ગાંધીનગર મનપા, ઓખા અને થરા નગરપાલિકા સહિત વિવિધ બેઠકોની મતગણતરી સવારે 9 વાગ્યાથી શરૂ થશે
ગાંધીનગર/બનાસકાંઠા: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીનાં પરિણામો આજે, 13 ઓક્ટોબરના રોજ જાહેર થશે. ગાંધીનગર મહાનગરપાલિકા, ઓખા નગરપાલિકા અને થરા નગરપાલિકાની સામાન્ય ચૂંટણીની મતગણતરી સાથે રાજ્યની વિવિધ નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની બેઠકોની પેટાચૂંટણીનાં પરિણામો પણ જાહેર કરવામાં આવશે. મતગણતરીની પ્રક્રિયા સવારે 9 વાગ્યાથી શરૂ થશે.
આ ઉપરાંત ખેરાલુ નગરપાલિકાના વોર્ડ નંબર 1, છોટાઉદેપુર નગરપાલિકાના વોર્ડ નંબર 4 અને બાયડ નગરપાલિકાના વોર્ડ નંબર 3ની ચૂંટણીનાં પરિણામો પણ જાહેર થશે. દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતની ભાડથર બેઠક તેમજ રાજકોટ જિલ્લાના પડધરી તાલુકા પંચાયતની થોરીયાળી બેઠકની મતગણતરી પર પણ રાજકીય પક્ષો અને ઉમેદવારોની નજર રહેશે.
ક્યાં કેટલું મતદાન થયું?
રવિવાર, 11 ઓક્ટોબરના રોજ યોજાયેલી ચૂંટણીમાં વિવિધ વિસ્તારોમાં અલગ-અલગ મતદાન નોંધાયું હતું. ગાંધીનગર મહાનગરપાલિકામાં 59.25 ટકા, ઓખા નગરપાલિકામાં 63.27 ટકા અને થરા નગરપાલિકામાં 81.18 ટકા મતદાન થયું હતું.
તેવી જ રીતે પડધરી તાલુકા પંચાયતની થોરીયાળી બેઠક પર 75.19 ટકા અને દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતની ભાડથર બેઠક પર 65.44 ટકા મતદાન નોંધાયું હતું. બાયડ નગરપાલિકામાં 58.26 ટકા, છોટાઉદેપુર નગરપાલિકામાં 66.06 ટકા અને ખેરાલુ નગરપાલિકામાં 73.16 ટકા મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.
ઉમેદવારોના ભાવિનો આજે થશે ફેંસલો
મતગણતરી શરૂ થતાં જ વિવિધ બેઠકો પર ઉમેદવારોની હાર-જીતનું ચિત્ર સ્પષ્ટ થવા લાગશે. ખાસ કરીને ગાંધીનગર મહાનગરપાલિકા, ઓખા અને થરા નગરપાલિકાનાં પરિણામો પર રાજકીય વર્તુળોની નજર રહેશે. મતદારોએ આપેલા જનાદેશથી સ્થાનિક રાજકારણમાં કોને સત્તા મળશે અને કોને હારનો સામનો કરવો પડશે તેનો ફેંસલો આજે થશે.