સ્વચ્છતા સાથે પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપતા વૃક્ષારોપણ અને વૃક્ષ વિતરણ કાર્યક્રમો યોજાયા
(વડોદરા, તા.૦૩)
વડોદરા મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત પશ્ચિમ ઝોન વિસ્તારમાં ઘનિષ્ઠ સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ અભિયાનના ભાગરૂપે ઐતિહાસિક કરોડિયા વાવ ખાતે વિશેષ સફાઈ કામગીરીનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વચ્છ અને સુંદર વડોદરા શહેરના નિર્માણના સંકલ્પ સાથે હાથ ધરાયેલા આ અભિયાનમાં સ્વચ્છતા પ્રત્યે નાગરિકોમાં જાગૃતિ કેળવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.
કરોડિયા વાવ ખાતે યોજાયેલા સ્વચ્છતા અભિયાનમાં સાંસદ હેમાંગભાઈ જોશી, મેયર ગીતાબેન મકવાણા, ધારાસભ્ય કેયુર ભાઈ રોકડિયા, અગ્રણી જયપ્રકાશ ભાઈ સોની સહિતના મહાનુભાવો જોડાયા હતા. મહાનુભાવોની ઉપસ્થિતિમાં વાવ તથા આસપાસના વિસ્તારમાં સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી. ઐતિહાસિક ધરોહરોની જાળવણી સાથે સ્વચ્છતા જાળવવા અને જાહેર સ્થળોને સ્વચ્છ રાખવા અંગે પણ સૌને પ્રેરિત કરવામાં આવ્યા હતા.
સ્વચ્છતા અભિયાન સાથે પર્યાવરણ સંરક્ષણને જોડીને કરોડિયા વાવ ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. પર્યાવરણના જતન અને હરિયાળી વધારવાના હેતુથી વિવિધ પ્રકારના વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ઉપસ્થિત નાગરિકો અને વિદ્યાર્થીઓને વૃક્ષોનું વિતરણ કરીને વૃક્ષારોપણ અને વૃક્ષ ઉછેર માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધ્યો હતો. તેમણે વિદ્યાર્થીઓ સાથે સ્વચ્છતા, પર્યાવરણ સંરક્ષણ તથા જાહેર સ્થળોની જાળવણી અંગે ચર્ચા કરી હતી. સ્વચ્છતા અને હરિયાળી જાળવવામાં યુવા પેઢીની મહત્વપૂર્ણ ભૂમિકા હોવાનું જણાવી તેમણે વિદ્યાર્થીઓને સ્વચ્છતા અભિયાનમાં સક્રિય સહભાગી બનવા માટે પ્રેરિત કર્યા હતા.
ઘનિષ્ઠ સ્વચ્છતા અભિયાન અંતર્ગત ઐતિહાસિક સ્થળોની સ્વચ્છતા, પર્યાવરણ સંરક્ષણ અને જનભાગીદારીને પ્રોત્સાહન આપતી વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે. કરોડિયા વાવ ખાતે યોજાયેલા આ કાર્યક્રમથી સ્વચ્છતા સાથે ઐતિહાસિક ધરોહરોના સંરક્ષણ અને શહેરમાં હરિયાળી વધારવાનો ત્રિવિધ સંદેશ પ્રસર્યો હતો.
