(વડોદરા)
નાયબ મુખ્યમંત્રી હર્ષભાઇ સંઘવીએ ૮૦માં સ્વતંત્રતા દિવસ નિમિત્તે વડોદરા જિલ્લાના માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતેમાં રાષ્ટ્રધ્વજ લહેરાવીને સલામી આપી હતી. રાષ્ટ્રધ્વજ લહેરાવ્યા બાદ નાયબ મુખ્યમંત્રી હર્ષભાઇ સંઘવીએ ઉપસ્થિત તમામને સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ પાઠવીને તેમનું અભિવાદન જીલ્યું હતું. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઇ સંઘવીએ ૮૦મા સ્વતંત્રતા પર્વની શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે, આપણા દેશની આઝાદીને ૧૦૦ વર્ષ પૂર્ણ થવામાં હવે માત્ર ૨૦ વર્ષ બાકી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પાંચ વર્ષ પહેલા ‘વિકસિત ભારત@૨૦૪૭’નું લક્ષ્ય આપ્યું હતું.
આ ભવ્ય લક્ષ્યને પાર પાડવા આપણી પાસે હવે માત્ર બે દાયકા છે. ત્યારે આ ૮૦મો સ્વાતંત્ર્ય દિન માત્ર ઉજવણી નથી. આ પર્વ આગામી ૨૦ વર્ષના આયોજન માટેની એક મહાન પ્રેરણા છે.

દેશના સ્વાતંત્ર્ય સંગ્રામના ઈતિહાસને યાદી કરતા તેમણે ઉમેર્યું કે, ગુજરાતના બે મહાન સપૂતોનું નામ સુવર્ણ અક્ષરે લખાયેલુ છે. આ બે વિરલ સપૂતો એટલે મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલ. આ બંને આઝાદીની લડાઈના વિઝનરી આગેવાન હતા. તેમણે આઝાદીની લડાઇને એક નવી અને ચોક્કસ દિશા આપી હતી.
આઝાદીના સંગ્રામમા ગાયકવાડી શાસન અને વડોદરા નગરીના પ્રદાનને યાદ કરતા ઉમેર્યું કે, ગાયકવાડી શાસન સુશાસન અને રાષ્ટ્રનિર્માણની પાઠશાળા હતું. બંધારણના ઘડવૈયા ડૉ.બાબાસાહેબ આંબેડકરની પ્રતિભા મહારાજાએ ઓળખી તેમને ઉચ્ચ શિક્ષણ માટે આર્થિક સહાય આપી જેનો લાભ આઝાદ ભારતને મળ્યો હતો. ભારતના સંવિધાનના નિર્માણ અને સમાનતાના હક્કોના મૂળિયાં વડોદરાની આ ‘સંકલ્પ ભૂમિ’માં રહેલા છે.

સમૃદ્ધ ગુજરાત માટે, વિકસિત ગુજરાત માટે રાજ્ય સરકાર હરહંમેશ કાર્યરત છે ત્યારે આપણી સરકાર આદિવાસીઓથી લઈને શહેરીજનો, અબાલ-વૃદ્ધ સૌ કોઇના કલ્યાણ માટે કટિબદ્ધ છે.
વડોદરા જિલ્લાના દરેક ગામડા સુધી વિકાસના લાભ પહોંચ્યા છે. ૧૫મા નાણાપંચ અંતર્ગત વડોદરા જિલ્લાને રૂ. ૪૭૯ કરોડની ગ્રાંટ મળી છે.
કુદરતી આફતો સમયે લોકો સુરક્ષિત રહે તેની પણ સરકારે ચિંતા કરી છે. સંવેદનશીલ વિસ્તારના લોકો માટે ૦૫ શેલ્ટર હોમ મંજૂર કરાયા છે.આકાશી આફતો સમયે સરકારે ખેડૂતોની વિશેષ ચિંતા કરી છે. છેલ્લા ૧૦ વર્ષમાં ૧.૩૬ કરોડ ખેડૂતોને સરકારે રાહત ચૂકવી છે.
