આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈ હવે માત્ર વિજ્ઞાનકથાઓ કે ફિલ્મોની કલ્પના પૂરતું રહ્યું નથી. ટેક્નોલોજીની દુનિયામાં એઆઈની ક્ષમતાઓ ઝડપથી વધી રહી છે. ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે જો ભવિષ્યમાં એઆઈ માનવ બુદ્ધિમત્તા કરતાં પણ વધુ શક્તિશાળી બની જાય તો દુનિયામાં કેટલો મોટો બદલાવ આવી શકે?
વિજ્ઞાનકથાની ફિલ્મોમાં એઆઈને જે રીતે દર્શાવવામાં આવતું હતું, તે હવે ધીમે ધીમે વાસ્તવિકતા બનતું જોવા મળી રહ્યું છે. તાજેતરમાં સામે આવેલી એક ઘટનાએ એઆઈની વધતી ક્ષમતાઓ અને તેના સંભવિત જોખમ અંગે ચિંતા વધુ ગાઢ બનાવી છે.
એક ખાસ પ્રકારના સાયબર સિક્યોરિટી ટેસ્ટ દરમિયાન 1,200થી વધુ એઆઈ એજન્ટ્સને એક બંધ સિસ્ટમમાં કામ કરવા માટે મૂકવામાં આવ્યા હતા. તેમને એકબીજા સાથે સીધી વાતચીત કરવાની મંજૂરી નહોતી.

પરંતુ આ દરમિયાન 1,200થી વધુ એજન્ટ્સે મળીને એક પ્રકારનું મેસેજ બોર્ડ તૈયાર કરી લીધું. તેમાં એક એજન્ટે પોતાનું નામ “ફેઝવન10841” રાખ્યું અને પોતાને નેતા તરીકે સ્થાપિત કરી દીધો. ત્યારબાદ તેણે અન્ય એઆઈ એજન્ટ્સને નાની-નાની ટીમોમાં વહેંચીને અલગ-અલગ કામ સોંપવાનું શરૂ કર્યું.
જોતજોતામાં એઆઈ એજન્ટ્સ વચ્ચે 70 હજારથી વધુ સંદેશાઓની આપ-લે થઈ. ત્યારબાદ લગભગ 700 એજન્ટ્સે મળીને એઆઈ પ્લેટફોર્મ હગિંગ ફેસની સિસ્ટમ પર હુમલો કર્યો.
આ ઘટના એટલા માટે મહત્વપૂર્ણ છે કે સવાલ માત્ર એટલો નથી કે એઆઈ કેટલું સ્માર્ટ બની શકે છે. અસલ સવાલ એ છે કે જો ભવિષ્યમાં એઆઈને આજની સરખામણીમાં અનેકગણી વધુ ક્ષમતા મળી જાય તો શું થઈ શકે?
આજના એઆઈ સિસ્ટમ હજુ માનવીની જેમ સામાન્ય રીતે વિચારતા નથી. પરંતુ જે ઝડપથી તેમની ક્ષમતાઓ વધી રહી છે, તેને લઈને વૈજ્ઞાનિકો અને એઆઈ નિષ્ણાતોની ચિંતા પણ વધી રહી છે. આ જ કારણસર હવે ચર્ચા માત્ર આજના એઆઈ સુધી મર્યાદિત નથી રહી, પરંતુ આર્ટિફિશિયલ જનરલ ઇન્ટેલિજન્સ (AGI) અને તેના પછીની સંભવિત આર્ટિફિશિયલ સુપરઇન્ટેલિજન્સ (ASI) અંગે પણ થઈ રહી છે.
ગૂગલ ડીપમાઇન્ડના વડા ડેમિસ હસાબિસના મતે વર્ષ 2030 સુધીમાં આર્ટિફિશિયલ જનરલ ઇન્ટેલિજન્સ આવી શકે છે. આ ટેક્નોલોજી માણસની જેમ વિચારવા, પોતાની જાતે શીખવા અને નિર્ણય લેવાની ક્ષમતા ધરાવી શકે છે.
