ઘોઘંબા તાલુકાની કેટલીક ગ્રામ પંચાયતોમાં ગ્રામસભા-સામાન્ય સભા યોજાતી ન હોવા અંગે ઉઠી રહેલી ફરિયાદો વચ્ચે તંત્ર સામે સવાલો
ઘોઘંબા તાલુકાની કેટલીક ગ્રામ પંચાયતોમાં ગ્રામસભા અને સામાન્ય સભા નિયમ મુજબ યોજાતી નથી અથવા માત્ર કાગળ પર કાર્યવાહી પૂર્ણ કરવામાં આવતી હોવાની લોકફરિયાદો વચ્ચે સમગ્ર મામલે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા ખાનગી રાહે તપાસ હાથ ધરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે. ખાસ કરીને છેલ્લા પાંચ વર્ષમાં તાલુકાની ગ્રામ પંચાયતોમાં કેટલી ગ્રામસભા યોજાઈ, તેમાં કેટલા ગ્રામજનો હાજર રહ્યા, કયા પ્રશ્નોની રજૂઆત થઈ અને તે પ્રશ્નોનું શું નિરાકરણ આવ્યું તે અંગે પારદર્શક તપાસ થાય તો અનેક હકીકતો બહાર આવે તેવી ચર્ચા છે.
ઘોઘંબા તાલુકાની હદ ઉત્તર તરફ રીંછવાણીથી શરૂ થઈ દામાવાવ, સીમલીયા થઈ દક્ષિણમાં હાલોલ તાલુકાની હદને અડી રહેલા કાલસર, તાડકુંડલા અને નાથકુવા સુધી વિસ્તરે છે. પૂર્વમાં કાંટુ, માલુ, ગૂંદી, બાકરોલ, શામળકૂવા, વીરાપુરા અને ગોદલી જેવા ગામો, જ્યારે પશ્ચિમ તરફ ફરોડથી વાડીનાથ સુધીનો વિસ્તાર તાલુકાની હદમાં આવે છે. તાલુકામાં આશરે 100 ગામો અને 96 ગ્રામ પંચાયતોનો સમાવેશ થાય છે.
આટલી મોટી સંખ્યામાં ગ્રામ પંચાયતો ધરાવતા તાલુકામાં ગ્રામસભા ખરેખર નિયમિત અને ગ્રામજનોની હાજરીમાં યોજાય છે કે કેમ તે હવે ચર્ચાનો વિષય બન્યો છે. ગ્રામસભા યોજાઈ હોય તો તેની જાહેર જાણ ગ્રામજનોને કેવી રીતે કરવામાં આવી? કેટલા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા? કયા પ્રશ્નો રજૂ થયા? ઠરાવો શું થયા? અને રજૂ થયેલા પ્રશ્નોનું નિરાકરણ આવ્યું કે નહીં? આવા અનેક સવાલોના જવાબ ગ્રામજનો માંગી રહ્યા છે.
જોરાપૂરા-દાઉદ્રાના ગ્રામજનોએ હિંમત દાખવી જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ રજૂઆત કરી હતી. ત્યારબાદ હવે ઘોઘંબા તાલુકાની અન્ય ગ્રામ પંચાયતોના ગ્રામજનો પણ ગ્રામસભા અંગે અવાજ ઉઠાવે તેવી સ્થિતિ સર્જાઈ રહી છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ, જો તંત્ર દ્વારા કોઈ પૂર્વગ્રહ વિના અને ખાનગી રીતે ગામમાં જઈ ગ્રામજનોની ઓળખ છુપાવી તેમની સ્થાનિક ભાષામાં હકીકત પૂછવામાં આવે તો ગ્રામસભાની વાસ્તવિક સ્થિતિ બહાર આવી શકે છે.
કેટલાક ગ્રામજનો દ્વારા તો એવો ગંભીર આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે ગામમાં ગ્રામસભા યોજવાના બદલે પંચાયતનો કર્મચારી ઘરે ઘરે જઈ રજીસ્ટરમાં સહી કે અંગૂઠા કરાવી લે છે અને ગ્રામસભાના દિવસે સરપંચના નજીકના લોકો તથા પંચાયત તરફથી બોલે તેવા લોકોને ભેગા કરી કાર્યવાહી પૂર્ણ કરી દેવામાં આવે છે. જોકે આ આક્ષેપોની સત્તાવાર પુષ્ટિ થવી બાકી છે.
જો આવા આક્ષેપો સાચા હોય તો ગ્રામસભા જેવી લોકશાહી વ્યવસ્થાની મૂળ ભાવના સામે જ સવાલ ઊભો થાય છે. ગ્રામસભા એ ગામના દરેક નાગરિકને પોતાના પ્રશ્નો રજૂ કરવાની અને વિકાસના કામોમાં ભાગીદાર બનવાની વ્યવસ્થા છે. પરંતુ જો ગ્રામસભા માત્ર રજીસ્ટરમાં સહી અને ઠરાવ પૂરતી સીમિત રહી જાય તો તેનો સીધો ભોગ સામાન્ય ગ્રામજન બનતો હોવાનું લોકોનું કહેવું છે.