‘પીએમ કિસાન યોજના’માં રાજ્યના ૬૯.૨૫ લાખથી વધુ ખેડૂત કુટુંબોને લાભ મળ્યો છે. વડોદરા જિલ્લામાં પ્રાકૃતિક ખેતી કરતા ૧,૮૧૦ ખેડૂતોને આર્થિક મદદ મળતા ૩૦૮ મોડેલ ફાર્મ અને બનાવ્યા છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈની દીર્ઘદ્રષ્ટિથી પાણીની સમસ્યા ભૂતકાળ બની ગઈ છે. ગુજરાતમાં જળ-સંચય અભિયાનથી મોટી ક્રાંતિ આવી છે. વડોદરામાં પૂર નિયંત્રણ અને જળ સંચય માટે વ્યાપક કામગીરી હાથ ધરાઈ છે. વિશ્વામિત્રી નદીમાં ૨૯.૨૭ લાખ ઘનમીટર ડિસિલ્ટિંગ પૂર્ણ કરાયું છે. પૂર રાહત માટે વિશ્વામિત્રી પર ૧૩ અને સૂર્યા નદી પર ૫ ચેકડેમ બન્યા છે. દેણા ખાતે વિશ્વામિત્રી-સૂર્યાના સંગમ પર ૨૫ કરોડ લીટર ક્ષમતાનું બફર લેક તૈયાર કરાયું છે. જળ શક્તિ અભિયાન હેઠળ ૨૫૦૦થી વધુ જળ સંચયના કામો થયા છે. ખેડૂતોની સમૃદ્ધિ માટે સિંચાઈ યોજનાઓ વેગવાન બનાવાઈ છે. જેમાં રૂ. સાડા છસ્સો કરોડની તાપી-કરજણ લિંક પાઇપલાઇન યોજના શરૂ કરાઈ છે.
આદિજાતિ જનજાતીય ઉત્કર્ષ હેઠળ વડોદરા અને આસપાસના જિલ્લાઓના વિદ્યાર્થીઓ માટે નવા ૩ સરકારી છાત્રાલયો બનશે તથા જૂની છાત્રાલયની ક્ષમતા વધારવામાં આવી છે.
તેમણે વધુમાં ઉમેર્યું કે, ગુજરાત આજે ઉદ્યોગ, રોકાણ અને રોજગારી ક્ષેત્રે દેશમાં રોલ મોડલ છે. સરકાર યુવાનોને સરકારી અને ખાનગી ક્ષેત્રે રોજગાર આપવા સતત કાર્યરત છે. ૨૦૨૫-૨૬માં ૧,૩૩૩ ભરતીમેળા યોજી ૧,૧૫,૭૭૪ યુવાનોને નિમણૂક પત્રો અપાયા છે. છેલ્લા ૫ વર્ષમાં ૭,૪૦૩ મેગા રોજગાર ભરતીમેળાઓ યોજી ૬.૫૪ લાખથી વધુ યુવાનોને નોકરી પૂરી પાડવામાં આવી છે.
તેમણે યુવાનોને ખાસ ઉલ્લેખીને વિનંતી કરી હતી કે, આજના સમયની માંગ શહાદત નથી સહયોગ છે. આઝાદી મળી છે ત્યારે એક સાચા ભારતીય તરીકે આપને દેશની પ્રગતિમા સહયોગી બનીએ એ આજના સમયની માંગ છે. તમનણે પોતાના મનમાંથી કોઈ પણ પ્રકારના ભેદભાવ અને વાદવિવાદ વગર ઈમાનદારીથી જવાબદારીઓ નિભાવવા અનુરોધ કર્યો હતો. આ સાથે યુવાનોને કોઈ પણ પ્રકારના દુષણ અને વ્યસનના ફેશનથી મુક્ત રહેવા આગ્રહ કર્યો હતો.
અંતે તેમણે સામાજિક સમરસ્તા જાળવવા અને સોશિયલ મિડીયાના ઉપયોગી થકી સમાજ સામાજિક દુષણો પ્રત્યે જાગૃતિ ફેલાવતા યુવાનોને બિરદાવ્યા હતા.
સ્વાતંત્ર્ય પર્વની જિલ્લકક્ષાની ઉજવણીના પ્રારંભે નાયબ મુખ્યમંત્રીનું આગમન થતા પોલીસ કમિશ્નર નર્સિંમહા કોમાર અને જિલ્લા કલેકટર ડૉ. અનિલ ધામેલીયા તેમને પોડીયમ તરફ દોરી ગયા હતા. સંબોધન બાદ નાયબ મુખ્યમંત્રીએ ખુલ્લી જીપમાં સવાર થઈને પરેડ ગ્રાઉન્ડમાં ઉપસ્થિત પ્રજાજનોનું અભિવાદન ઝીલ્યું હતું.
સ્વાતંત્ર્ય પર્વની જિલ્લકક્ષાની ઉજવણી પ્રસંગે વડોદરા જિલ્લામાં વિશિષ્ટ કામગીરી કરેલા કુલ ૫૬ કર્મચારીઓ, અધિકારીઓ, ખેલાડીઓ તથા નાગરિકોને પ્રશસ્તીપત્ર એનાયત કરી સન્માનિત કરાયા હતા.
