રૂ. 3.28 કરોડથી વધુનો મુદ્દામાલ કબજે, ટ્રેલર ચાલક સહિત બે શખ્સોની ધરપકડ
બનાસકાંઠા | અવધ એક્સપ્રેસ
ગુજરાત-રાજસ્થાન સરહદ પર આવેલા બનાસકાંઠા જિલ્લાના થરાદની ખોડા ચેકપોસ્ટ પરથી વિદેશી દારૂની હેરાફેરીનો મોટો પર્દાફાશ થયો છે. થરાદ પોલીસ દ્વારા મોડી રાત્રે હાથ ધરવામાં આવેલા સઘન વાહન ચેકિંગ દરમિયાન એક શંકાસ્પદ ટ્રેલર કન્ટેનરમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની 60,444 બોટલો મળી આવતાં પોલીસ તંત્રમાં ચકચાર મચી ગઈ હતી.
મળતી માહિતી મુજબ, ખોડા ચેકપોસ્ટ પર પોલીસ દ્વારા વાહનોની સઘન તપાસ કરવામાં આવી રહી હતી. તે દરમિયાન રાજસ્થાનના સાંચોર તરફથી આવી રહેલા પંજાબ પાસિંગના એક ટ્રેલર કન્ટેનરને અટકાવી તપાસ હાથ ધરવામાં આવી હતી. કન્ટેનરની તલાશી લેતાં અંદરથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો.
પોલીસે જપ્ત કરેલા દારૂની કિંમત રૂ. 2,98,58,352 આંકવામાં આવી છે. આ ઉપરાંત ત્રણ મોબાઇલ ફોનની કિંમત રૂ. 17,000 અને ટ્રેલર કન્ટેનરની કિંમત રૂ. 30 લાખ મળી કુલ રૂ. 3,28,75,385નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
આ મામલે પોલીસે ટ્રેલરના ચાલક સહિત બે શખ્સોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. દારૂનો આ જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને પહોંચાડવાનો હતો તે સહિતની દિશામાં પોલીસ દ્વારા સઘન પૂછપરછ અને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
ગુજરાત-રાજસ્થાન સરહદ પર પોલીસની સતર્કતાના કારણે કરોડો રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાતાં દારૂના ગેરકાયદે વેપાર સાથે સંકળાયેલા તત્વોમાં ફફડાટ ફેલાયો છે.
