબડ્ડી અને ખો-ખો જેવી રમતો યોજાશે. જ્યારે 18 નવેમ્બરે 14 આદિજાતિ જિલ્લાઓમાં મહિલા સંમેલનોનું આયોજન કરવામાં આવ્યું છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બેઠકમાં તમામ કાર્યક્રમોની તલસ્પર્શી સમીક્ષા કરીને સંબંધિત વિભાગોના અધિકારીઓને પરસ્પર સંકલન સાથે આયોજનને સફળ બનાવવા જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
આ સપ્તાહવ્યાપી ઉજવણીના માધ્યમથી આદિવાસી સમાજની કલા, સંસ્કૃતિ, પરંપરા, કૌશલ્ય અને દેશની સ્વતંત્રતા ચળવળમાં તેમના યોગદાનની ગૌરવગાથા જન-જન સુધી પહોંચાડવાનો રાજ્ય સરકારનો પ્રયાસ રહેશે.
