(મયુર જાની)
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકામાંથી એક એમ્બ્યુલન્સમાંથી 89.30 લાખ રૂપિયાના પોષ ડોડા અને જીંડવાનો મોટો જથ્થો ઝડપાયો છે. દર્દીઓની સેવામાં વપરાતી એમ્બ્યુલન્સનો ઉપયોગ ગેરકાયદેસર માદક પદાર્થની હેરાફેરી માટે કરવામાં આવતો હતો. ઝાલોદ પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરીને રાજસ્થાનના એક શખ્સની ધરપકડ કરી છે.પ્રાથમિક માહિતી મુજબ, આ માદક પદાર્થનો જથ્થો મધ્યપ્રદેશના મંદસોર વિસ્તારમાંથી ભરીને રાજસ્થાનના બાડમેર તરફ લઈ જવામાં આવી રહ્યો હતો. પોલીસની નજરથી બચવા અને શંકા ટાળવા માટે ડ્રગ્સ માફિયાઓ દ્વારા એમ્બ્યુલન્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.ઝાલોદ પોલીસ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમિયાન તેમને બાતમી મળી હતી કે એમ્બ્યુલન્સની આડમાં શંકાસ્પદ માલની હેરાફેરી થઈ રહી છે. આ બાતમીના આધારે પોલીસે મુનખોસલા ગામના હોળી પીપળા ફળિયા વિસ્તારમાં સઘન નાકાબંધી અને પેટ્રોલિંગ ગોઠવ્યું હતું.બાતમીવાળી શંકાસ્પદ એમ્બ્યુલન્સ નજરે પડતા જ પોલીસે તેને રોકીને ઝીણવટભરી તલાશી લીધી હતી. વાહનની અંદર તપાસ કરતા સફેદ રંગના પ્લાસ્ટિકના કોથળાઓમાં ભરેલા પોષ ડોડા અને જીંડવા મળી આવ્યા હતા. પોલીસે એમ્બ્યુલન્સ અને તેમાં ભરેલા માલસામાન સહિત કુલ 89,30,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.આ ગુનામાં પોલીસે એમ્બ્યુલન્સ ચાલક ભવરામ રેખારામ જાટ (રહે. બાડમેર, રાજસ્થાન)ની ધરપકડ કરી છે. ઝાલોદ પોલીસે પકડાયેલા આરોપી વિરુદ્ધ એનડીપીએસ (NDPS) એક્ટની કલમો હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસે આ માદક પદાર્થનો જથ્થો મંદસોરથી કોણે ભર્યો હતો અને બાડમેર ખાતે કયા મુખ્ય શખ્સને પહોંચાડવાનો હતો તે અંગેના સમગ્ર રેકેટ અને નેટવર્કને પકડી પાડવા માટે ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે. એમ્બ્યુલન્સ કોના નામે નોંધાયેલી છે અને આ અગાઉ આ વાહન દ્વારા કેટલી વાર આવી હેરાફેરી કરવામાં આવી છે તે દિશામાં પણ સઘન પૂછપરછ ચાલી રહી છે.
