કાજર બારીયા (છોટાઉદેપુર)
અવધ એક્સપ્રેસ, તા.૩
પાવીજેતપુર તાલુકાના ભેંસાવહી ગામે આવેલી પ્રતિષ્ઠિત શ્રી આદિવાસી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના ઇન્ચાર્જ આચાર્ય તરીકે જી.સી. બારીયાની નિમણૂક કરવામાં આવતાં સમગ્ર પંથકના શિક્ષણ જગતમાં હર્ષ અને આનંદની લાગણી ફેલાઈ ગઈ છે.
મળતી વિગતો મુજબ, જી.સી. બારીયા આ જ શાળાના ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં લાંબા સમયથી શિક્ષક તરીકે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી રહ્યા છે. તેમની શૈક્ષણિક ક્ષમતા અને વહીવટી કુશળતાને ધ્યાને રાખીને શાળા પ્રશાસન દ્વારા તેમને ઇન્ચાર્જ આચાર્ય તરીકેની મહત્ત્વની જવાબદારી સોંપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, તેઓ શૈક્ષણિક કાર્યની સાથે-સાથે છોટાઉદેપુર ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના સહમંત્રી તરીકે પણ સક્રિય સંગઠનાત્મક જવાબદારી નિભાવી રહ્યા છે.
નવી જવાબદારી સંભાળતાની સાથે જ જી.સી. બારીયા પર શાળાના શૈક્ષણિક, વહીવટી અને સહ-અભ્યાસિક સંચાલનની બેવડી જવાબદારી આવી છે. તેમની આ નિમણૂકને છોટાઉદેપુર ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના હોદ્દેદારો, સાથી શિક્ષકમિત્રો તેમજ સ્નેહીજનોએ હાર્દિક વધાવી લીધી હતી. આ પ્રસંગે શાળાના સાથી શિક્ષકો દ્વારા તેમને પુષ્પહાર પહેરાવી, મીઠું મોં કરાવીને ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું અને તેમના ઉજ્જવળ કાર્યકાળ માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
આ તકે ઉપસ્થિત અગ્રણીઓ અને શિક્ષકમિત્રોએ દ્રઢ આશા વ્યક્ત કરી હતી કે, જી.સી. બારીયાના કુશળ માર્ગદર્શન અને દીર્ઘદ્રષ્ટિ હેઠળ ભેંસાવહી હાઈસ્કૂલ શૈક્ષણિક અને વહીવટી ક્ષેત્રે પ્રગતિના નવા શિખરો સર કરશે.
