(વડોદરા, તા.૩૧)
હાલ વડોદરા સહિત અનેક જિલ્લાઓમા અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના પગલે અગમચેતીના ભાગરૂપે અને નાગરિકોની સુરક્ષાને ધ્યાને રાખીને વડોદરા જિલ્લા તંત્ર પણ એલર્ટ મોડ પર કામ કરી રહ્યું છે. શૈક્ષણિક કાર્ય, માછીમારી પ્રવૃતિ બંધ રખાયા છે, નાગરિકોને સાવચેત કરાયા છે. આ સાથે વડોદરા મુખ્ય આરોગ્ય અધિકારી ડૉ. મિનાક્ષી ચૌહાણના માર્ગદર્શન હેઠળ સમગ્ર જિલ્લામા આગામી ૦૭ દિવસમા ડિલિવરીની ડ્યુ ડેટ વાળી મહિલાઓ અને આવનાર બાળકની સુરક્ષાને ધ્યાને રાખી મહિલાઓને સુરક્ષિત કેંદ્ર ખાતે ખસેડવામાં આવ્યા છે.
જેમા ડભોઈ તાલુકામાં ૭ દિવસમાં પ્રસૂતિ થવાની શક્યતા ધરાવતા ૫૪ સગર્ભા બહેનો છે, જેમાંથી ૧ બહેનને શિફ્ટ કરવામાં આવ્યા છે અને ૧ પ્રસૂતિ CHC ડભોઈ ખાતે થઈ છે.
ડેસર તાલુકામાં ૨૪ સગર્ભા બહેનો છે જેમાંથી ૨ બહેનોને શિફ્ટ કરવામાં આવ્યા છે અને બન્ને બહેનોની પ્રસૂતિ CHC ડેસર ખાતે થઈ છે.
કરજણ તાલુકામાં ૫૪ સગર્ભા બહેનો છે. જેમાંથી ૩ બહેનોને CHC કરજણ, ભરૂચ અને એકને પ્રાઈવેટ હોસ્પીટલ વડોદરામાં શિફ્ટ કરવામાં આવ્યા છે અને ૩ પ્રસૂતિઓ થઈ છે.
પાદરા તાલુકામાં ૭૨ સગર્ભા બહેનો છે. જેમાંથી ૪ બહેનોને શિફ્ટ કરવામાં આવ્યા છે અને ૩ પ્રસૂતિ CHC પાદરા ખાતે ડીલીવરી થઈ છે.
સાવલી તાલુકામાં ૪૯ સગર્ભા બહેનો છે. જેમાંથી ૫ બહેનોને શિફ્ટ કરવામાં આવ્યા છે અને ૧ પ્રસૂતિ થઈ છે.
શિનોર તાલુકામાં પણ ૪૯ સગર્ભા બહેનો છે. જેમાંથી સૌથી વધુ ૨૨ બહેનોને શિફ્ટ કરવામાં આવ્યા છે અને ૧૭ પ્રસૂતિ મોટા ફોફળિયા ખાતે થઈ છે.
વડોદરા તાલુકામાં ૬૧ સગર્ભા બહેનો છે, જેમાંથી ૧ બહેનને શિફ્ટ કરવામાં આવ્યા છે પણ હજુ સુધી કોઈ પ્રસૂતિ થઈ નથી.
જ્યારે વાઘોડિયા તાલુકામાં ૪૫ સગર્ભા બહેનો છે. જેમાંથી ૯ બહેનોને શિફ્ટ કરવામાં આવ્યા છે અને ૪ પ્રસૂતિઓ ધીરજ હોસ્પિટલ અને CHC જરોદ ખાતે થઈ છે.

આમ વડોદરા જિલ્લાના વિવિધ તાલુકાઓમાં આગામી ૭ દિવસમાં પ્રસૂતિ થવાની સંભાવના હોય તેવા કુલ ૪૦૮ સગર્ભા બહેનો નોંધાયેલ છે. જેમાંથી ૪૭ સગર્ભા બહેનોને સલામત સ્થળે અથવા આરોગ્ય કેન્દ્ર ખાતે શિફ્ટ કરવામાં આવ્યા છે અને કુલ ૩૧ પ્રસૂતિઓ સફળતાપૂર્વક કરવામાં આવી છે.
આરોગ્ય તંત્રની દુરદર્શિતા અને સફળ આયોજનના પગલે નવજાત બાળકો અને માતાઓને આફતના સમયે કોઇ તકલીફ ન પડે તેવા આગોતરા પ્રયાસો થકી સફળતાપૂર્વક પ્રસૂતિ કરાવી માતા અને બાળકને સુરક્ષિત કર્યા છે. આરોગ્ય તંત્રની ટીમ દ્વારા રાખવામાં આવેલી સક્રિયતા સરાહનિય છે.
