યુજીસીની માર્ગદર્શિકા અનુસાર વિદ્યાર્થીઓના ભવિષ્ય ઘડતર અને કોલેજ સાથે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો સેતુ વધુ મજબૂત બનાવવાના શ્રી જાનકી વલ્લભ આર્ટ્સ એન્ડ શ્રી મનુભાઈ સી. પટેલ કોમર્સ કોલેજ, મુવાલ-પાદરા ખાતે ભૂતપૂર્વ વિદ્યાર્થી સંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં મોટી સંખ્યામાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ઉત્સાહભેર જોડાયા હતા.
કાર્યક્રમના પ્રારંભે ડૉ. કાંતિલાલ ટંડેલ દ્વારા કોલેજનાં આચાર્ય ડૉ. ઇન્દિરા વાળાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પ્રોફેસર ડૉ. રાહુલ ધ્રુવે સંમેલનના હેતુ અને રૂપરેખા રજૂ કરી વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી. આચાર્ય ડૉ. ઇન્દિરા વાળાએ પ્રસંગોચિત ઉદ્બોધનમાં કોલેજના અધ્યાપકગણનો પરિચય કરાવ્યો હતો. તેમણે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને કોલેજની વિવિધ પ્રવૃત્તિઓમાં સક્રિય સહભાગી બનવા તથા વર્તમાન વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસમાં યોગદાન આપવા આહ્વાન કર્યું હતું.
સંમેલન દરમિયાન ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ કોલેજકાળની યાદગાર પળો, અધ્યાપકો પાસેથી પ્રાપ્ત થયેલા માર્ગદર્શન અને તેના આધારે કારકિર્દીમાં મેળવેલી સફળતાઓના અનુભવો રજૂ કર્યા હતા. અધ્યાપકો અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ વચ્ચેના આત્મીય સંવાદથી જૂની યાદો તાજી થઈ હતી અને સમગ્ર વાતાવરણ લાગણીસભર બન્યું હતું.
આ પ્રસંગે ડૉ. ઇન્દિરા વાળાના માર્ગદર્શન હેઠળ અને ડૉ. નિલેશ મેઘાના વડપણ હેઠળ ભૂતપૂર્વ વિદ્યાર્થી સમિતિની રચના કરવામાં આવી હતી. સમિતિના પ્રમુખ તરીકે દીપક પ્રજાપતિ, ઉપપ્રમુખ તરીકે શબ્બિર મલેક, મંત્રી તરીકે અતુલ પોરિયા અને ખજાનચી તરીકે જીગર પ્રજાપતિની નિમણૂક કરવામાં આવી હતી. આ ઉપરાંત સાત કારોબારી સભ્યોની પણ નિમણૂક કરવામાં આવી હતી. તમામ નવનિયુક્ત હોદ્દેદારો અને સભ્યોનું પુષ્પગુચ્છ અર્પણ કરીને સન્માન કરવામાં આવ્યું હતું.
સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ડૉ. નિલેશ મેઘાએ કર્યું હતું. અંતે પરસ્પર સંવાદ સાધ્યો હતો અને આભારવિધિ સાથે કાર્યક્રમનું સમાપન થયું હતું. આ સંમેલનથી કોલેજ અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવવાની સાથે વર્તમાન વિદ્યાર્થીઓના શૈક્ષણિક અને કારકિર્દી વિકાસ માટે સહયોગના નવા માર્ગો ખુલ્યા હતા.
