વાદળોની ઓઢણી, વરસાદની રિમઝિમ અને જંગલનો કલરવ… જાંબુઘોડાના ધનપુરીમાં કુદરત દરેક ક્ષણે લખે છે નવી કવિતા.
અહેવાલ- જયંત સોજીત્રા
(વડોદરા, તા.૦૧)
ચોમાસાના પ્રથમ વરસાદ સાથે જ જ્યારે ધરતી પર વરસાદના મોતી વરસે છે, ત્યારે જાંબુઘોડા અભયારણ્યના હૃદયમાં વસેલું ધનપુરી જાણે નવજીવન પામે છે. ડુંગરો પર લીલીછમ ચાદર પથરાઈ જાય છે, વૃક્ષોના પાંદડા વરસાદથી ધોવાઈને ચમકી ઊઠે છે અને જંગલના દરેક ખૂણામાંથી કુદરતનો મધુર સંગીત સંભળાવા લાગે છે. અહીં પહોંચતા જ શહેરના ઘોંઘાટ, વ્યસ્તતા અને તણાવ જાણે ક્યાંક ઓગળી જાય છે.

ચારે તરફ ગાઢ હરિયાળી, ધુમ્મસમાં ઓગળતી ટેકરીઓ, ઠંડી પવનની લહેરખી અને ભીની માટીની મનમોહક સુગંધ… ધનપુરીમાં ચોમાસું માત્ર એક ઋતુ નથી, પરંતુ કુદરતનો જીવંત ઉત્સવ છે. વરસાદના ટીપાં પાંદડાં પર ટપકતા હોય, દૂર મોરનો ટહુકો સંભળાતો હોય અને વૃક્ષો વચ્ચે પક્ષીઓનું કલરવ ગૂંજી ઊઠતું હોય ત્યારે દરેક ક્ષણ કેમેરામાં કેદ કરી લેવાનું મન થાય.
ધનપુરીની વનકેડી પર ચાલતાં એવું લાગે કે જાણે કુદરત પોતાના હાથ પકડીને જંગલની ગોદમાં લઈ જઈ રહી હોય. ટીમરૂ, ખાખરા અને વાંસના ઊંચા વૃક્ષોની વચ્ચેનો માર્ગ મનને નવી ઊર્જાથી ભરી દે છે. વરસાદી ઋતુમાં ક્યારેક ધુમ્મસ આખા જંગલને પોતાની બાહોમાં સમાવી લે છે, તો ક્યારેક સૂર્યકિરણો વૃક્ષોની ડાળીઓ વચ્ચેથી પસાર થઈને ધરતી પર સોનેરી રંગોળી દોરી જાય છે.

ચોમાસામાં કડા ડેમનું સૌંદર્ય તો જાણે ચાર ચાંદ લગાવી દે છે. પાણીથી છલોછલ ભરાયેલો ડેમ, તેની આસપાસ હરિયાળીથી ઢંકાયેલી પર્વતમાળા અને પાણીની સપાટી પર રમતા પક્ષીઓનું દૃશ્ય મનને મંત્રમુગ્ધ કરી દે છે. વહેલી સવારનું ધુમ્મસભર્યું વાતાવરણ હોય કે સાંજના અસ્તાચળે ઢળતો સૂરજ—અહીંની દરેક ક્ષણ પ્રકૃતિનો જીવંત કેનવાસ બની જાય છે.
આ રેંજ ના રેંજ ફોરેસ્ટ ઓફીસર વનરાજસિહ સોલંકી જણાવ્યુ કે, ધનપુરીની વિશેષતા માત્ર તેનું સૌંદર્ય જ નથી. અહીં પ્રવાસીઓને આધુનિક સુવિધાઓ સાથે કુદરતનો સાચો અનુભવ મળે છે. આરામદાયક આવાસ, વોચ ટાવર, ટેન્ટ અને પરંપરાગત આદિવાસી દેશી ચૂલા ઉપર રાંધેલું ભોજન પીરસવામાં આવે છે. પરંપરાગત આદિવાસી વ્યંજનોનો સ્વાદ ક્યારેય ભૂલાઇ નહીં, એવો હોય છે. દીપડા, રીંછ, નીલગાય, મોર અને અનેક જાતિના પક્ષીઓનું નિવાસસ્થાન ધરાવતું આ જંગલ જીવવૈવિધ્યનો અમૂલ્ય ખજાનો છે. અહીં આવનાર દરેક પ્રવાસી માત્ર પ્રવાસી નથી રહેતો; તે પ્રકૃતિનો સંવેદનશીલ સાથી બની જાય છે. તેથી જ વન વિભાગ પ્રવાસીઓને પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા, સ્વચ્છતા જાળવવા અને વન્યજીવોને ખલેલ ન પહોંચાડવા અપીલ કરી છે.

જો ચોમાસામાં તમે શહેરની ભાગદોડમાંથી થોડો વિરામ લઈને કુદરતની ગોદમાં શ્વાસ લેવા માંગતા હો, તો ધનપુરી તમારી રાહ જોઈ રહ્યું છે. અહીં વરસાદ માત્ર વરસતો નથી, પરંતુ દરેક ટીપા સાથે જીવનમાં નવી તાજગી, નવી શાંતિ અને નવી ઊર્જા પણ વરસાવે છે. એક વખત ધનપુરીની ચોમાસાની સફર કરશો તો પ્રકૃતિ સાથેનો આ અવિસ્મરણીય સંબંધ જીવનભર તમારી યાદોમાં લીલોછમ બની રહેશે. એ ચોક્ક્સ છે જ…..