પરંતુ એજીઆઈ અને એએસઆઈ શું છે? અને તે આજના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી કેવી રીતે અલગ છે? તે સમજતા પહેલાં ત્રણેય વચ્ચેનો તફાવત સમજવો જરૂરી છે.

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ શું છે?
આજે આપણે જે એઆઈનો ઉપયોગ કરી રહ્યા છીએ તેને સરળ ભાષામાં એવી મશીન તરીકે સમજી શકાય, જે માણસની જેમ કેટલાક ચોક્કસ કાર્યો કરવાની કોશિશ કરે છે.
એઆઈ મોટી માત્રામાં માહિતીનું વિશ્લેષણ કરીને તેમાં રહેલા પેટર્નને સમજી શકે છે અને તેના આધારે જવાબ અથવા પરિણામ આપી શકે છે.
ઉદાહરણ તરીકે, ચેટજીપીટીને પ્રશ્ન પૂછવો, મોબાઇલમાં અવાજ દ્વારા કમાન્ડ આપવી, ફોટામાં ચહેરો ઓળખવો અથવા યુટ્યુબ પર તમારી પસંદગી મુજબના વીડિયો સૂચવવા જેવી કામગીરીમાં એઆઈનો ઉપયોગ થાય છે.
પરંતુ વર્તમાન એઆઈની કેટલીક મર્યાદાઓ પણ છે. તેને જે પ્રકારના કામ માટે તૈયાર અને પ્રશિક્ષિત કરવામાં આવ્યું હોય, તે મુખ્યત્વે તે જ ક્ષેત્રમાં સારું પ્રદર્શન કરે છે.
એઆઈ ચોક્કસપણે સ્માર્ટ છે, પરંતુ હજુ સુધી તેની પાસે માણસની જેમ દરેક પ્રકારની બાબતોને સમજવાની અને સામાન્ય બુદ્ધિથી નિર્ણય લેવાની ક્ષમતા નથી.
આર્ટિફિશિયલ જનરલ ઇન્ટેલિજન્સ એટલે શું?
આર્ટિફિશિયલ જનરલ ઇન્ટેલિજન્સ એટલે એઆઈનું આગામી સંભવિત સ્તર, જ્યાં મશીન માત્ર એક કે બે પ્રકારના કામ સુધી મર્યાદિત નહીં રહે.
એજીઆઈ માણસની જેમ અલગ-અલગ પ્રકારના બૌદ્ધિક કાર્યોને સમજવાની ક્ષમતા ધરાવી શકે છે. તે નવી વસ્તુઓ શીખી શકે અને શીખેલી માહિતીનો ઉપયોગ નવી અને અલગ પરિસ્થિતિઓમાં પણ કરી શકે.
ઉદાહરણ તરીકે, જો એજીઆઈએ કોઈ એક ક્ષેત્રમાં સમસ્યા ઉકેલવાની રીત શીખી હોય, તો તે જ સમજનો ઉપયોગ સંપૂર્ણપણે નવા ક્ષેત્રની સમસ્યા ઉકેલવા માટે પણ કરી શકે.
એજીઆઈમાં સામાન્ય જ્ઞાન, તર્કશક્તિ અને પરિસ્થિતિ પ્રમાણે નિર્ણય લેવાની ક્ષમતા હોવાની કલ્પના કરવામાં આવે છે. તેથી દરેક નવા કાર્ય માટે તેને અલગથી તૈયાર કરવાની જરૂર નહીં પડે.
હાલમાં આર્ટિફિશિયલ જનરલ ઇન્ટેલિજન્સ અસ્તિત્વમાં આવી હોવાનું વ્યાપક રીતે સ્વીકારાયેલું નથી.

આર્ટિફિશિયલ સુપરઇન્ટેલિજન્સ શું છે?
આર્ટિફિશિયલ સુપરઇન્ટેલિજન્સ એટલે એજીઆઈથી પણ આગળનું સંભવિત સ્તર.
એએસઆઈ એવી કલ્પિત ટેક્નોલોજી છે, જે બૌદ્ધિક ક્ષમતાની દૃષ્ટિએ માણસોથી ખૂબ આગળ નીકળી શકે.
