પિન્ટુ પટેલ | ડભોઇ
સાઠોદ તળાવમાંથી હાથ-પગ દોરીથી બાંધેલો મૃતદેહ મળ્યો હતો, PM રિપોર્ટમાં હત્યા ખુલતાં ભાઈ જ નીકળ્યો હત્યારો

ડભોઇ તાલુકાના સાઠોદ ગામના તળાવમાંથી હાથ-પગ દોરીથી બાંધેલી હાલતમાં મળી આવેલા ગુરુશરણ ઉર્ફે ભીમો તડવીના મૃતદેહનો ભેદ આખરે ઉકેલાયો છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ગળાના ભાગે દબાણના નિશાન સાથે હત્યા થયાનું સામે આવતા ડભોઇ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પ્રાથમિક પોલીસ તપાસમાં મૃતકની હત્યા તેના જ ભાઈ મહેશ તડવીએ કરી હોવાનું સામે આવતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી છે.

23 સપ્ટેમ્બરની રાત્રે જમવાના મુદ્દે ભાઈ-ભાઈ વચ્ચે ઝઘડો થયો હોવાનો પોલીસનો દાવો
પોલીસ તપાસ મુજબ, ગુરુશરણ ઉર્ફે ભીમો તડવીના લગ્ન થયા ન હોવાથી તે પોતાના ભાઈ મહેશ તડવીના પરિવાર સાથે રહેતો હતો. જમવાના મુદ્દે અવારનવાર ઘરમાં કંકાસ થતો હોવાની વિગતો પોલીસ તપાસમાં સામે આવી હતી. 23 સપ્ટેમ્બરે પણ જમવાના મુદ્દે બંને ભાઈઓ વચ્ચે બોલાચાલી અને ઝઘડો થયો હતો. આ ઝઘડાની અદાવતમાં મહેશે ગુરુશરણનું ગળું દબાવી હત્યા કરી હોવાની કબૂલાત કરી હોવાનું પોલીસનું કહેવું છે.
હત્યાને છુપાવવા તળાવમાં મૃતદેહ ફેંક્યાનો ખુલાસો
પોલીસના જણાવ્યા મુજબ, હત્યા કર્યા બાદ આસપાસના લોકોને જાણ ન થાય તે માટે આરોપીએ રાત પડવાની રાહ જોઈ હતી. ત્યારબાદ ઘરથી આશરે 100 મીટર દૂર આવેલા સાઠોદ ગામના તળાવમાં મૃતદેહ લઈ જવામાં આવ્યો હતો. મૃતદેહ પાણીની અંદર રહે તે હેતુથી હાથ અને પગ દોરીથી બાંધી તેને તળાવમાં ફેંકી દેવામાં આવ્યો હોવાની વિગતો તપાસમાં બહાર આવી છે.
મૃતદેહ મળતાં ડભોઇ પોલીસની તપાસ, આઠ ટીમો કામે લાગી
24 સપ્ટેમ્બરે સાઠોદ ગામના તળાવમાંથી દોરીથી હાથ-પગ બાંધેલો મૃતદેહ મળી આવતા ગ્રામજનોએ ડભોઇ પોલીસને જાણ કરી હતી. પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી મૃતદેહનો કબજો મેળવી ઓળખ માટેની કાર્યવાહી હાથ ધરી હતી અને પોસ્ટમોર્ટમ માટે મૃતદેહ ખસેડાયો હતો. પોસ્ટમોર્ટમમાં ગળાના ભાગે દબાણના કારણે મોત થયાનું સામે આવતા સમગ્ર મામલો હત્યામાં પલટાયો હતો.
હત્યાનો ભેદ ઉકેલવા ડભોઇ પોલીસ, LCB અને SOG સહિતની અલગ-અલગ આઠ ટીમો તપાસમાં જોડાઈ હતી. CCTV ફૂટેજ તેમજ પોલીસના અંગત બાતમીદારોના નેટવર્કના આધારે તપાસ આગળ ધપાવવામાં આવી હતી. મૃતકની ઓળખ ગુરુશરણ ઉર્ફે ભીમો તડવી તરીકે થયા બાદ તેના પરિવારજનો અને નજીકના પરિચિતોની અલગ-અલગ રીતે પૂછપરછ કરવામાં આવી હતી.
કડક પૂછપરછમાં ભાઈ મહેશ તડવીની કબૂલાત
તપાસ દરમિયાન પોલીસને પરિવારના આંતરિક કંકાસ અંગે માહિતી મળતાં મૃતકના ભાઈ મહેશ તડવીની સઘન પૂછપરછ કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા મુજબ, પૂછપરછ દરમિયાન મહેશે હત્યા અંગે કબૂલાત કરી હતી.
હાલ ડભોઇ પોલીસે સાઠોદ ગામની નવીનગરીમાં રહેતા મહેશ તડવીની ધરપકડ કરી હત્યાના ગુનામાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવ્યા બાદ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવશે. ઉપરાંત, મૃતદેહને ઘરેથી તળાવ સુધી લઈ જવામાં આરોપીને કોઈ અન્ય વ્યક્તિએ મદદ કરી હતી કે કેમ તે દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે.
તળાવમાં દોરીથી બાંધેલો મૃતદેહ મળ્યાના ચકચારી કેસમાં ભાઈ જ હત્યારો નીકળતાં સાઠોદ સહિત સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી છે.
