પિન્ટુ પટેલ | ડભોઈ
રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણી અંતર્ગત ડભોઈ પોલીસ સ્ટેશન ખાતે નિઃશુલ્ક આયુર્વેદ નિદાન, સારવાર તથા માર્ગદર્શન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય શૈલેષ મહેતાના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કેમ્પમાં મોટી સંખ્યામાં નાગરિકોએ ઉપસ્થિત રહી આયુર્વેદિક સારવાર અને આરોગ્યલક્ષી માર્ગદર્શનનો લાભ લીધો હતો.

કેમ્પ દરમિયાન આયુર્વેદ ચિકિત્સકો દ્વારા વિવિધ આરોગ્ય સમસ્યાઓ અંગે ઉપસ્થિત લોકોનું નિદાન કરવામાં આવ્યું હતું. જરૂરી સારવાર સાથે આયુર્વેદિક પદ્ધતિથી આરોગ્ય જાળવવા અંગે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. આ સાથે યોગ શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં યોગના વિવિધ આસનો, નિયમિત યોગાભ્યાસ અને સ્વસ્થ જીવનશૈલી અંગે લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન ભાવેશભાઈ પટેલ, પૂર્વ જિલ્લા પંચાયત ઉપપ્રમુખ તથા વકીલ અશ્વિનભાઈ પટેલ, ડભોઈ પોલીસ સ્ટેશનના પી.આઈ. એ.ટી. પટેલ, પોલીસ સ્ટાફ તેમજ આયુર્વેદ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આયુર્વેદના માધ્યમથી લોકોમાં આરોગ્ય પ્રત્યે જાગૃતિ વધે, સ્વસ્થ જીવનશૈલી અપનાવવા પ્રેરણા મળે અને વધુમાં વધુ લોકો સુધી આયુર્વેદિક સારવાર તથા માર્ગદર્શનનો લાભ પહોંચે તે હેતુથી આવા આરોગ્ય કેમ્પોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. કેમ્પમાં ઉપસ્થિત નાગરિકોએ નિઃશુલ્ક નિદાન અને સારવારની આ પહેલને આવકારી હતી.
