અવધ એક્સપ્રેસ | વડોદરા
ખેડૂતો દ્વારા ઉત્પાદિત પ્રાકૃતિક કૃષિ પેદાશોને યોગ્ય બજાર અને યોગ્ય ભાવ મળી રહે તેમજ નાગરિકોને પ્રાકૃતિક રીતે ઉત્પાદિત ખેત પેદાશો સરળતાથી ઉપલબ્ધ થાય તે હેતુથી એગ્રીકલ્ચરલ ટેકનોલોજી મેનેજમેન્ટ એજન્સી (આત્મા) અને ગુજરાત પ્રાકૃતિક કૃષિ બોર્ડના સંયુક્ત ઉપક્રમે વડોદરા ખાતે પ્રાકૃતિક કૃષિ પેદાશોના વેચાણ કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. રાજ્યમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે વિવિધ જિલ્લાઓમાં એકસાથે યોજાયેલા કાર્યક્રમના અનુસંધાને વડોદરામાં પણ આ કાર્યક્રમ યોજાયો હતો.
ગાંધીનગર ખાતે યોજાયેલા રાજ્યકક્ષાના કાર્યક્રમનું લાઇવ પ્રસારણ વડોદરા સહિત રાજ્યના વિવિધ સ્થળોએ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન પ્રાકૃતિક કૃષિ સાથે સંકળાયેલા ખેડૂતોના પરિશ્રમને સન્માન આપવાની સાથે તેમને ઉત્પાદિત પેદાશો માટે સીધું બજાર મળી રહે તે દિશામાં કરવામાં આવી રહેલી કામગીરીની માહિતી આપવામાં આવી હતી.
આ પ્રસંગે રાજ્યના કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ ખેડૂતોના પરિશ્રમ અને યોગદાનનું સન્માન કરતા જણાવ્યું હતું કે, ખેડૂતના પરિશ્રમને યોગ્ય માન-સન્માન મળે તે જરૂરી છે. પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપીને ખેડૂતોની પેદાશોને બજાર સાથે જોડવાના નિષ્ઠાપૂર્વક અને સફળ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, તેમ વાઘાણીએ ઉમેર્યું હતું.
કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડૂતોની પેદાશોને સીધા બજાર અને ગ્રાહકો સાથે જોડવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. ખેડૂતથી બજાર અને બજારથી ગ્રાહકની વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવાની સરકારની નેમ પટેલે વ્યક્ત કરી હતી. સાથે જ ભવિષ્યના સંભવિત પડકારોને ધ્યાનમાં રાખીને વરસાદી પાણીના સંગ્રહ અને જળસંરક્ષણ માટે સતત પ્રયાસો કરવા તેમજ વીજળી અને પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવા અનુરોધ કર્યો હતો.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પોતાના ઉદબોધનમાં ગુજરાતના વિકાસની સાથે રાજ્યના યુવાનોની પ્રતિભા અને માનવતાવાદી અભિગમનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે તાજેતરમાં કેપ્ટન સ્મિત મચ્છર દ્વારા કરવામાં આવેલા જીવનરક્ષક કાર્યની વૈશ્વિક સ્તરે થયેલી ચર્ચાનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે, ગુજરાતની ઓળખ માત્ર વિકાસ પૂરતી સીમિત નથી, પરંતુ અહીંના લોકોની સંવેદનશીલતા, સેવા અને માનવતાની ભાવના પણ તેની આગવી ઓળખ છે. તેમણે ‘જ્યાં ખેડૂતનું સન્માન થાય છે ત્યાં વિકાસ થાય છે’ એવો ભાવ વ્યક્ત કરતાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવા તેમજ કુદરતી સંસાધનોનો કરકસરપૂર્વક ઉપયોગ કરી પર્યાવરણ સંરક્ષણમાં સહભાગી બનવા અનુરોધ કર્યો હતો.
ગાંધીનગર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરનારા ૯૩ ખેડૂતોનું સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન પ્રાકૃતિક કૃષિ પેદાશોના વેચાણ અને માર્કેટિંગને વધુ સુદૃઢ બનાવવા અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આગામી સમયમાં પ્રાકૃતિક કૃષિ પેદાશો માટે ઓનલાઇન પ્લેટફોર્મ વિકસાવવાની દિશામાં પણ આયોજન કરવામાં આવી રહ્યું હોવાનું જણાવાયું હતું, જેથી ખેડૂતોની પેદાશોને વધુ વ્યાપક બજાર મળી શકે. તદુપરાંત પ્રાકૃતિક કૃષિ દ્વારા જમીન અને કુદરતી સંસાધનોનું જતન કરી આગામી પેઢી માટે વધુ સારો અને ટકાઉ કૃષિ આધાર તૈયાર કરવાનો સંદેશ વક્તાઓ દ્વારા આપવામાં આવ્યો હતો.
વડોદરા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં રાજ્યકક્ષાના મંત્રી કમલેશભાઈ પટેલ, ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ, ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા સહિતના મહાનુભાવો, કૃષિ વિભાગના અધિકારીઓ, કૃષિ અગ્રણીઓ તથા ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.