પંચમહાલ જિલ્લામાં ગેરકાયદેસર નશાકારક પદાર્થોના ઉત્પાદન અને હેરફેર સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ પંચમહાલ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) અને દામાવાવ પોલીસની સંયુક્ત ટીમે ઘોઘંબા તાલુકાના વાવ કુંડલી ગામેથી રૂ. 18.95 લાખની કિંમતના ગેરકાયદેસર રીતે ઉગાડવામાં આવેલા 97 લીલા ગાંજાના છોડ ઝડપી પાડી મોટી સફળતા મેળવી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, પંચમહાલ SOGની ટીમ દામાવાવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે વાવ કુંડલી ગામના સરસાવ ફળીયામાં આવેલા એક ખેતરમાં ગાંજાનું ગેરકાયદેસર વાવેતર કરવામાં આવ્યું છે. બાતમીના આધારે દામાવાવ પોલીસ ઇન્સ્પેક્ટર, SOGના અધિકારીઓ તથા પોલીસ કાફલાએ સ્થળ પર દરોડો પાડ્યો હતો.

તપાસ દરમિયાન ખેતરમાંથી કુલ 97 ગાંજાના છોડ મળી આવ્યા હતા. પોલીસે સ્થળ પર જ વજન કરતાં કુલ 37.900 કિલોગ્રામ લીલો ગાંજો હોવાનું સામે આવ્યું હતું. જપ્ત કરાયેલા ગાંજાની અંદાજિત આંતરરાષ્ટ્રીય બજાર કિંમત રૂ. 18,95,000 હોવાનું પોલીસે જણાવ્યું છે.
આ મામલે પોલીસે ચંદ્રાભાઈ ઉર્ફે બાવા હેમાભાઈ બારીઆ અને નટુભાઈ મંજલાભાઈ બારીઆની અટકાયત કરી છે. બંને આરોપીઓ વિરુદ્ધ દામાવાવ પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
જિલ્લામાં નશાકારક પદાર્થોના ગેરકાયદે વાવેતર અને વેપાર સામે પોલીસ દ્વારા સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે ભવિષ્યમાં પણ આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે.
