* માથું દુખતું હોવાથી આરામ કરતા હોવાનો નર્સનો ખુલાસો અરે બહેન… માથુ દુઃખતું હોય તો ટેબલેટ લેવાઈ કે ટેબલ ઉપર સૂઈ જવાય!!!
અવધ એક્સપ્રેસ | સાવલી
સાવલીની હોમિયોપેથીક હોસ્પિટલમાં ચાલુ ડ્યૂટી દરમિયાન એક નર્સ સૂતાં હોવાનો વીડિયો સામે આવતાં આરોગ્ય તંત્રની કામગીરી અને કર્મચારીઓની ફરજ પ્રત્યેની જવાબદારીને લઈને સવાલો ઊભા થયા છે. હોસ્પિટલમાં દર્દીઓની સારવાર અને આરોગ્યસેવાની જવાબદારી નિભાવતા કર્મચારી જ ફરજ દરમિયાન ઊંઘતા જોવા મળ્યા હોવાના આક્ષેપથી સમગ્ર મામલો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.
મળતી માહિતી મુજબ, સાવલીની હોમિયોપેથીક હોસ્પિટલમાં ફરજના સમય દરમિયાન એક નર્સ સૂતાં હોવાનું કેમેરામાં કેદ થયું હતું. આ અંગે નર્સને પૂછવામાં આવતાં તેમણે માથું દુખતું હોવાથી આરામ કરી રહ્યાં હોવાનું જણાવ્યું હોવાનું જાણવા મળે છે.
જોકે, નર્સની તબિયત ખરાબ હોય તો તેમની સારવાર અને ફરજની વૈકલ્પિક વ્યવસ્થા કરવા માટે હોસ્પિટલ તંત્ર પાસે શું વ્યવસ્થા છે, તેવા સવાલો પણ ઊભા થયા છે. કર્મચારીની તબિયત ખરાબ હોય તો તેની યોગ્ય સારવાર કરાવવી જરૂરી છે, પરંતુ ચાલુ ડ્યૂટી દરમિયાન આવી સ્થિતિ સર્જાય ત્યારે દર્દીઓની સેવાને અસર ન થાય તે માટે જવાબદાર તંત્ર દ્વારા શું પગલાં લેવામાં આવે છે, તે જાણવું પણ એટલું જ જરૂરી છે
આ સમગ્ર મામલે હોસ્પિટલના RMO (રેસિડેન્ટ મેડિકલ ઓફિસર)નો સંપર્ક કરીને કર્મચારીઓની ફરજ અને જવાબદારી અંગે સ્પષ્ટતા માગવામાં આવી હતી. જોકે, RMO તરફથી ઉડાઉ જવાબ આપવામાં આવ્યો હોવાનો આક્ષેપ થતાં હોસ્પિટલના વહીવટીતંત્રની જવાબદારી અંગે પણ ચર્ચા શરૂ થઈ છે.
હોસ્પિટલ જેવી આરોગ્યસેવા સાથે સંકળાયેલી સંસ્થામાં કર્મચારીઓની હાજરી, ફરજ પ્રત્યેની નિષ્ઠા અને દર્દીઓને મળતી સેવાઓ પર દેખરેખ રાખવી જરૂરી છે. જો કર્મચારીની તબિયત ખરાબ હોય તો તેની યોગ્ય વ્યવસ્થા થવી જોઈએ, પરંતુ આ ઘટનામાં નિયમોનું પાલન થયું હતું કે નહીં તે અંગે તંત્રની સ્પષ્ટતા આવશ્યક છે
હવે મુખ્ય સવાલ એ છે કે ચાલુ ડ્યૂટી દરમિયાન નર્સ સૂતાં હોવાના સામે આવેલા વીડિયો અંગે હોસ્પિટલનું તંત્ર તપાસ કરશે કે નહીં? કર્મચારીની તબિયત ખરાબ હોવાની રજૂઆત અને ફરજ દરમિયાનની સ્થિતિ અંગે કોઈ નોંધ લેવામાં આવી હતી કે કેમ? તેમજ RMO દ્વારા કરવામાં આવેલા કથિત ઉડાઉ જવાબ અંગે ઉચ્ચ અધિકારીઓ ધ્યાન આપશે કે નહીં?
આ મામલે હોસ્પિટલના સત્તાવાર પક્ષની સ્પષ્ટતા અને તંત્રની કાર્યવાહી સામે સૌની નજર છે. દર્દીઓને યોગ્ય આરોગ્યસેવા મળે અને કર્મચારીઓની ફરજ અંગેની જવાબદારી જળવાઈ રહે તે માટે સંબંધિત અધિકારીઓએ હકીકતોની તપાસ કરી યોગ્ય સ્પષ્ટતા કરવી જરૂરી છે
