૨૩,૬૦૦થી વધુ પરિવારોને મળ્યું મોંઘી તબીબી સારવાર અને આરોગ્ય ચકાસણીનું અભેદ્ય કવચ
(વડોદરા, તા.૦૭)
ગુજરાત સરકારના ‘તંદુરસ્ત ગુજરાત’ના સંકલ્પને વડોદરા જિલ્લામાં પાયાના સ્તરે સાકાર કરવા માટે વહીવટી તંત્ર દ્વારા ઐતિહાસિક આરોગ્ય સેવા યજ્ઞ કરવામાં આવ્યો છે. જિલ્લા પ્રશાસન દ્વારા તારીખ ૧ સપ્ટેમ્બરથી ૬ સપ્ટેમ્બર, ૨૦૨૬ દરમિયાન યોજાયેલા વિશેષ સેચ્યુરેશન કેમ્પ અન્વયે ગ્રામીણ કક્ષાના નાગરિકોને ગંભીર અને મોંઘી તબીબી સારવારના ખર્ચ સામે સુરક્ષા આપતી યોજનાઓ હેઠળ આવરી લેવાની અતિ મહત્વપૂર્ણ કામગીરી રેકોર્ડબ્રેક સમયમાં પૂર્ણ કરવામાં આવી છે. પ્રશાસનના સંનિષ્ઠ પ્રયાસોને કારણે જિલ્લાના હજારો પરિવારોને સ્થળ પર જ આરોગ્ય સુરક્ષા કવચના કાર્ડ એનાયત કરી દેવાયા છે.
આ વિશેષ લોકસુખાકારી ઝુંબેશ અંતર્ગત અત્યંત મોંઘી અને જટિલ સારવારના ખર્ચ સામે આર્થિક સુરક્ષા પ્રદાન કરતી ભારત સરકારની લોકપ્રિય અને જીવનરક્ષક એવી ‘પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના’ (આયુષ્માન કાર્ડ) અંતર્ગત જિલ્લાભરમાંથી પ્રચંડ જનપ્રતિસાદ સાંપડ્યો હતો. કેમ્પ દરમિયાન કુલ ૧૪,૬૬૨ જેટલા નવા ફોર્મ ભરાયા હતા, જેમાંથી પ્રશાસને ત્વરિત અને માનવીય અભિગમ દાખવીને કોઈપણ વિલંબ વિના સ્થળ પર જ ૧૪,૨૯૯ અરજીઓ મંજૂર કરી દીધી છે. આમ, આ યોજના હેઠળ ૯૭.૫૨ ટકા જેટલો અસાધારણ મંજૂરી દર હાંસલ કરી ગરીબ અને મધ્યમ વર્ગના હજારો પરિવારોને મફત સારવારનું અમોઘ શસ્ત્ર સોંપવામાં આવ્યું છે.
આ સાથે જ, નાગરિકોના હેલ્થ ડેટાબેઝ અને તબીબી વિગતોને સુરક્ષિત રાખતા અતિમહત્વપૂર્ણ ‘હેલ્થ એન્ડ વેલનેસ કાર્ડ’ માટે જિલ્લાના નાગરિકોએ અભૂતપૂર્વ ઉત્સાહ દર્શાવ્યો હતો. આ યોજના હેઠળ નોંધાયેલા તમામ ૯,૩૭૩ અરજદારોના ફોર્મ સો ટકા (૧૦૦ ટકા) એપ્રુવલ સાથે મંજૂર કરીને તમામે તમામ ૯,૩૭૩ નાગરિકોને સ્થળ પર જ કાર્ડ વિતરણ કરી દેવાયા છે. વહીવટી તંત્રની આ પારદર્શી અને ક્ષતિરહિત કામગીરીને કારણે સામાન્ય જનતાને કચેરીઓના ધક્કા ખાવામાંથી મુક્તિ મળી છે. વડોદરા પ્રશાસનની આ આરોગ્યલક્ષી ત્વરિત સેવા અને સુશાસન અભિગમ સમગ્ર રાજ્ય માટે આદર્શ મોડેલ પુરવાર થયો છે.