વાંકાનેરની આંગણવાડી કેન્દ્ર નં. ૩ અને ૪ ખાતે બાળકોના પોષણ, આરોગ્ય અને સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપતા વિવિધ કાર્યક્રમો યોજાયા
(વડોદરા, તા.૨૫)
સમગ્ર ગુજરાતની આંગણવાડીઓમાં આજથી ‘આંગણ ઉત્સવ’ અને ‘આંગણ મિલન’ સેવા કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો છે. જેના અનુસંધાને સાવલી તાલુકાના વાંકાનેર ગામે આંગણવાડી કેન્દ્ર નં. ૩ અને ૪ ખાતે ‘આંગણ ઉત્સવ’ તથા ‘આંગણ મિલન’ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી આનંદ પાટીલ, ICDS પ્રોગ્રામ ઓફિસર સાવિત્રી નાથજી, તાલુકા મહિલા મોરચા પ્રમુખ, મહિલા સરપંચ, ATDO તેમજ ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન આંગણવાડી કેન્દ્ર ખાતે ઉપસ્થિત તમામ બાળકોને ફળ અને લાડુનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ આંગણવાડી કાર્યકર બહેનો, તેડાગર બહેનો અને આશા વર્કર બહેનોનું સન્માન કરવામાં આવ્યું હતું.

બાળકોમાં સ્વાસ્થ્ય અને પોષણ પ્રત્યે જાગૃતિ તથા તંદુરસ્ત જીવનશૈલીને પ્રોત્સાહન મળે તે હેતુથી તંદુરસ્ત બાળકોને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. ઉપરાંત બે તંદુરસ્ત કિશોરીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.
‘આંગણ ઉત્સવ’ અને ‘આંગણ મિલન’ જેવા કાર્યક્રમોના માધ્યમથી આંગણવાડી કેન્દ્રોને બાળકો, વાલીઓ અને સમાજ સાથે વધુ સુદૃઢ રીતે જોડવા તેમજ બાળ પોષણ, આરોગ્ય અને સર્વાંગી વિકાસ અંગે જનજાગૃતિ કેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
