ગોધરામાં ૭ કીમી ની સૌથી લાંબી ગણેશ વિસર્જન યાત્રામાં અંદાજિત ૧૦૦ થી વધુ ગણેશ મંડળો હાઈ ટેક્નોલોજી ધરાવતા ડીજે સરાઉન્ડ સીસ્ટમ,ઢોલ નગારા સાથે જોડાયા હતા. તદ્ઉપરાંત ૨૪૦૦ થી વધુ નાની મોટી ગણેશ પ્રતિમાઓનું રામસાગર તળાવ,કનેલાવ તળાવ, ડોલપા તળાવ ખાતે ભકિતભાવ પૂર્ણ ભારે હૈયે ભક્તો એ બાપ્પા ને વિદાય આપી વિસર્જન કર્યું હતું.
સમગ્ર ગુજરાત રાજ્યમાં ગોધરાની ગણેશ વિસર્જન યાત્રા પ્રચલિત છે. ગોધરાની આન બાન અને શાન ગણાતી ભવ્ય ગણેશ વિસર્જન યાત્રા સાર્વજનિક ગણેશ મહોત્સવ સમિતિ, ગોધરાના વડપણ હેઠળ વિશ્વકર્મા ચોક ખાતે ૧૦૦ થી વધુ ગણેશ મંડળના આયોજકો ધ્વારા ગણેશ પ્રતિમાઓ સાથે એકત્ર થઈ બરાબર ૧૨.૩૯ કલાકના વિજય મુહૂર્તમાં ગણેશ વિસર્જન યાત્રા નો ભવ્ય આતશબાજી,ઢોલ નગારા ના ગુંજરાવ અને અબીલ ગુલાલ ની છોળો સાથે પ્રારંભ થવા પામ્યો હતો.તે પહેલા વિશ્વકર્મા ચોક ખાતેના ભગવાન ગણેશજી ની પૂજા અર્ચના અને આરતી ઉપસ્થિત મહાનુભાવો ધ્વારા કરવામાં આવી હતી.આ ગણેશ વિસર્જન યાત્રામાં ગોધરા સાર્વજનિક ગણેશ મહોત્સવ સમિતિના સભ્યો,પંચમહાલ જિલ્લા કલેકટર અજય દહિયા, પંચમહાલ જિલ્લા વિકાસ અધિકારી પ્રણવ વિજયવર્ગીય, પંચમહાલ જિલ્લા પોલીસ અધિક્ષક ડો.હરેશ દૂધાત, મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક સફીન હસન, પંચમહાલ જિલ્લા ભાજપ પ્રમુખ મયંક દેસાઈ, જિલ્લા પંચાયત પ્રમુખ નીરજ પટેલ, રાજ્ય સભા સાંસદ ડો.જશવંતસિંહ પરમાર, પંચમહાલ સાંસદ રાજપાલસિંહ જાદવ, ગોધરા ધારાસભ્ય સી.કે.રાઉલજી, મોરવા હડફ ધારાસભ્ય નિમીષાબેન સુથાર તેમજ વિવિધ અધિકારીઓ અને કર્મચારીઓ તથા દરેક રાજકીય પાર્ટીના આગેવાનો, કાર્યક્રરો, હોદેદારો તથા દરેક ધર્મના અગ્રણીઓ જોડાયા હતા. આ ગણેશ વિસર્જન યાત્રા નુ ઠેર ઠેર વિવિધ સમાજના અગ્રણીઓ અને નગરજનો ધ્વારા પુષ્પો થી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.ગોધરામાં રવિવારે ૧૦૦ થી વધુ ગણેશ મંડળ ધ્વારા ગણેશ પ્રતિમાઓનું વાજતે ગાજતે ભારે ઉલ્લાસ સાથે ડી.જે.ઢોલ નગારા ના સથવારે હિન્દુ મુસ્લિમ કોમી એખાલસ એકતા અને ભાઈચારા સાથે શાંતિપૂર્વક વિસર્જન યાત્રા કાઢવામાં આવી હતી.જે ગણેશ વિસર્જન યાત્રા પરંપરાગત રૂટ શ્રી સાર્વજનિક વિશ્વકર્મા ચોકથી યાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું.જે સાવલીવાડ,નીચવાસ બજાર,પટેલવાડા,રાણી મસ્જિદ, પોલન બજાર,કેસરી ચોક,ચોકી નંબર ૭,રેલવે સ્ટેશન રોડ,ગોધરા શહેર બી ડિવિજન પોલીસ સ્ટેશન,સ્વામિનારાયણ મંદિર પીમપુટકર ચોક,રણછોડજી મંદિર થઈ રામસાગર તળાવ ખાતે ગણેશ વિસર્જન યાત્રા નુ સમાપન થયું.જ્યાં રામસાગર તળાવ ખાતે ગણેશ પ્રતિમાઓનું વિધિવત રીતે ભક્તો ધ્વારા ભારે હૈયે વિદાય આપી વિસર્જન કરવામાં આવ્યું હતું.
ગોધરામાં ગણેશ વિસર્જન યાત્રા શાંતીપૂર્ણ વાતાવરણ માં સંપન્ન થતા પંચમહાલ જિલ્લા વહીવટી તંત્ર,પંચમહાલ પોલીસ પ્રશાસને રાહત નો શ્વાસ લઈ હાશકારો અનુભવ્યો હતો.

