બોગોટા સહિત અનેક વિસ્તારોમાં અનુભવાયા જોરદાર ઝટકા; 115 કિમીની ઊંડાઈએ હતું કેન્દ્ર
બોગોટા, તા.10:
કોલંબિયામાં સોમવારે શક્તિશાળી ભૂકંપના આંચકાથી ધરતી ધ્રૂજી ઉઠી હતી. યુરોપિયન-મેડિટેરેનિયન સિસ્મોલોજિકલ સેન્ટર (EMSC)ના પ્રાથમિક અહેવાલ મુજબ ભૂકંપની તીવ્રતા 7.4 નોંધાઈ હતી અને તેનું કેન્દ્ર જમીનથી આશરે 115 કિલોમીટરની ઊંડાઈએ હોવાનું જણાવાયું હતું. ભૂકંપના જોરદાર આંચકા કોલંબિયાની રાજધાની બોગોટા સહિત અનેક વિસ્તારોમાં અનુભવાયા હતા. પડોશી દેશ ઈક્વાડોરમાં પણ આંચકા અનુભવાયા હોવાની માહિતી સામે આવી છે.
ભૂકંપના આંચકા અનુભવાતા અનેક વિસ્તારોમાં લોકોમાં ગભરાટ ફેલાયો હતો. કેટલાક લોકો સાવચેતીના ભાગરૂપે ઘરો અને ઇમારતોમાંથી બહાર નીકળી આવ્યા હતા. જોકે, પ્રાથમિક માહિતી મુજબ ભૂકંપ બાદ તાત્કાલિક ધોરણે જાનહાનિ, ઈજા કે મોટા પાયે નુકસાન અંગે કોઈ સત્તાવાર માહિતી સામે આવી નહોતી.
ભૂકંપની તીવ્રતા અંગે વિવિધ સિસ્મોલોજિકલ એજન્સીઓના પ્રાથમિક આંકડામાં તફાવત જોવા મળ્યો છે. EMSCએ ભૂકંપની તીવ્રતા 7.4 જણાવી છે, જ્યારે કોલંબિયાની જિયોલોજિકલ સર્વિસે પ્રારંભિક તીવ્રતા 6.7 હોવાનું જણાવ્યું છે. ભૂકંપની ચોક્કસ તીવ્રતા અને અન્ય વિગતોમાં બાદમાં સુધારો થઈ શકે છે.
પ્રાથમિક અહેવાલો અનુસાર ભૂકંપનું કેન્દ્ર સાન જોસ ડેલ પાલમાર વિસ્તારમાં હોવાનું જણાવાયું છે. આ વિસ્તાર કોલંબિયાની રાજધાની બોગોટાથી આશરે 400 કિલોમીટર પશ્ચિમમાં આવેલો છે.
ભૂકંપની ઊંડાઈ વધુ હોવાને કારણે તેની અસર વિશાળ વિસ્તારમાં અનુભવાઈ હોવાનું માનવામાં આવે છે. હાલ સ્થાનિક તંત્ર દ્વારા સ્થિતિની સમીક્ષા કરવામાં આવી રહી છે અને સંભવિત નુકસાન અંગે વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.
