મણિનગર: નેપાળ-તિબેટ સરહદ વિસ્તારમાં આવેલા વિનાશક પૂરથી મોટી જાનહાનિ સર્જાતા અમદાવાદના મણિનગર ખાતે શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. નેપાળમાં 26 ઓગસ્ટે આવેલા વિનાશક ફ્લેશ ફ્લડથી વ્યાપક જાનમાલનું નુકસાન થયું હોવાનું અહેવાલોમાં સામે આવ્યું છે.
શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના ઈન્ટરનેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ નોલેજ શેરિંગ પ્રોગ્રામ-2026 અંતર્ગત મણિનગર સ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિરમાં આ કાર્યક્રમ યોજાયો હતો.
પરમ પૂજ્ય જ્ઞાનમહોદધિ આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજની અધ્યક્ષતામાં યોજાયેલા કાર્યક્રમમાં પૂર હોનારતમાં જીવ ગુમાવનાર પ્રવાસીઓ તેમજ અન્ય મૃતકોને શાશ્વત શાંતિ મળે તે માટે સ્તુતિ, પ્રાર્થના, ધ્યાન અને ધૂન કરવામાં આવી હતી.

નેપાળના રાસુવા સહિતના વિસ્તારોમાં પૂર અને અચાનક આવેલા પાણીના પ્રવાહથી મકાનો, રસ્તાઓ, પુલો તથા અન્ય માળખાકીય સુવિધાઓને ભારે નુકસાન થયું છે અને રાહત-બચાવ કામગીરી હજુ પણ ચાલી રહી છે.
આ પ્રસંગે મહંત સદ્ગુરુ શ્રી ભગવત્પ્રિયદાસજી સ્વામી દ્વારા આપત્તિગ્રસ્ત વિસ્તારોમાં જરૂરિયાતમંદ લોકો સુધી રાહત અને સહાય પહોંચાડવા માટે પણ સંસ્થાને અનુરોધ કરવામાં આવ્યો હતો.
કાર્યક્રમ દરમિયાન માનવસેવા અને આપત્તિના સમયમાં જરૂરિયાતમંદોની પડખે ઊભા રહેવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.
