અવધ એક્સપ્રેસ l રાજકોટ,
નશાના કાળા કારોબારનું એક આંતરરાજ્ય નેટવર્ક ને રાજકોટ પોલીસે ઝડપી મોટી સફળતા મેળવી છે જેમાં,એક ટ્રક નહીં, પરંતુ 1500 કિલોમીટર લાંબુ, 7 રાજ્યોને જોડતું અને કરોડો રૂપિયાનું ડ્રગ્સ નેટવર્ક, રાજકોટ શહેર એસઓજીની ટીમઅને ક્રાઇમ બ્રાન્ચના સંયુક્ત ઓપરેશનમાં ₹1.04 કરોડની કિંમતના આશરે 204 કિલો જેટલા ગાંજા સાથે શરૂ થયેલી તપાસ ઓડિશાના ગાઢ જંગલમાં જઈને પૂરી થઈ છે.
રાજકોટ શહેર એસઓજી પોલીસ ઇન્સ્પેકટરએન.બી. ચૌધરીને બાતમી મળી હતી કે, ઓડિશાથી ગાંજાનો મોટો જથ્થો રાજકોટ તરફ આવી રહ્યો છે. છેલ્લા 19 દિવસથી પોલીસ આ કન્સાઇનમેન્ટને ટ્રેસ કરી રહી હતી.બામણબોર ચેકપોસ્ટ નજીક વોચ ગોઠવી એક શંકાસ્પદ ટ્રકને અટકાવવામાં આવી. આ ટ્ર્કની તપાસ કરતા ટ્રકમાં સ્ટીલના પાઇપ ભરેલા જોવા મળ્યા, પરંતુ પોલીસની અનુભવી નજરે પાછળ છુપાવેલા 99 રંગબેરંગી પાર્સલ પકડી પાડ્યા. દરેક પાર્સલ ખોલતા અંદરથી ગાંજો નીકળ્યો. કુલ 204 કિલોથી વધુ ગાંજો મળી આવ્યો, જેની બજાર કિંમત ₹1.04 કરોડ આંકવામાં આવી છે. પોલીસે ટ્રકમાં સવાર મહમદ ઉર્ફે કાળો સરવદી અને અરબાઝ સલીમભાઇ સંધીને ઝડપી પાડ્યા હતા.
આ મામલે પોલીસ દ્વારા કરવામાં આવેલ પ્રાથમિક પૂછપરછમાં બંનેએ મુખ્ય સપ્લાયર તરીકે અમિત ઉર્ફે અમીન ઉર્ફે ગુરખો કાતીયારનું નામ આપ્યું. અમિત રીઢો ગુનેગાર છે, તેની સામે અગાઉ 7 ગુના નોંધાયેલા છે. અમિત 29 જુલાઈએ ઓડિશા પહોંચ્યો હતો અને ત્યાંથી માલ ખરીદી લોડ કરાવ્યો હતો. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની ટીમે તેને પકડવા માટે ઓડિશા સુધી દોડ લગાવી. તપાસમાં ખુલ્યું કે અમિત હોટલમાં રોકાતો ન હતો. તે ઓડિશાના મુનીગુડામાં ભાડે મકાન રાખી 15-20 દિવસ રોકાતો હતો અને પોતાની ઓળખ છતી ન થાય તે માટે રહેણાંકથી 70 કિમી દૂર અંતરિયાળ ગામડાઓમાંથી ગાંજો ખરીદતો હતો. ક્રાઇમ બ્રાન્ચે આ જ ભાડાના મકાનમાંથી તેને દબોચી લીધો. તેની આકરી પૂછપરછમાં બીજો મોટો ખુલાસો થયો.
રાજકોટમાં આ માલ રિસીવ કરનાર બીજો કોઈ નહીં પણ તેનો સગો ભાઈ સિકંદર ઉર્ફે ઇમરાન કાતીયાર હતો. તે મોરબી રોડ પર આવેલા અડ્ડા પર ટ્રક ખાલી કરાવી સૌરાષ્ટ્રના અલગ-અલગ જિલ્લાઓના પેડલરો સુધી માલ પહોંચાડતો હતો. પોલીસે સિકંદરની પણ ધરપકડ કરી છે. આ કેસ માત્ર ગાંજો ઝડપાયાનો નથી, પરંતુ ગુનેગારો કેટલા શાતિર રીતે કાયદાની આંખમાં ધૂળ નાખે છે તેનો પણ પુરાવો છે.
આરોપીઓ ગેરકાયદે ટ્રકનો ઉપયોગ કરતા ન હતા. તેઓ કાયદેસર બિલ્ટી ધરાવતા ટ્રક શોધતા હતા, જેમાં સ્ટીલ પાઇપ જેવો કાયદેસર માલ ભરેલો હોય. તેની આડમાં ગાંજાના પાર્સલ એવી રીતે ગોઠવતા કે ચેકિંગમાં પકડાય નહીં.
ગુનેગારો દ્વારા પોલીસથી બચવા દર વખતે નવા ડ્રાઇવર અને ક્લીનર રાખવામાં આવતા હતા. 1500 કિલોમીટરની આ જોખમી મુસાફરી માટે બંનેને 30,000 રોકડા ચૂકવવામાં આવતા હતા.
ઓડિશાના બાલનગીરથી નીકળેલી ટ્રક છત્તીસગઢના રાયપુર, ભીલાઈ, મહારાષ્ટ્રના નાગપુર, અમરાવતી, અકોલા, જલગાંવ, ધુળે અને ત્યારબાદ સુરત થઈ ગુજરાતમાં પ્રવેશી હતી. પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે આ ગેંગે અગાઉ પણ બે વખત આ જ મોડસ ઓપરેન્ડીથી સફળતાપૂર્વક ખેપ મારી છે. એટલે કે સેંકડો કિલો ગાંજો પહેલાથી જ સૌરાષ્ટ્રના બજારમાં ઘુસી ચૂક્યો છે.
રાજકોટ એસીપી ક્રાઇમ ભરત બસિયાના જણાવ્યા મુજબ, બંને ભાઈઓના 10 દિવસના રિમાન્ડ મેળવવાની તજવીજ ચાલી રહી છે. રિમાન્ડ દરમિયાન સૌરાષ્ટ્રના કયા કયા જિલ્લામાં કયા પેડલરો સુધી આ માલ પહોંચતો હતો તેની તપાસ થશે. આ કેસમાં હજુ ઘણા મોટા નામો બહાર આવે તેવી શક્યતા છે.