તે અત્યંત જટિલ સમસ્યાઓને માણસ કરતાં ઘણી ઝડપથી સમજી શકે, નવી વૈજ્ઞાનિક શોધોમાં મદદ કરી શકે અને એવી નવી શોધો તથા ટેક્નોલોજી વિકસાવી શકે, જેના વિશે માણસે કદાચ કલ્પના પણ ન કરી હોય.
સૌથી મોટી બાબત એ છે કે જો આવું એઆઈ પોતાની જાતને સતત વધુ સક્ષમ બનાવવામાં સફળ થાય, તો તેની ક્ષમતાઓ ખૂબ જ ઝડપથી વધી શકે છે.
જોકે, ધ્યાનમાં રાખવાની બાબત એ છે કે આર્ટિફિશિયલ સુપરઇન્ટેલિજન્સ હાલમાં ભવિષ્યની એક સંભવિત કલ્પના છે.
ક્યારે આવી શકે આર્ટિફિશિયલ સુપરઇન્ટેલિજન્સ?
ઘણા ટેક્નોલોજી નિષ્ણાતોનું માનવું છે કે 2030થી 2035 વચ્ચે એજીઆઈ એટલે કે માનવ જેવી સામાન્ય બુદ્ધિમત્તા ધરાવતું એઆઈ વિકસિત થઈ શકે છે.
ત્યારબાદ એજીઆઈ પોતાની ક્ષમતાઓમાં સુધારો કરીને આર્ટિફિશિયલ સુપરઇન્ટેલિજન્સ તરફ આગળ વધી શકે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવે છે.
ઓપનએઆઈના સીઈઓ સેમ અલ્ટમેનના મતે સુપરઇન્ટેલિજન્ટ એઆઈ માનવ બુદ્ધિમત્તાથી ઘણી આગળ જતી ટેક્નોલોજી બની શકે છે. અલ્ટમેનના જણાવ્યા પ્રમાણે સુપરઇન્ટેલિજન્સ આવવામાં કદાચ થોડા હજાર દિવસ લાગી શકે છે. જોકે, તેમાં આ સમય કરતાં વધુ સમય પણ લાગી શકે છે.
તેમના મતે એક વખત એઆઈ માણસો કરતાં ઘણી વધારે સક્ષમ બની જશે ત્યારબાદ તે પોતાના આગામી વર્ઝનના એઆઈના વિકાસમાં અને વૈજ્ઞાનિક શોધોને ઝડપી બનાવવામાં પણ મદદ કરી શકે છે.
જળવાયુ પરિવર્તનનો ઉકેલ, અંતરિક્ષમાં માનવ વસાહતો સ્થાપિત કરવી અને ભૌતિકશાસ્ત્રની મોટી-મોટી વણઉકેલાયેલી સમસ્યાઓનો ઉકેલ સુપરઇન્ટેલિજન્ટ એઆઈની મદદથી શક્ય બની શકે છે.
પરંતુ તેની સાથે જોખમો પણ જોડાયેલા હશે. તેથી એઆઈના ફાયદાઓ વધારવા અને તેના સંભવિત નુકસાનને ઘટાડવા માટે અત્યારથી જ તૈયારી કરવી જરૂરી છે.
સિંગ્યુલેરિટી નેટના સ્થાપક અને જાણીતા કમ્પ્યુટર વૈજ્ઞાનિક બેન ગોએર્ટઝેલનું અનુમાન છે કે 2027થી 2030 વચ્ચે સુપરઇન્ટેલિજન્ટ એઆઈ આવી શકે છે.
તેમના મતે આર્ટિફિશિયલ જનરલ ઇન્ટેલિજન્સ વિકસિત થયા બાદ તે માનવ સભ્યતાના સમગ્ર જ્ઞાનને અત્યંત ઝડપથી સમજીને સુપરઇન્ટેલિજન્સના સ્તર સુધી પહોંચી શકે છે.
