અહેવાલ- જયંત સોજીત્રા
(વડોદરા, તા.૧૦)
દિન-પ્રતિદિન બદલાતી ટેક્નોલોજી અને ઉદ્યોગ ક્ષેત્રની જરૂરિયાતોને અનુરૂપ કૌશલ્યસભર માનવબળ તૈયાર કરવાની દિશામાં રાજ્ય સરકાર દ્વારા વિવિધ પહેલ કરવામાં આવી રહી છે. વડોદરાના રિફાઇનરી રોડ સ્થિત સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા (મહિલા) ગોરવા દ્વારા પણ મહિલાઓને આધુનિક અને રોજગારલક્ષી તાલીમ આપી આત્મનિર્ભર બનાવવાની દિશામાં નોંધપાત્ર કામગીરી કરવામાં આવી રહી છે.
સરકારી મહિલા ITI, ગોરવાએ રાજ્યકક્ષાએ ત્રીજો ક્રમ પ્રાપ્ત કરીને કૌશલ્ય વિકાસ ક્ષેત્રે વડોદરાનું ગૌરવ વધાર્યું છે. શૈક્ષણિક ઉત્કૃષ્ટતા, આધુનિક માળખાકીય સુવિધાઓ, તાલીમની ગુણવત્તા તેમજ તાલીમાર્થીઓને મળતા રોજગાર અને પ્લેસમેન્ટના અવસરોના આધારે સંસ્થાએ આ સિદ્ધિ હાંસલ કરી છે.
આ સંસ્થામાં દર વર્ષે ૩૦૦થી વધુ મહિલા તાલીમાર્થીઓ વિવિધ વ્યવસાયલક્ષી અભ્યાસક્રમોમાં તાલીમ મેળવી રોજગાર તથા સ્વરોજગારની નવી તકો તરફ આગળ વધી રહી છે. ખાસ કરીને આજના ટેક્નોલોજી આધારિત યુગમાં મહિલાઓને પરંપરાગત ક્ષેત્રો પૂરતી મર્યાદિત ન રાખી કમ્પ્યુટર, IT, 3D પ્રિન્ટિંગ, ફેશન ડિઝાઇન, કોસ્મેટોલોજી, સિવિલ ડ્રાફ્ટિંગ અને ઇન્ટિરિયર ડિઝાઇનિંગ જેવા આધુનિક ક્ષેત્રોમાં તાલીમ આપવામાં આવે છે.
મહિલા તાલીમાર્થીઓ માટે ટ્યુશન ફીમાંથી મુક્તિ
મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપતી સરકારી નીતિ હેઠળ સંસ્થામાં તાલીમ લેતી મહિલા તાલીમાર્થીઓ પાસેથી ટ્યુશન ફી લેવામાં આવતી નથી. આ સુવિધાના કારણે વિવિધ આર્થિક અને સામાજિક વર્ગની દીકરીઓને ગુણવત્તાસભર ટેકનિકલ અને વ્યવસાયિક શિક્ષણ મેળવવાની તક મળી રહી છે.

તાલીમ દરમિયાન માત્ર પાઠ્યક્રમ આધારિત જ્ઞાન પૂરતું મર્યાદિત ન રહેતા તાલીમાર્થીઓને પ્રેક્ટિકલ પ્રોજેક્ટ્સ, પર્સનાલિટી ગ્રૂમિંગ, કોર્પોરેટ એટિકેટ્સ તથા ઉદ્યોગલક્ષી માર્ગદર્શન આપવામાં આવે છે. સંસ્થા દ્વારા કેમ્પસ ઇન્ટરવ્યૂ અને પ્લેસમેન્ટ માટે પણ માર્ગદર્શન આપવામાં આવે છે. તાલીમ પૂર્ણ કર્યા બાદ કેટલીક તાલીમાર્થીઓ વિવિધ કંપનીઓમાં રોજગાર મેળવવાની સાથે પોતાનો ગાર્મેન્ટ સ્ટુડિયો, બ્યુટી એન્ટરપ્રાઇઝ તથા IT ક્ષેત્રમાં ફ્રીલાન્સિંગ જેવી પ્રવૃત્તિઓ દ્વારા સ્વરોજગાર તરફ પણ આગળ વધી રહી છે.
મહિલા તાલીમાર્થીઓને નિયમો અને પાત્રતા મુજબ વિવિધ સરકારી યોજનાઓનો લાભ મળી શકે છે. જેમાં નમો કૌશલ્ય લક્ષ્મી યોજના હેઠળ પાત્ર મહિલા તાલીમાર્થીઓને વાર્ષિક રૂ. ૧૫,૦૦૦થી રૂ. ૨૪,૦૦૦ સુધીની સહાય, દિવ્યાંગ તાલીમાર્થીઓ માટે મુસાફરી સહાય, તેમજ ગણવેશ સહાય અને બસ પાસ જેવી સુવિધાઓનો સમાવેશ થાય છે. પાત્રતા મુજબ એસ.ટી., રેલવે તથા સિટી બસની કન્સેશનલ/મફત પાસ સુવિધા પણ આપવામા આવે છે.
ITI ગોરવા (મહિલા)ના આચાર્ય શ્રી જી.એન. રાઠવાએ જણાવ્યું હતું કે, વિવિધ અભ્યાસક્રમો દ્વારા કમ્પ્યુટર અને ITથી લઈને ફેશન, બ્યુટી, સિવિલ, ઇન્ટિરિયર, ટેક્સટાઇલ અને આધુનિક મેન્યુફેક્ચરિંગ ક્ષેત્ર સુધીની વિવિધ વ્યવસાયલક્ષી કુશળતા વિકસાવવામાં આવે છે. “અમારું લક્ષ્ય માત્ર સર્ટિફિકેટ આપવાનું નથી, પરંતુ દરેક દીકરીના હાથમાં એવું હુન્નર આપવાનું છે જેથી તે આત્મવિશ્વાસ સાથે સમાજમાં પોતાની આગવી ઓળખ ઊભી કરી શકે. ગોરવા મહિલા ITIમાંથી તાલીમ મેળવીને નીકળેલી દીકરીઓ આજે વિવિધ ઉદ્યોગોમાં રોજગાર મેળવવાની સાથે પોતાના વ્યવસાય દ્વારા પણ સફળતા હાંસલ કરી રહી છે. વડોદરાની દીકરીઓને કૌશલ્ય, આત્મવિશ્વાસ, રોજગાર અને સ્વરોજગારની તકો સાથે આત્મનિર્ભર ભવિષ્ય તરફ આગળ વધવા માટે સશક્ત બનાવવા અમારૂ લક્ષ્ય છે.
