આધુનિક યુગમાં શિક્ષણનું સ્વરૂપ સતત બદલાઈ રહ્યું છે ત્યારે આદિવાસી વિસ્તારના વિદ્યાર્થીઓ પણ ટેક્નોલોજીના માધ્યમથી ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવી શકે તે દિશામાં GFL કંપની દ્વારા સરાહનીય પહેલ કરવામાં આવી છે.
રણજીતનગર માધ્યમિક હાઈસ્કૂલ ખાતે GFL કંપની દ્વારા વિદ્યાર્થીઓ માટે 25 જેટલા લેપટોપનું વિતરણ કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓને ડિજિટલ શિક્ષણ તરફ આગળ વધારવા તેમજ ઉચ્ચ અભ્યાસ માટે જરૂરી ટેક્નોલોજીનો લાભ મળી રહે તે હેતુથી કંપની દ્વારા આ શિક્ષણલક્ષી કામગીરી હાથ ધરવામાં આવી હતી.
આજના સ્પર્ધાત્મક યુગમાં કોમ્પ્યુટર અને ડિજિટલ ટેક્નોલોજી શિક્ષણનો મહત્વપૂર્ણ હિસ્સો બની ગયા છે. ત્યારે આદિવાસી વિસ્તારમાં આવેલી શાળાના વિદ્યાર્થીઓ પણ શહેરોના વિદ્યાર્થીઓની જેમ કદમથી કદમ મિલાવીને આગળ વધી શકે અને ઉચ્ચ શિક્ષણના નવા અવસર પ્રાપ્ત કરી શકે, તે માટે GFL કંપનીએ પોતાની સામાજિક જવાબદારી નિભાવતા આ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.

લેપટોપ વિતરણના આ પ્રસંગે GFL કંપનીની નોયડા ઓફિસ તરફથી કલ્લોલ ચક્રવર્તી, પ્લાન HR ભટ્ટજી, કિંજલબેન, CSR હેડ જીગ્નેશ મોરી સહિતના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ ઉપરાંત માધ્યમિક હાઈસ્કૂલના મંડળ પ્રમુખ શૈલેષ પટેલ, મંત્રી મિત્તલ પટેલ, અશ્વિન પટેલ સહિત શાળા પરિવારના સભ્યો પણ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.
GFL કંપની દ્વારા રણજીતનગર માધ્યમિક હાઈસ્કૂલને કુલ 25 લેપટોપની ભેટ આપવામાં આવતા વિદ્યાર્થીઓમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ટેક્નોલોજીના સાધનો મળવાથી વિદ્યાર્થીઓને અભ્યાસમાં નવી દિશા મળશે અને ડિજિટલ માધ્યમથી જ્ઞાન મેળવવાની તકો વધુ વિસ્તરશે.

GFL કંપનીની આ પહેલને શાળા સ્ટાફ, વિદ્યાર્થીઓ તેમજ ગ્રામજનોએ બિરદાવી કંપનીનો આભાર વ્યક્ત કર્યો હતો. સાથે જ રણજીતનગરના વિદ્યાર્થીઓના શૈક્ષણિક વિકાસ માટે GFL કંપની તરફથી ભવિષ્યમાં પણ આવી જ રીતે સહયોગ મળતો રહે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી હતી.
આદિવાસી વિસ્તારના વિદ્યાર્થીઓના હાથમાં લેપટોપ પહોંચાડીને GFL કંપનીએ માત્ર સાધનનું વિતરણ નથી કર્યું, પરંતુ વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે ડિજિટલ શિક્ષણની નવી તકના દ્વાર ખોલ્યા છે.