મશહૂર કમ્પ્યુટર વૈજ્ઞાનિક રે કુરઝવેઇલનું અનુમાન છે કે 2029 સુધીમાં એઆઈ માનવ જેટલી બુદ્ધિશાળી બની શકે છે.
તેમના મતે આગળ જતાં માનવ અને મશીનની બુદ્ધિમત્તા એકબીજા સાથે જોડાઈ શકે છે. તેના પરિણામે માનવ મગજની ક્ષમતામાં વધારો થઈ શકે અને માણસ આજની સરખામણીમાં વધુ ઝડપથી વિચારી તથા શીખી શકે.
એઆઈ ક્ષેત્રના જાણીતા વૈજ્ઞાનિક યોશુઆ બેન્ગિયોને માણસ કરતાં વધુ બુદ્ધિશાળી એઆઈ અંગે ચિંતા છે.
તેમને ભય છે કે ક્યાંક આપણે એવી મશીનો ન બનાવી દઈએ જેને ભવિષ્યમાં માણસો માટે નિયંત્રિત કરવી મુશ્કેલ બની જાય. તેમના મતે માનવજાત એવી ટેક્નોલોજી વિકસાવી રહી છે, જેની શક્તિ ભવિષ્યમાં ખુદ માણસોની ક્ષમતાથી પણ આગળ વધી શકે છે.
આર્ટિફિશિયલ સુપરઇન્ટેલિજન્સ શું કરી શકે?
ઓપનએઆઈના પૂર્વ ચીફ સાયન્ટિસ્ટ અને સ્થાપક સભ્યોમાંના એક ઇલ્યા સુત્સ્કેવરનું માનવું છે કે સુપરઇન્ટેલિજન્સ માત્ર એક સોફ્ટવેર નહીં હોય, પરંતુ તે એક નવી બુદ્ધિશાળી પ્રજાતિ જેવી બની શકે છે.
ઘણા ટેક્નોલોજી નિષ્ણાતોનું માનવું છે કે આર્ટિફિશિયલ સુપરઇન્ટેલિજન્સ માણસ કરતાં હજારો ગણી વધુ બુદ્ધિશાળી બની શકે છે.
એઆઈનું આ વિકસિત સ્વરૂપ ભવિષ્યમાં શું કરી શકે તે અંગે આજે આપણે માત્ર કલ્પના જ કરી શકીએ છીએ. આવી સ્થિતિમાં દુનિયા ટેક્નોલોજિકલ સિંગ્યુલેરિટી તરફ આગળ વધી શકે છે.
સેમ અલ્ટમેનના મતે જો આ ટેક્નોલોજીનો વિકાસ અનિયંત્રિત રીતે કરવામાં આવે તો તે માનવજાતના અસ્તિત્વ માટે સૌથી મોટો ખતરો બની શકે છે.
પરંતુ જો તેને સુરક્ષિત અને જવાબદારીપૂર્વક વિકસાવવામાં આવે તો તે માનવજાત માટે અકલ્પનીય સમૃદ્ધિ અને પ્રગતિનો યુગ લાવી શકે છે.
ડેમિસ હસાબિસ પણ કંઈક આવું જ માને છે. તેમના મતે સુપરઇન્ટેલિજન્સ માણસોનો દુશ્મન બનવાને બદલે વિજ્ઞાનનું સૌથી શક્તિશાળી સાધન બની શકે છે.
તે માનવ વૈજ્ઞાનિકો સાથે મળીને નવી શોધો કરવામાં મદદ કરી શકે છે અને માનવજાત સામે ઊભી રહેલી કેટલીક સૌથી મુશ્કેલ સમસ્યાઓના ઉકેલ શોધવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.
એટલે ભવિષ્યનો સૌથી મોટો સવાલ એ નથી કે એઆઈ કેટલું બુદ્ધિશાળી બનશે…
પરંતુ સવાલ એ છે કે જ્યારે એઆઈ માણસ કરતાં પણ વધુ બુદ્ધિશાળી બનશે, ત્યારે માણસ તેને કેટલું નિયંત્રિત કરી શકશે?
