(પ્રતિનિધિ,વનરાજ સિંહ ખાંટ)
અરવલ્લી જિલ્લાના શામળાજી ખાતે આવેલ છાંયડો સેવા ટ્રસ્ટ અને મેશ્વો ફાર્મર પ્રોડ્યુસર કંપની લિ. ના સંયુક્ત ઉપક્રમે પરીક્ષેત્ર વનાધિકારી, વિસ્તરણ રેન્જ અરવલ્લીના સહયોગથી શામળાજી સ્થિત CFC સેન્ટર ખાતે રોપા વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મોડાસા અને શામળાજી નર્સરીમાંથી લાવવામાં આવેલા કુલ. 1,600 રોપાઓનું નિઃશુલ્ક વિતરણ કર્યું હતું.
કાર્યક્રમમાં કુંડલા, કુંડોલ પાલ, ભવાનપુર, ડોડીસરા, શામળપુર, વેણપુર, ઓડ, વીરપુર, ભાટકોટા, વાઘપુર, શામળાજી સહિતના વિવિધ ગામોના ખેડૂતો અને મહિલાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. લાભાર્થીઓને સરગવો, લીંબુ, જામફળ, સિંદૂર, સીતાફળ અને આમળા સહિતના વિવિધ ફળાઉ સહિત ઉપયોગી રોપાઓનું વિતરણ કર્યું હતું.

આ પ્રસંગે 100થી વધુ રોપાનું વાવેતર કરનારા ખેડૂતોને રાજય સરકારની એગ્રોફોરેસ્ટ્રી યોજના હેઠળ મળતા લાભો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.મહિલાઓ સરગવાની ખેતી દ્વારા શીંગ અને પાનના વેચાણથી વધારાની આવક મેળવી આર્થિક રીતે આત્મનિર્ભર બને તે હેતુથી પ્રેરણા આપવામાં આવી હતી.
કાર્યક્રમમાં છાંયડો સેવા ટ્રસ્ટના સ્થાપક ટ્રસ્ટી નરેશ કટારા, પ્રમુખ આયુષ મહેતા, મેશ્વો ફાર્મર પ્રોડ્યુસર કંપનીના સીઈઓ ધ્રુવ ભગોરા, ટ્રસ્ટી નરેશ ડામોર સહિત ટ્રસ્ટ અને કંપનીના હોદ્દેદારો, કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.આયોજકોએ જણાવ્યું હતું કે, હરિયાળું પર્યાવરણ, કૃષિ વૈવિધ્ય અને ખેડૂતોના આર્થિક સશક્તિકરણને પ્રોત્સાહન આપવા માટે આવા કાર્યક્રમો આગામી સમયમાં પણ યોજવામાં આવશે…