રાષ્ટ્રીય પર્વની આ શાનદાર ઉજવણીમાં જિલ્લાની વિવિધ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિસભર સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ પોલીસના જવાનો દ્વારા શિસ્તબદ્ધ પરેડ કરી હતી. જેને નિહાળી ઉપસ્થિત લોકો મંત્રમુગ્ધ બન્યા હતા. પરેડમાં પોલીસ સહિત કુલ-૧૯ પ્લાટુનના કર્મચારી જવાનોએ ભાગ લીધો હતો.
કાર્યક્રમના અંતે ‘એક પેડ મા કે નામ ૨.૦’ અંતર્ગત નાયબ મુખ્યમંત્રી સહિત મહાનુભાવોએ પરિસરમાં વૃક્ષારોપણ કર્યું હતું.
સ્વાતંત્ર્ય પર્વનાં જિલ્લાકક્ષાનાં આ સમારોહમાં દંડક બાળકૃષ્ણભાઇ શુક્લ, સાંસદ ડો. હેમાંગ જોશી, ધારાસભ્ય સર્વે કેયુરભાઈ રોકડિયા, ચૈતન્યભાઇ દેસાઇ અને સતિષભાઇ પટેલ, અગ્રણી જયપ્રકાશ સોની, ડૉ.વિજય શાહ, સંયુક્ત પોલિસ કમિશ્નર નિલેશ જાજડિયા, નાયબ પોલીસ કમિશ્નર અભિષેક ગુપ્તા, સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ વડોદરા શહેર અને જિલ્લાના નાગરિકો સહભાગી થયા હતા.
સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં વડોદરાવાસીઓએ મન ભરીને માણ્યા સાંસ્કૃતિક કાર્યક્રમો
આજરોજ વડોદરા જિલ્લાના માંજલપુર ખાતે ગરિમાપૂર્વક સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વિવિધ શાળાઓ તેમજ સંસ્થાઓના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ અને સાંસ્કૃતિક ભાવનાથી ઓતપ્રોત રંગારંગ કાર્યક્રમોની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓની કલાત્મક રજૂઆતોને ઉપસ્થિત લોકોએ મનભરીને માણી હતી.
સાંસ્કૃતિક કાર્યક્રમોની શરૂઆત એસએસવી સ્કૂલ, સોમા તળાવના વિદ્યાર્થીઓ દ્વારા ‘શિવ તાંડવ’ આધારિત રજૂઆતથી કરવામાં આવી હતી. ત્યારબાદ યુવા અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા ‘જયતુ જયતુ ભારતમ્’ ગીત પર ભરતનાટ્યમ અને કથકની સુંદર રજૂઆત કરવામાં આવી હતી.
આત્મીય વિદ્યાલય, CBSEના વિદ્યાર્થીઓ દ્વારા ‘સંદેશો આવે છે’ ગુજરાતી ગીત પર નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું.
પ્રિન્સ અશોકા રાજી સ્કૂલના વિદ્યાર્થીઓએ ‘મારો સોનાનો ઘડલો’ ગીત પર ‘પનિહારી ડાન્સ’ રજૂ કરીને સૌનું મન મોહી લીધું હતું.
ન્યૂ એરા હાઈસ્કૂલ, મકરપુરાના વિદ્યાર્થીઓ દ્વારા શાસ્ત્રીય નૃત્ય સાથે ‘વંદેમાતરમ્’ની ભાવસભર રજૂઆત કરવામાં આવી હતી. ભારતીય વિદ્યા ભવન પબ્લિક સ્કૂલના વિદ્યાર્થીઓએ દેશભક્તિ ગીત પર નૃત્ય રજૂ કર્યું હતું.
તેમજ લિટલ ફ્લાવર સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ રિમિક્સ ગીતો પર ઉત્સાહસભર નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું.
આ તમામ રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં દેશભક્તિ, ભારતીય સંસ્કૃતિ અને રાષ્ટ્રીય એકતાનો સુંદર સમન્વય જોવા મળ્યો હતો. વિદ્યાર્થીઓની મનમોહક પ્રસ્તુતિઓ નિહાળી ઉપસ્થિત મહાનુભાવો સહિત ઉપસ્થિત સૌ લોકો મંત્રમુગ્ધ થયા હતા અને સમગ્ર વાતાવરણ દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું.
