સુરત,
હાલ ચાલી રહેલા તહેવારો દરમિયાન મુસાફરોની ભીડને નિયંત્રિત કરવા માટે નિયમિત ટ્રેનો ઉપરાંત 1800 કરતાં વધુ સ્પેશિયલ ટ્રેનોનોટિફાય કરવામાં આવી હતી. સુરત અને ઉધના રેલવે સ્ટેશન પરથી ઉત્તર પ્રદેશ અને બિહાર તરફ જવા માટે 75થી વધુ ટ્રેનોના350થી વધુ ફેરા દોડાવવામાં આવ્યા હતા. તહેવારોના માહોલમાં ખાસ કરીને ઉત્તર પ્રદેશ અને બિહાર તરફ જતા મુસાફરોની સંખ્યામાં મોટો વધારો જોવા મળ્યો હતો.
આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરોની સુવિધા માટે વિશેષ પેસેન્જરફેસિલિટી સેન્ટર શરૂ કરવામાં આવ્યું હતું. અહીં 10,000 ચોરસ ફૂટ વિસ્તારમાં ફેલાયેલું હોલ્ડિંગએરિયા તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં એકસાથે આશરે 15,000 મુસાફરોનેસમાવવાની ક્ષમતા છે. આ સુવિધાને દેશના સૌથી મોટા હોલ્ડિંગએરિયા પૈકીની એક ગણાવવામાં આવી છે.
આ હોલ્ડિંગએરિયામાંમુસાફરો માટે 10 ટિકિટ કાઉન્ટર, આધુનિક શૌચાલય અને અન્ય જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવા માટે CCTV કેમેરા પણ લગાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત મુસાફરોનેટ્રેનના આગમન અને પ્રસ્થાન અંગે માહિતી મળી રહે તે માટે 150થી વધુ સ્પીકર્સની ઘોષણા પ્રણાલી ગોઠવવામાં આવી હતી.
પશ્ચિમ રેલવે દ્વારા આપવામાં આવેલી વિગતો અનુસાર, 1 ઓક્ટોબરથી અત્યાર સુધીમાં સુરત રેલવે વિસ્તારથી આશરે 6 લાખ મુસાફરોએ નિયમિત અને સ્પેશિયલ ટ્રેનો મારફતે મુસાફરી કરી છે. મુસાફરોને વ્યવસ્થિત રીતે ટ્રેનમાં બેસાડવા માટે રેલવે પ્રોટેક્શનફોર્સ (RPF), ટિકિટ ચેકિંગ સ્ટાફ અને અન્ય કર્મચારીઓ દ્વારા કામગીરી કરવામાં આવી હતી.
મુસાફરોને લાંબી કતારોમાં વ્યવસ્થિત રાખવા, પ્લેટફોર્મ પર ભીડનું નિયંત્રણ કરવા અને ટ્રેનમાં સુરક્ષિત રીતે ચઢાડવા માટે સ્ટાફે સંકલન સાથે કામગીરી કરી હતી. આ વ્યવસ્થાના કારણે તહેવારો દરમિયાન મુસાફરોનીઅવરજવરનું સંચાલન કરવામાં મદદ મળી હતી.
હાલમાં તહેવારો દરમિયાન સર્જાયેલી ભારે ભીડની સ્થિતિ કાબૂમાં આવી ગઈ હોવાનું રેલવે તંત્ર દ્વારા જણાવાયું છે. સુરત અને ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરોની અવરજવર હવે સામાન્ય બની છે. આમ, દિવાળી અને છઠપૂજાનાતહેવારો દરમિયાન પશ્ચિમ રેલવે દ્વારા કરવામાં આવેલી વિશેષ ટ્રેન વ્યવસ્થા અને ઉધના સ્ટેશન પર ઊભી કરાયેલી સુવિધાઓમુસાફરો માટે રાહતરૂપ બની હતી.