પંચમહાલના હાલોલ સ્થિત શિવાશિષ પાર્કમાં ઈંટો ભરેલું એક ટ્રેક્ટર ગટરના ખાડામાં ફસાઈ ગયું હતું. ગટરનું ઢાંકણું ટ્રેક્ટરની ટ્રોલીનો ભાર સહન ન કરી શકતાં તૂટી જતાં આ ઘટના બની હતી, જેના કારણે થોડા સમય માટે રાહદારીઓ અને સ્થાનિકોને અવરજવરમાં મુશ્કેલી પડી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, ટ્રેક્ટર ઈંટો ભરીને શિવાશિષ પાર્કમાંથી બહાર નીકળી રહ્યું હતું. તે દરમિયાન રોડની વચ્ચોવચ આવેલા ગટર પરનું ઢાંકણું અચાનક તૂટી ગયું હતું. ઢાંકણું તૂટતાં જ ઈંટોથી ભરેલી ટ્રોલીનું ટાયર સીધું ગટરના ખાડામાં ઉતરી ગયું હતું.ટ્રોલીમાં મોટી સંખ્યામાં ઈંટો ભરેલી હોવાથી ટ્રેક્ટર-ટ્રોલીનું વજન ઘણું વધારે હતું. આ કારણે ટાયર ગટરની કુંડીમાં વધુ ઊંડે સુધી ફસાઈ ગયું હતું, જેના પરિણામે ટ્રેક્ટરને આગળ કે પાછળ ખસેડવું અત્યંત મુશ્કેલ બન્યું હતું.ટ્રેક્ટર ગટરના ખાડામાં ફસાઈ જતાં રોડના એક ભાગમાં વાહનવ્યવહાર પ્રભાવિત થયો હતો. આના કારણે ત્યાંથી પસાર થતા રાહદારીઓ તેમજ સ્થાનિક રહેવાસીઓને થોડા સમય માટે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હોવાનું જાણવા મળ્યું છે.
સોસાયટી વિસ્તારમાં વાહનોની અવરજવર હોવા છતાં ગટરનું ઢાંકણું નબળું હોવાને કારણે આ પ્રકારની ઘટના બની હોવાથી સ્થાનિકોમાં નારાજગી જોવા મળી હતી. સ્થાનિકો દ્વારા ગટરનાં ઢાંકણાં મજબૂત અને વાહનોનો ભાર સહન કરી શકે તેવા બનાવવામાં આવે તેમજ તૂટેલા ઢાંકણાંની તાત્કાલિક મરામત કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
