અવધ એક્સપ્રેસ | વડોદરા
વડોદરા જિલ્લા પશુપાલન શાખા દ્વારા સેવાસેતુ કાર્યક્રમ અંતર્ગત જિલ્લાના કુલ ૮ તાલુકાઓના આશરે ૬૬ ગામોમાં પશુ આરોગ્ય સારવાર, રોગપ્રતિરોધક સેવાઓ તેમજ પશુપાલન વિષયક માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ સેવાસેતુ કાર્યક્રમમાં આશરે ૨,૫૮૦ પશુપાલકો તથા ખેડૂતોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ પશુપાલન ક્ષેત્રે ઉપલબ્ધ વિવિધ સેવાઓનો લાભ લીધો હતો.
સેવાસેતુ કાર્યક્રમ દરમિયાન ગાય, ભેંસ સહિતના કુલ ૩,૯૩૭ પશુઓને આવરી લેવામાં આવ્યા હતા. જેમાંથી ૨,૫૧૯ પશુઓને વિવિધ રોગોની સારવાર અર્થે મેડિસિન કેસ હેઠળ સારવાર આપવામાં આવી હતી, જ્યારે ૧,૪૧૮ પશુઓને જાતીય અને પ્રજનન સંબંધિત સારવાર તથા જરૂરી પશુચિકિત્સા સેવાઓ પૂરી પાડવામાં આવી હતી.

આ ઉપરાંત, પશુઓમાં રોગપ્રતિકારક ક્ષમતા જળવાઈ રહે અને આરોગ્યની સ્થિતિમાં સુધારો થાય તે હેતુસર આશરે ૧૦,૪૦૮ પશુઓને કૃમિનાશક દવાઓ આપવામાં આવી હતી. તેમજ પશુઓની પ્રજનનક્ષમતામાં સુધારો લાવવાના હેતુથી ૧૫૬ પશુઓમાં ઉચ્ચ ગુણવત્તાયુક્ત સીમનનો ઉપયોગ કરીને કૃત્રિમ બીજદાનની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી.
કાર્યક્રમ દરમિયાન પશુપાલકો અને ખેડૂતોને પશુપાલન વિભાગ દ્વારા અમલમાં મૂકવામાં આવતી વિવિધ સહાયકારી યોજનાઓ, યોજનાઓ હેઠળ મળવાપાત્ર લાભો તેમજ તેનો લાભ મેળવવા માટેની પ્રક્રિયા અંગે જરૂરી માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આથી ગ્રામ્ય વિસ્તારના પશુપાલકોને સરકારી યોજનાઓ સાથે જોડાવા તથા ઉપલબ્ધ સેવાઓનો મહત્તમ લાભ લેવા માટે પ્રોત્સાહન મળ્યું હતું.
આ સમગ્ર કામગીરી નાયબ પશુપાલન નિયામક ડૉ. ધવલ માંડવિયા તથા મદદનીશ પશુપાલન નિયામક ડૉ. નેહલ રાઠવાના માર્ગદર્શન હેઠળ સંબંધિત તાલુકા પશુચિકિત્સા અધિકારીઓ દ્વારા સફળતાપૂર્વક હાથ ધરવામાં આવી હતી. ગ્રામ્ય વિસ્તારોમાં પશુ આરોગ્ય સેવાઓ સરળતાથી અને અસરકારક રીતે ઉપલબ્ધ થાય તે માટે વિભાગીય અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા સેવાઓ પૂરી પાડવામાં આવી હતી.
સેવાસેતુ કાર્યક્રમના માધ્યમથી ગ્રામ્ય વિસ્તારોમાં પશુ આરોગ્ય સેવાઓની પહોંચ વધુ સુદૃઢ બનાવવા, પશુઓના આરોગ્ય તથા પ્રજનનક્ષમતામાં સુધારો લાવવા અને પશુપાલકોને પશુપાલન વિભાગની વિવિધ સહાયકારી યોજનાઓ અંગે જાગૃત કરવાનો મહત્વપૂર્ણ પ્રયાસ કરવામાં આવ્યો છે. આવા કાર્યક્રમો દ્વારા પશુપાલકોને સ્થળ પર જ જરૂરી પશુચિકિત્સા સેવાઓ અને માર્ગદર્શન ઉપલબ્ધ કરાવી પશુપાલન ક્ષેત્રના વિકાસને વધુ વેગ આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