ગ્રામસભાની કામગીરીમાં તલાટી-કમ-મંત્રીની મહત્વપૂર્ણ જવાબદારી રહેતી હોવાથી કેટલીક ગ્રામ પંચાયતોમાં સરપંચ અને તલાટી-કમ-મંત્રીની કામગીરીની પણ નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. ખાસ કરીને છેલ્લા પાંચ વર્ષના ગ્રામસભાના રજીસ્ટર, હાજરી પત્રક, ઠરાવપોથી અને બેઠકની કાર્યવાહીનું સ્થળ પરની હકીકત સાથે ક્રોસ વેરિફિકેશન કરવામાં આવે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ શકે તેવી ચર્ચા છે.
ઘોઘંબા તાલુકામાં કેટલાક તલાટી-કમ-મંત્રી વર્ષોથી એક જ વિસ્તારમાં ફરજ બજાવતા હોવા અંગે પણ અગાઉથી ચર્ચાઓ થતી રહી છે. સરપંચો સાથેના કથિત ગાઢ સંબંધો અને વિકાસલક્ષી કામગીરીમાં પારદર્શિતાને લઈને પણ સવાલો ઉઠી રહ્યા છે. તાલુકા પંચાયત કચેરીમાં કેટલાક તલાટી-કમ-મંત્રીઓની પડતી રુઆબદાર હાજરીને લઈને પણ ગ્રામ્ય વિસ્તારોમાં અનેક પ્રકારની ચર્ચાઓ ચાલી રહી છે. જોકે આ બાબતોની પણ સત્તાવાર તપાસ બાદ જ હકીકત સ્પષ્ટ થઈ શકે.
ઘોઘંબા તાલુકાની 96 ગ્રામ પંચાયતોમાં છેલ્લા પાંચ વર્ષ દરમિયાન યોજાયેલી ગ્રામસભાઓનો સંપૂર્ણ રેકોર્ડ તપાસવામાં આવે, ગ્રામસભાની જાહેરાતથી લઈને હાજરી અને ઠરાવ સુધીની પ્રક્રિયાની ચકાસણી કરવામાં આવે તથા જરૂર પડે ત્યાં ગ્રામજનોના નિવેદનો લેવામાં આવે તેવી લોકમાંગ છે.
જો જિલ્લા વિકાસ અધિકારી દ્વારા નિષ્પક્ષ અને ખાનગી તપાસ કરવામાં આવે અને દરેક ગામમાં ગ્રામજનો પાસેથી સીધી માહિતી મેળવવામાં આવે તો ખરેખર ગ્રામસભા થઈ હતી કે પછી માત્ર કાગળ પર કાર્યવાહી પૂર્ણ કરાઈ હતી તેનો ખુલાસો થઈ શકે છે. હવે સમગ્ર મામલે તંત્ર શું પગલાં ભરે છે અને ઘોઘંબાની ગ્રામસભાઓ અંગે ઉઠેલા સવાલોનો જવાબ ક્યારે મળે છે તેના પર સૌની નજર છે.
…………………………………..
તલાટી-કમ-મંત્રી માટે ઘોઘંબા ‘પેરિસ’ જેવું?
ઘોઘંબા તાલુકામાં કેટલાક તલાટી-કમ-મંત્રીઓની કામગીરી અને વર્ષોથી એક જ વિસ્તારમાં જમાવેલી પકડને લઈને ગ્રામ્ય વિસ્તારોમાં સવાલો ઉઠી રહ્યા છે. ‘વિકાસની ગતિ વધારવા’ કરતાં પોતાની વગ વધારવામાં વધુ રસ હોવાના આક્ષેપો વચ્ચે સરપંચ અને તલાટી-કમ-મંત્રી વચ્ચેની કથિત સાંઠગાંઠની પણ ચર્ચા છે. વિકાસના કામોનો વાસ્તવિક લાભ ગ્રામજનોને કેટલો મળ્યો અને કેટલો લાભ પંચાયતના સત્તાધીશો તથા મળતિયાઓ સુધી પહોંચ્યો તેની નિષ્પક્ષ તપાસ થાય તો અનેક રહસ્યો પરથી પડદો ઊઠી શકે છે. તાલુકા પંચાયત કચેરીમાં કેટલાક તલાટી-કમ-મંત્રીઓની રુઆબદાર એન્ટ્રી અને દબદબો પણ હવે ચર્ચાનો વિષય બન્યો છે. સવાલ સીધો છે ઘોઘંબા વિકાસ માટેનું કાર્યક્ષેત્ર છે કે પછી કેટલાક માટે ‘પેરિસ’ જેવી સુવિધાની જગ્યા?