ગોધરામાં ગણેશ વિસર્જન યાત્રામાં મેઘરાજા એ પણ આર્શીવાદ આપ્યા……
ગોધરામાં વહેલી સવારથી ગણેશ વિસર્જન યાત્રા ને લઈ નગરજનોમાં અને ગણેશ આયોજકોમાં ભારે ઉત્સાહ,ઉમંગ જોવા મળી રહ્યો હતો. સવારથી જ ભારે ગરમી, ઉકળાટ, બફારો હોવાના કારણે ગણેશ મંડળના આયોજકો બપોર પછી ગણેશ વિસર્જન યાત્રામાં જોડાયા હતા.ત્યારે બપોર બાદ મેઘરાજા પણ ગોધરાની ગણેશ વિસર્જન યાત્રામાં પોતાની પ્રત્યક્ષ ઉપસ્થિતિ નોંધાવી હોય તેમ ભારે વરસાદ વરસ્યો હતો. જેના કારણે લોકોને ગરમીમાંથી રાહત મળી હતી. તો સાથે સાથે ચાલુ વરસાદમાં ગણેશ વિસર્જન યાત્રામાં નાચ ગાન ની પણ મોજ પડી ગઈ હતી.

પોલીસ તંત્રના રાઉન્ડ ધ ક્લોક જેવા અભૂતપૂર્વ બંદોબસ્ત વચ્ચે ગણેશ વિસર્જન યાત્રા હર્ષોલ્લાસ સાથે પસાર
ગોધરા શહેરની ગણેશ વિસર્જન યાત્રા ઐતિહાસિક માનવામાં આવે છે.સમગ્ર દેશમાં અને પરદેશમાં પણ ગોધરાની આન બાન અને શાન ગણાતી ભવ્ય ગણેશ વિસર્જન યાત્રા ઉપર સૌ કોઈની મિટ મંડાયેલી હોય છે.પોલીસ વિભાગ દ્વારા ગોધરા શહેર માં ગણેશ વિસર્જન યાત્રા નિર્વિધ્ને પૂર્ણ થાય તે માટે ભારે કમર કસી હતી. જડબેસલાક પોલીસ બંદોબસ્ત શુક્રવાર સાંજથી જ ગોઠવી દેવામાં આવ્યો હતો.

મુસ્લિમ સમાજ ના અગ્રણીઓ દ્વારા શ્રીજી બાપા ના આગમનની સવારીઓનું પુષ્પવર્ષા થી સ્વાગત કરાયું…..
ગોધરામાં ઐતિહાસિક ગણેશ વિસર્જન યાત્રા ના પગલે હિન્દુ અને મુસ્લિમ સમાજના અગ્રણીઓ અને નાગરિકોએ પણ કોમી એકતા,એખલાસ સાથે પર્વની ઉજવણી કરી હતી.ગણેશ વિસર્જન યાત્રા જ્યારે મુસ્લિમ વિસ્તારમાંથી પસાર થઈ ત્યારે મુસ્લિમ સમાજના અગ્રણીઓ અને નગરજનો એ શ્રીજી બાપ્પાની શોભાયાત્રા ને પુષ્પો વડે વધાવી હતી. અને ઠેર ઠેર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

પંચમહાલ જિલ્લા પોલીસ પ્રશાસન દ્વારા રવિવારે ગણેશ વિસર્જન યાત્રા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.જેમાં SP ૪, Dy.SP ૧૧, PI ૫૪, PSI ૯૮, પોલીસ કોન્સ્ટેબલ ૧૩૭૨, વુમન પોલીસ કોન્સ્ટેબલ ૨૫૦, હોમગાર્ડ ૧૨૦૦, GRD ૫૦૦, LRD ૧૮૬,TRB ૮૦ સહિત ૪૦૦૦ થી વધુ પોલીસ કર્મચારીઓનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.આ ઉપરાંત SRP ની ૪ કંપની, RAF ની ૧ કંપની અને BSF ની ૧ કંપની વિશેષ રીતે ફાળવવામાં આવી હતી.ગણેશ વિસર્જન બંદોબસ્ત દરમિયાન ફાળવવામાં આવેલા સાધન સામગ્રી માં ૧૬૩ વાયરલેસ સેટ, ૯૬ દૂરબીન, ૩૪ ગેસ ગન, ૭૫ બોડી પ્રોટેક્ટર, ૧૧૪ બોડી વોર્ન કેમેરા, ૯૬ CCTV કેમેરા, ૮૨ વિડિઓ ગ્રાફર, ૧૦ વ્રજ વાન, ૨ વરુણ વાહન, ૨૨ રિકવિઝિટ વાહન, ૧૫ ક્રેઇન, ૧૦૦ રસસા અને ૭૦ જેટલી ટોર્ચ નો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
