હાલોલ શહેરના સ્ટેશન રોડ પર આવેલા મદારીવાસ નજીક મુખ્ય માર્ગ પર બુધવારે બપોરના સમયે બે રખડતા આખલાઓ અચાનક સામસામે આવી સીંગડા ભરાવી મારકણા બનતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાને પગલે મુખ્ય માર્ગ પર વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો અને એક સમયે ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાઈ હતી.
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, આખલાઓ વચ્ચેની જોરદાર અથડામણને કારણે રસ્તા પરથી પસાર થતાં વાહનચાલકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. અરાદ તરફથી તેમજ અન્ય વિસ્તારોમાંથી આવતા વાહનચાલકોએ અકસ્માતની ભીતિથી પોતાના વાહનો રસ્તાની બાજુમાં ઊભા રાખી સુરક્ષિત સ્થળે આશરો લીધો હતો.

આ દરમિયાન નાના બાળકો, મહિલાઓ અને રાહદારીઓમાં ભારે ગભરાટ ફેલાયો હતો. કેટલાક લોકોએ ડરના માર્યા બૂમાબૂમ કરી હતી. સ્થાનિક રહિશોએ લાકડીઓ વડે આખલાઓને અલગ કરવાનો પ્રયાસ કર્યો હતો તેમજ તેમના પર પાણી છાંટી લડાઈ રોકવાના પ્રયત્નો પણ કર્યા હતા. ભારે જહેમત બાદ આખલાઓને અલગ કરવામાં સફળતા મળી હતી.
સ્થાનિકોના જણાવ્યા મુજબ, હાલોલ શહેરમાં રખડતા ઢોરોની સમસ્યા દિવસેને દિવસે ગંભીર બનતી જઈ રહી છે. મુખ્ય માર્ગો પર આખલાઓ અને અન્ય ઢોરોના અડ્ડા જામી જતા વાહનચાલકો અને રાહદારીઓના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે. અગાઉ પણ આવી ઘટનાઓ બનતી રહી હોવા છતાં અસરકારક કાર્યવાહી થતી ન હોવાનો આક્ષેપ સ્થાનિકોએ કર્યો હતો.

શહેરજનોનું કહેવું છે કે જો હાલોલ નગરપાલિકા રખડતા ઢોરોને પકડી સુરક્ષિત સ્થળે ખસેડવા તેમજ આવા મારકણા આખલાઓને કાબૂમાં લેવા માટે તાત્કાલિક અને નક્કર કાર્યવાહી નહીં કરે તો ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે. પાલિકા તંત્ર આ ગંભીર સમસ્યાને પ્રાથમિકતા આપી કાયમી ઉકેલ લાવે તેવી લોકોમાં માંગ ઉઠી છે.
