અવધ એક્સપ્રેસ | ગોકુળ પંચાલ
પરોલીમાં ભવ્ય રક્તદાન મહાશિબિર જૈનાચાર્ય શ્રી ગુણોદયસાગર સુરીશ્વરજી મહારાજ સાહેબના ૯૪મા જન્મોત્સવની સ્મૃતિ તથા RSSના શતાબ્દી વર્ષ નિમિત્તે આયોજન કરવામાં આવ્યું હતું
ઘોઘંબા તાલુકાના પરોલી ગામે જૈનાચાર્ય શ્રી ગુણોદયસાગર સુરીશ્વરજી મહારાજ સાહેબના ૯૪મા જન્મોત્સવની સ્મૃતિમાં તેમજ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ૧૦૦ વર્ષ પૂર્ણ થવાના અવસરે સંઘ શતાબ્દી વર્ષ નિમિત્તે ભવ્ય રક્તદાન મહાશિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. રક્તદાન મહાશિબિરમાં સેવાભાવી યુવાનો તેમજ ગ્રામજનોએ ઉત્સાહપૂર્વક જોડાઈ રક્તદાન કર્યું હતું. સમગ્ર શિબિર દરમિયાન ૪૪ જેટલા બ્લડ યુનિટ એકત્રિત કરવામાં આવ્યા હતા. રક્તદાન દ્વારા જરૂરિયાતમંદ દર્દીઓ માટે જીવનદાયી રક્ત ઉપલબ્ધ કરાવવાના સેવાકાર્યને ઉપસ્થિત મહાનુભાવોએ બિરદાવ્યું હતું.

આ પ્રસંગે ગોધરા-પંચમહાલના DYSP નવીન આહીર અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત અમદાવાદના બિલ્ડર્સ સાગર શાહ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પંચમહાલ જિલ્લા કાર્યવાહક નિલેશ બારીયા તથા પંચમહાલ જિલ્લા હેલ્થ ઓફિસર ડૉ. હિરેન પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ રક્તદાન મહાશિબિરનું આયોજન માતૃશ્રી લીલાબા ચેરીટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ તથા પંડિત દિનદયાળ સ્મૃતિ ટ્રસ્ટ, ગોધરાના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું હતું. જ્યારે રેડ ક્રોસ સોસાયટી, ગોધરા દ્વારા સહયોગ આપવામાં આવ્યો હતો.
પરોલીમાં યોજાયેલી આ રક્તદાન મહાશિબિરે સેવા, સમર્પણ અને સામાજિક જવાબદારીનો સંદેશ આપ્યો હતો. ૪૪ જેટલા બ્લડ યુનિટના રક્તદાનથી અનેક જરૂરિયાતમંદ દર્દીઓ માટે ઉપયોગી બની શકે તેવા રક્તસંગ્રહમાં વધારો થયો હતો.
