અવધ એક્સપ્રેસ | નવસારી
નવસારી નેશનલ હાઈવે નંબર-૪૮ પર ગણેશ સિસોદરા નજીક કટારિયા શો-રૂમ સામે ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. વલસાડના પારનેરા ડુંગરેથી દર્શન કરી ફરવા ગયેલો સુરતનો પરિવાર પરત ફરી રહ્યો હતો, ત્યારે પરિવારનો ટેમ્પો અચાનક પલટી ખાઈ જતાં ૬ બાળકો સહિત કુલ ૧૬ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માતને પગલે હાઈવે પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
મળતી માહિતી મુજબ, સુરતનો એક પરિવાર ટેમ્પોમાં સવાર થઈ વલસાડના પારનેરા ડુંગરેથી દર્શન કરી પોતાના ઘરે પરત ફરી રહ્યો હતો. દરમિયાન નવસારી હાઈવે પર ગણેશ સિસોદરા નજીક કટારિયા શો-રૂમ પાસે પહોંચતા ટેમ્પોચાલકે અચાનક સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. જેના કારણે ટેમ્પો રસ્તા પર પલટી ખાઈ ગયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે ટેમ્પોમાં સવાર મુસાફરોને શરીરના વિવિધ ભાગોમાં ઈજાઓ પહોંચી હતી.
ઘટનાની જાણ થતાં આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને ટેમ્પોમાં ફસાયેલા ઈજાગ્રસ્તોને બહાર કાઢી ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરી હતી. ત્યારબાદ તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે નવસારી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
આ અકસ્માતમાં ૬ બાળકો સહિત કુલ ૧૬ લોકોને ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. કેટલાક ઈજાગ્રસ્તોને હાથ-પગમાં ફ્રેક્ચર થયું હોવાનું પ્રાથમિક માહિતીમાં સામે આવ્યું છે. હોસ્પિટલમાં તમામને તબીબી સારવાર આપવામાં આવી રહી છે.
બીજી તરફ, અકસ્માતની જાણ થતાં નવસારી ગ્રામ્ય પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને અકસ્માત અંગેની તપાસ હાથ ધરી હતી. ટેમ્પો કયા કારણોસર પલટી ખાધો અને અકસ્માત પાછળ અન્ય કોઈ કારણ જવાબદાર છે કે કેમ તે અંગે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.
પરિવાર સાથે આનંદની સફરે નીકળેલા લોકો અકસ્માતનો ભોગ બનતાં તેમના સ્વજનોમાં ચિંતાની લાગણી ફેલાઈ છે.
