ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને મહાન શિક્ષણશાસ્ત્રી ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મજયંતિ નિમિત્તે તા. ૫ સપ્ટેમ્બરે શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવે છે. તેના અનુસંધાને જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી તથા જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિ, વડોદરા દ્વારા તાલુકા અને જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક એનાયત સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું.
સાંસદ ડૉ. હેમાંગ જોશીએ જણાવ્યું હતું કે, શિક્ષકનું કાર્ય માત્ર બાળકોને ભણાવવાનું નથી, પરંતુ તેમના સંસ્કાર, ગુણો અને વ્યક્તિત્વનું ઘડતર કરવાનું પણ છે. સરકારી શિક્ષકો અનેક જવાબદારીઓ નિભાવવાની સાથે બાળકોના શિક્ષણ અને સર્વાંગી વિકાસ માટે સતત મહેનત કરે છે. વિકસિત ભારતના નિર્માણ માટે દેશના યુવાનોને તૈયાર કરવામાં શિક્ષકોની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ છે.

જિલ્લા વિકાસ અધિકારી આનંદ પાટીલે જણાવ્યું હતું કે, શિક્ષક દિન એ શિક્ષકોના યોગદાનને સન્માનવાનો અવસર છે. માતા-પિતા પછી બાળકના જીવનમાં શિક્ષકની ભૂમિકા સૌથી મહત્વપૂર્ણ છે. શિક્ષકો માત્ર શિક્ષણ જ નહીં, પરંતુ બાળકોમાં સંસ્કાર, મૂલ્યો અને આત્મવિશ્વાસનું સિંચન કરીને તેમના જીવનનું ઘડતર કરે છે. શિક્ષકોનું યોગદાન શાળા પૂરતું સીમિત ન રહેતાં સમાજ અને રાષ્ટ્રના વિકાસમાં પણ મહત્વપૂર્ણ છે.
વડોદરા જિલ્લા શિક્ષણાધિકારી મહેશ પાંડેએ જણાવ્યું હતું કે, ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મજયંતિ નિમિત્તે શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવે છે. એક શિક્ષક પોતાની મહેનત, જ્ઞાન અને નિષ્ઠાથી ક્યાંથી ક્યાં સુધી પહોંચી શકે તેનું શ્રેષ્ઠ ઉદાહરણ ડૉ. રાધાકૃષ્ણન છે. શિક્ષકો સમાજ અને રાષ્ટ્રના ઘડતરમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, ત્યારે તેમના યોગદાનને સન્માનવું સૌની જવાબદારી છે.

જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન ભૂમિકાબેને જણાવ્યું હતું કે, શિક્ષક માત્ર પાઠ્યપુસ્તકનું જ્ઞાન આપતા નથી, પરંતુ વિદ્યાર્થીઓના જીવનનું ઘડતર કરી તેમનામાં સંસ્કારનું સિંચન કરે છે અને તેમને સફળતાના માર્ગે દોરી જાય છે.
આ પ્રસંગે ધારાસ્ભ્ય સતીશભાઇ પટેલ જિલ્લા પંચાયત પ્રમુખ જ્યોત્સનાબેન રબારી, જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી, જિલ્લા શિક્ષણાધિકારી, આચાર્યઓ, શિક્ષકમિત્રો, વિદ્યાર્થીઓ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિજેતાઓ
૧. નિશાબેન રતિભાઈ માયાવંશી, ઉપશિક્ષક – સેગુવાડા પ્રાથમિક શાળા, તા. ડભોઇ
૨. મહેશ નારાયણદાસ ચૌધરી, ઉપશિક્ષક – કડાછલા પ્રાથમિક શાળા, તા. ડેસર
૩. પ્રતિકકુમાર જ્યંતિભાઈ પટેલ, ઉપશિક્ષક – દણોલી પ્રાથમિક શાળા, તા. પાદરા
૪. મીનાબેન પૂંજાલાલ નાયી, ઉપશિક્ષક – પદમલા પ્રાથમિક શાળા, તા. જિ. વડોદરા
૫. ઉર્વશીબેન ભગવાનભાઈ પટેલ, ઉપશિક્ષક – નવાપુરા અંગ્રેજી પ્રાથમિક શાળા, તા. જિ. વડોદરા
જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિજેતાઓ
૧. નટુભાઈ ત્રિકમભાઈ પરમાર, મુખ્ય શિક્ષક – એમ. ડી. પટેલ હાઈસ્કૂલ, માધ્યમિક શાળા વિભાગ
૨. મહેશકુમાર મનુભાઈ પટેલ, બી.આર.સી. – બીઆરસી સેન્ટર, સી.આર.સી./બી.આર.સી./કેળવણી નિરીક્ષક/એચ.ટાટ કેટેગરી
૩. સ્વીટીબેન રમેશકુમાર ધાણધારા, મુખ્ય શિક્ષક – ઇટોલા કૃષિ પ્રાથમિક શાળા, પ્રાથમિક શાળા વિભાગ
